“ડબલ એન્જિન સરકારમાં ટ્રિપલ દેવાદાર બન્યું ગુજરાત”: ડૉ. મનીષ દોશી
ગાંધીનગર,તા.20
ગુજરાત પર વધતા જાહેર દેવા મુદ્દે ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર પર રાજકીય પ્રહાર કર્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ નિવેદનમાં કહ્યું કે “ડબલ એન્જિન”ના મોટા દાવાઓ વચ્ચે આજે ગુજરાત પર અંદાજે ₹4,45,537 કરોડથી વધુનું જાહેર દેવું છે, જે રાજ્યની આર્થિક સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
ડૉ દોશીએ દાવો કર્યો હતો કે આ આંકડા મુજબ દરેક ગુજરાતી નાગરિકના માથે સરેરાશ ₹68,577 જેટલું દેવું બેસે છે. “શું આ વિકાસનું મોડેલ કહેવાય?” એવો સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે છેલ્લા કેટલાંક વર્ષોમાં વિકાસના નામે મોટા પ્રોજેક્ટોની જાહેરાતો અને ભવ્ય સમારંભો યોજાયા, પરંતુ તેનો સીધો લાભ સામાન્ય નાગરિકને કેટલો મળ્યો તે ચર્ચાનો વિષય છે.
યુવાનો, ખેડૂતો અને વેપારીઓની ચિંતા
ડૉ. દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં યુવાનો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે, ખેડૂતો પાકના યોગ્ય ભાવ માટે લડી રહ્યા છે અને નાના વેપારીઓ મોંઘવારી તથા બજારની મંદીથી પરેશાન છે. આવા સમયમાં સરકાર પર વધતા દેવાના ભાર અંગે પારદર્શિતા જરૂરી છે.
તેમણે આક્ષેપ કર્યો કે જાહેર નાણાંનો મોટો હિસ્સો જાહેરાતો અને છબી નિર્માણ કાર્યક્રમોમાં વપરાય છે, જ્યારે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, રોજગાર અને નાના ઉદ્યોગોને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.
આવતી પેઢી પર વ્યાજનો ભાર ?
કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દેવું વધે એટલે વ્યાજનો બોજ પણ વધે છે, જે આવતી પેઢી પર આર્થિક ભાર મૂકે છે. તેમણે કહ્યું કે જવાબદાર શાસનમાં નાણાકીય શિસ્ત અને જવાબદારી અનિવાર્ય છે.
કોંગ્રેસની માંગણીઓ
- કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ નીચે મુજબની માંગણીઓ રજૂ કરવામાં આવી છે
- રાજ્યના કુલ દેવા અંગે વિગતવાર અને પારદર્શક હિસાબ જાહેર કરવામાં આવે
- જાહેરાત અને ઇવેન્ટ ખર્ચમાં કાપ મૂકવામાં આવે
- યુવાનો માટે સ્થાયી રોજગારની સ્પષ્ટ નીતિ લાવવામાં આવે
- કૃષિ અને નાના ઉદ્યોગોને વાસ્તવિક અને સીધી સહાય આપવામાં આવે
- અંતમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે “સમય છે સવાલ પૂછવાનો, જવાબદારી માગવાનો અને સાચા વિકાસની દિશામાં પગલાં લેવાનો.”