ભરૂચ(Bharuch): ભરૂચના નન્નુમીયા ઝૂપડપટ્ટીમાં રહેતી વિધવાનાં સંતાન મોબાઈલ ગેમની (Mobile Game) રીસ રાખી તેના દિયરે કહ્યું કે, “તને અને તારી દીકરીઓને બહુ ચરબી ચઢી છે. તમને તો હું જોઈ લઈશ”. જે તકરારમાં દિયરે વિધવા પર નળિયું છૂટ્ટું મારી દીધું હતું. આથી માથામાં વાગતાં ચક્કર આવીને ઢળી પડતાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલના બિછાને છે.
ભરૂચની નન્નુમીયા ઝૂપડપટ્ટીમાં મજૂરીકામ કરતી ૩૫ વર્ષની વિધવા નયના સુખદેવ વસાવાને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. તા.૨/૨/૨૦૨૨ના રોજ રાત્રે બાજુમાં રહેતા તેમના દિયર ધર્મેશ મથુર વસાવા અને દેરાણી ગીતા ધર્મેશ વસાવા સાથે તેમની નણંદ ટીના વસાવા સાથે છોકરાઓને મોબાઈલ ગેમ રમવા બાબતે બોલાચાલી થઈ હતી. જે બાબતે વિધવા બહેનની દીકરી ૧૪ વર્ષની બિદિયા અને ૧૧ વર્ષની દીકરી અનિતા છોડાવતી હતી. તેની રીષ રાખીને તા.૩/૨/૨૦૨૨ના રોજ બપોરે નયનાબેન કીમ ખાતેથી આવતાં તેના દિયર અને દેરાણી ફરીથી ગાળો બોલવા માંડી હતી. તેમના દિયર ધર્મેશ વસાવાએ માટીનું નળિયું છૂટ્ટું નયના વસાવાને મારતાં આંખની ઉપર વાગતાં ચક્કર આવતાં ઢળી પડી હતી. એ વખતે દેરાણીએ વિધવાના વાળ પકડીને ઢીકાપાટુનો માર માર્યો હતો. વચ્ચે નણંદ અને નણદોઈએ બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. જે બાબતે ભરૂચ બી ડિવિઝનમાં દિયર અને દેરાણી વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
વાપી જીઆઇડીસીમાં ચાર કિશોરને કપડા કાઢાવી માર મરાયો
વાપી : વાપી જીઆઇડીસી થર્ડ ફેસની નિહાલ એન્જિનિયરીંગ વર્ક્સ કંપનીના સંચાલકોએ પંદર-સોળ વર્ષના ચાર કિશોરને ભંગારની ચોરીની શંકા રાખી દોરીથી હાથ બાંધીને કપડા કાઢાવીને માત્ર અન્ડરવીયરમાં પટ્ટાથી તેમજ પ્લાસ્ટીક પાઇપથી માર માર્યો હતો. એક કિશોરના પિતાને આ વાતની જાણ થતાં ત્યાં પહોંચીને બાળકોને છોડાવ્યા હતા. આ બનાવ અંગે એક કિશારના પિતાએ વાપી જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો છે. વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં મૂળ ઝારખંડના કિશોર લખીરામ સોરેન દ્વારા નિહાલ કંપનીના બે શેઠ તથા બે માણસો હાજર હોવાનું જણાવી તેના ૧૬ વર્ષના પુત્ર તથા અન્ય ત્રણ સગીર વયના છોકરાને માત્ર અન્ડરવીયરમાં કંપનીમાં ગોંધી રાખી બધાના હાથ પાછળની તરફ બાંધીને પટ્ટાથી તેમજ પ્લાસ્ટીકના પાઇપથી માર માર્યો હતો. બાળકો રડતા હતા અને છોડી દેવા માટે આજીજી કરતા હતા. બાળકો ડરી ગયા હતા. બાળકો સાથે ક્રુરતા કરી કાયદો હાથમાં લઇને માર મારવાના આ બનાવ માટે એક બાળકના પિતાએ હિંમત દાખવીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વાપી જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.