Editorial

આંતરરાષ્ટ્રીય પ્રવાસો બાબતે છૂટછાટો વધી રહી છે, છતાં આ પ્રવાસોને કોવિડ પહેલાના સ્તરે પહોંચતા હજી સમય લાગશે

ગયા વર્ષની શરૂઆતમાં દુનિયાભરમાં કોવિડ-૧૯નો રોગચાળો ફેલાવાની શરૂઆત ત્યારથી ધીમે ધીમે આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધો અમલમાં આવવા માંડ્યા હતા, જે પ્રતિબંધોમાં બાદમાં ઘણી છૂટછાટ અપાઇ છતાં હજી પણ આ પ્રવાસ પ્રતિબંધો ચાલુ જ છે. એક તબક્કે આખી દુનિયામાં વિમાનોની ઉડાઉડ અટકી ગઇ હતી, ધીમે ધીમે બબલ એરેન્જમેન્ટ સહિત નિયંત્રિત રીતે આંતરરાષ્ટ્રીય પ્રવાસો શરૂ થયા ખરા પરંતુ હજી પણ આંતરાષ્ટ્રીય પ્રવાસો કોવિડના પહેલાના સમયગાળાના સ્તરે પહોંચ્યા નથી.

આ પ્રતિબંધો દરમ્યાન ઘણી બધી આંતરરાષ્ટ્રીય બેઠકો, સરકારી અને બિનસરકારી – બંને – રૂબરૂને બદલે વીડિયો લિંકથી યોજાઇ, યુએનની સામાન્ય સભાની બેઠકમાં પણ વિશ્વ નેતાઓના પ્રિ-રેકર્ડેડ ભાષણોથી કામ ચલાવી લેવામાં આવ્યું, મુસ્લિમોની સતત બે હજયાત્રાઓ વૈશ્વિક હજયાત્રીઓ વિના જ યોજાઇ. હવે રસીકરણ વ્યાપક થયા પછી આંતરરાષ્ટ્રીય પ્રવાસો પરથી પ્રતિબંધો ઉઠી રહ્યા છે પરંતુ હજી પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસોને કોવિડના પહેલાના સ્તરે પહોંચતા ઘણો સમય લાગશે એમ લાગે છે.

ભારતે હાલમાં સંકેત આપી દીધો છે કે લગભગ દોઢ વર્ષના પ્રતિબંધ પછી તે વિદેશી પર્યટકોને ભારત આવવાની છૂટ આપશે. અલબત્ત, કોવિડની રસી મૂકાવેલા પ્રવાસીઓને જ ભારતમાં પ્રવેશની છૂટ અપાશે. બીજી બાજુ, જ્યાં વિશ્વભરમાંથી સૌથી વધુ પ્રવાસીઓ ઠલવાતા હોય છે તે અમેરિકાએ હવે  એક નવી ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમ જાહેર કરી છે જેના હેઠળ રસી મૂકાવેલ વ્યક્તિઓને નવેમ્બરની શરૂઆતથી દેશમાં પ્રવેશ અપાશે.આ બાબત આવશ્યક રીતે ભારત જેવા દેશો પરનો પ્રવાસ પ્રતિબંધ ઉઠાવી લે છે જેમના પર અમેરિકાએ અગાઉ પ્રતિબંધ મૂક્યો હતો.

ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૦ની શરૂઆતમાં કોરોનાવાયરસના રોગચાળાના આરંભ સમયે તમામ વિદેશી પ્રવાસીઓને અમેરિકામાં દાખલ થવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારત જેવા દેશોના રસી મૂકાવેલા લોકો હવે તેમના રસીકરણનો પુરાવો દર્શાવીને અમેરિકા આવી શકશે એમ વ્હાઇટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું હતું. આ નવી સિસ્ટમમાં અમેરિકામાં આવતા મુસાફરોનથી કોવિડ-૧૯ના ફેલાવાને અટકાવવા, અમેરિકનોના રક્ષણ માટે તથા આંતરરાષ્ટ્રીય હવાઇ પ્રવાસ વધુ સલામત બનાવવા માટે કડક પ્રોટોકોલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે જ વિશ્વના અન્ય દેશોની માફક અમેરિકા પણ પોતાના નાગરિકોને ચેપથી બચાવવાની ચિંતા ધરાવે છે.

હાલની ક્વોરેન્ટાઇનની જરૂરિયાતો અને ભારત, બ્રાઝિલ્, યુકે, ચીન, ઇરાન અને સાઉથ આફ્રિકા જેવા દેશોમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધો અંગે પૂછવામાં આવતા વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે નવેમ્બરની શરૂઆતથી અમેરિકા આ નવી અને વધુ કડક ગ્લોબલ સિસ્ટમ અપનાવશે. તેમાં રસી મૂકાવેલા નાગરિકોએ સાબિત કરવું પડશે કે તેમણે રસી મૂકાવી છે, પ્રવાસ પહેલાના ત્રણ દિવસની અંદર ટેસ્ટિંગ કરાવવું પડશે અને ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તેનું પ્રમાણપત્ર બતાવવું પડશે. આ ઉપરાંત સીડીસી દ્વારા તમા એરલાઇનોને તેમના પ્રવાસીઓના ફોન નંબરો, ઇ-મેઇલ એડ્રેસ સહિતની માહિતી રાખવાનું જણાવાશે જેથી જરૂર પડ્યે કોન્ટેક્ટ ટ્રેસિંગ શકય બની શકે. અમેરિકા આંતરરાષ્ટ્રીય પ્રવાસોની બાબતમાં હજી પણ કેટલી સાવધાની રાખી રહ્યું છે તે આના પરથી સમજી શકાય છે.

દુનિયાભરમાં રસીના છ કરોડ જેટલા ડોઝ અપાઇ ગયા હોવાનો અંદાજ છે, જો કે કોવિડની મોટા ભાગની રસીઓ પૂરેપૂરી કારગર પુરવાર થઇ નથી, તે એક જુદી ચર્ચાનો વિષય છે પરંતુ આ વ્યાપક રસીકરણ પછી વિશ્વમાં હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસો બાબતે ઢીલ અને છૂટછાટો મળી રહી છે અને વિવિધ દેશો પોતાની નવી આંતરરાષ્ટ્રીય પ્રવાસ નીતિઓ જાહેર કરી રહ્યા છે, પરંતુ હજી પણ ખતરો ટળ્યો નથી અને થોડી ચિંતાનો માહોલ તો છે જ, ત્યારે અગાઉ કહ્યું તેમ આંતરરાષ્ટ્રીય પ્રવાસોને હજી પણ કોવિડ પહેલાના સ્તર પર પહોંચતા ઘણો સમય લાગી શકે છે.

Most Popular

To Top