Comments

માહિતી કે યાદશક્તિને ડહાપણ સાથે સરખાવવું એ એક સામાજિક ભ્રમ છે, યુવલ નોઆ હરારી

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયનાં ૩૧ રાજય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોનાં ૭૮૧ ४७% જિલ્લાઓમાં ૭૪૩૦૦ શાળાઓના સર્વે રિપોર્ટમાં જણાવાયું છે કે ધોરણ ૯ નાં વિદ્યાર્થીઓ (મૌખિક ગુણાકાર) ઘડિયા યાદ રાખી બોલી શક્તાં નથી. જાન્યુઆરી ૨૦૨૫માં પ્રકાશિત વિગતો આધારે વિભાગ ગણિતનાં શિક્ષકોને ગુરુકુળ શિક્ષણ વ્યવસ્થામાં પ્રચલિત યાદદાસ્ત આધારિત પરંપરાગત ગણિતને સુદૃઢ કરવા ભલામણ કરે છે. જો કે અભ્યાસના તારણમાં એક સુખદ સમાચાર એ રહે છે કે ૫૮% વિદ્યાર્થીઓ પોતાની ભાષાની અભિવ્યક્તિમાં સુદૃઢ જણાયાં છે.

ભારત સરકારનાં શિક્ષણ વિદ્વાનોનાં સૈદ્ધાંતિક સંશોધનથી તદ્દન અવળી દિશામાં એક અહેવાલ જાપાનની ચુઓ યુનિવર્સિટીના પ્રોફેસર ઇજુમી સજુ દ્વારા પ્રકાશિત થયો છે. જાપાનમાં વિદ્યાર્થીઓમાં વધતાં જતાં આક્રમક વલણ ઉપરના અભ્યાસમાં દર્શાવાયું કે સામાન્ય રીતે શાંત વિનમ્ર અને બીજાંઓનું સન્માન જાળવવા માટે ઓળખાતાં જાપાની વિદ્યાર્થીઓ છેલ્લા એકાદ દશકામાં વધુ ચિડચિડા બની રહ્યાં છે જેના મૂળમાં શાળાઓનો બદલાએલ અભ્યાસક્રમ જવાબદાર છે. પ્રાધ્યાપક ચુઓ વિદ્યાર્થીઓનાં વલણ પરિવર્તનનાં અભ્યાસ આધારે નોંધે છે કે વિષયોને સમજવા માટે પુસ્તકાલયના બહોળા વાચન પર આધારિત વિદ્યાર્થીઓ પાસે શાળા દ્વારા યાદદાસ્ત આધારિત અપેક્ષિત અભિવ્યક્તિનો આગ્રહ રખાતાં એકંદરે શાળા નિરસ બની છે. વિદ્યાર્થીઓમાં વધતા તણાવનું કેન્દ્ર કારણ શિક્ષણ પદ્ધતિ બને છે જે સંશોધનનું તારણ પણ છે.

જ્ઞાનની આપ-લે એક સામાજિક વ્યવહાર છે. પૃથ્વીના જૈવિક વાતાવરણ ઉપર વસતી અનેક પ્રજાતિઓ પૈકી માત્ર માનવ પોતાનાં સંતાનોને પરસ્પરના સહયોગથી જીવન જીવવા અને વિકાસને સુનિશ્ચિત કરવાની તકનિક વારસામાં આપે છે. પૃથ્વી ઉપર બૌદ્ધિક માનવ (હોમો ડેયસ)ના ઇતિહાસને અશ્મિ (ફોસિલ્સ) આધારે ક્રમબદ્ધ કરનાર પ્રા.ડૉ.યુવલનોઆ હરારી પોતાના સંશોધન પુસ્તક સેપીયન્સમાં જણાવે છે કે માનવસર્જીત રીતરસમો, પરંપરા, શાસકો નિર્મિત કાયદાઓ અને ઈશ્વરના નામે અપાતો બોધ ૫૦૦૦ વર્ષ પહેલાં સુમેરીયન અને ઈજીપ્તમાં ભીંતચિત્રો અને કોતરણીમાં જોવા મળે છે.

પ્રથમ સંજ્ઞા-સંકેતો અને તે પછી ભાષા સ્વરૂપે જ્ઞાનની આપ-લે વિકસતા છેક ૯ મી સદીમાં ચીનથી ઝાડ-પાનની છાલ ઉપર માનવ મસ્તિષ્કનાં સંગ્રહિત જ્ઞાનની નોંધણી થઈ તે પહેલાં યાદદાસ્ત તરીકે સચવાએલ માહિતી ભારતમાં શ્રૃતિ (સાંભળેલ) તરીકે વિસ્તરેલું. લેખક નોંધે છે કે સંસ્કૃત ભાષામાં ઊતરી આવેલ વેદની રચનાઓને કંઠસ્થ રાખનારને હિંદુસ્તાનમાં દ્વિવેદી, ત્રિવેદી અને ચતુર્વેદી તરીકે જાણવામાં આવે છે.

ગુજરાતમાં જૈન મુનિઓએ વર્ષ ૮૦૧૮માં હસ્ત લિખિત ગ્રંથોમાં ધર્મનું જ્ઞાન સંગ્રહિત કર્યાના પુરાવા આજ પણ ઉપલબ્ધ છે અને આજથી ૭૦૦ વર્ષ પહેલાં યુરોપથી વિકસેલ પ્રિન્ટીંગ ટેક્નોલોજી થકી માનવ મસ્તિષ્કના તમામ વિચારો, કલ્પના અને રચનાત્મક આવિષ્કારો, લેખન, ચિત્ર સ્વરૂપે પુસ્તકાલયોમાં સંગ્રહિત કરવાનું પ્રારંભાયું છે ત્યારે હવે આધુનિક સમયમાં યાદદાસ્ત અને માહિતી સંગ્રહના પારંપારિક ખ્યાલને તિલાંજલિ આપવી ઘટે છે. વિશ્વમાં યુવકોનાં કથળી રહેલા માનસિક સ્વાસ્થ્ય અંગે લેન્સેટ સાયકિયાટ્રીક કમિશનના અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ઝેન ઝી પેઢી હવે વૉકેશનલ કોર્સ તરફ વળ્યા છે અને અમેરિકામાં કોલેજની ડિગ્રી હવે ગોલ્ડન પાસ રહી નથી તેનું એક કારણ મસ્તિષ્કમાં માહિતીના અતિ સંગ્રહનો થાક છે.

નેચર ઓફ ન્યુરોન્સ નામે ફ્રેન્કફુર્ટથી પ્રકાશિત મેગેઝીનના અભ્યાસ અહેવાલ અનુસાર માનવીય મગજ નવીનતાને પસંદ કરે છે. નવા અનુભવોથી ડોપામાઈન (હોરમોન)ની માત્રા વધે છે જેથી ન્યુરોન્સ નવાં જોડાણો પામે છે અને વ્યક્તિને પ્રાકૃતિક ખુશીનો અહેસાસ મળે છે. જે પ્રક્રિયા નિશ્ચિત માહિતીને મગજમાં સ્થિર કરી રાખવામાં વિકસતી નથી. અહેવાલ નોંધે છે કે માનવીય મસ્તિષ્ક પોતાનાં ઈલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલની રેઈન્જથી પરિચિત લોકો અને વાતાવરણમાંથી ૩૦ થી ૩૫ ટકા સંવેદના એકત્ર કરે છે. સંશોધન લેખ જણાવે છે કે ભટકાવની મજા માણતા ડાર્વિન અને આઈન્સ્ટાઈન જેવા શોધકોએ તેની સર્જન શ્રૃંખલા જીવિત રાખી પ્રયોગશીલ રહેવાનું પસંદ કર્યું તો જગતને મહત્ત્વની શોધો પ્રાપ્ત થઈ છે. આપણા અનુભવમાં પણ એક કહેવત છે ‘ફરે તે ચરે બાંધ્યો ભૂખ્યો મરે.”

માનવમનના અર્ધ જાગ્રત મસ્તિષ્કને સર્જનાત્મક બનાવવાનો માર્ગ મસ્તિષ્કમાં સંગ્રહિત જ્ઞાનની પાર રહેલ છે તે એકથી વધુ સંશોધનમાં જણાયું છે. પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં જંગલ લાઈવોરીનો સફળ પ્રયોગ દવિ છે કે માહિતી અને જ્ઞાનને પુસ્તકોમાં, કોમ્પ્યુટરના સેમી કંડક્ટર અને મોબાઈલ કવરેજમાં રાખી માનવમસ્તિષ્કને જીવન સાથે જોડાએલ કૌશલ્ય આધારિત કરીએ તોજ સોલ્યુશન બેઈઝ સોસાયટી તૈયાર થશે. ન્યુરો સાઈકોલોજિસ્ટ ડૉ. સુર્જન કપુર જેને સન્ડેસ્કેરીઝ તરીકે જાણે છે તે રવિવાર પછીના સોમવારની શાળા-ઓફીસ બોજીલ બની રહે છે. લેખક નોંધે છે જે શાળા કે વર્ક પ્લેસ માણસ માટે સર્જનના આનંદની મોકળાશ આપતી નથી ત્યાં મસ્તિષ્ક તેની પૂર્ણ શક્તિથી ખીલી શકતું નથી અને મગજના ન્યુરોન્સમાં સંગ્રહિત માહિતી ૧૮% વધુ ઓકિસજન સ્પેઈસ લેતું હોઈ જીવન વધુ થાક રૂપ બનાવે છે.

હયુમન કાઈન્ડમાં માનવ ઇતિહાસવિદ્ રૂખ્તેર બ્રેખ્માન નોંધે છે તેમ ઉરાંગ-ઉટાંગ (વાનર) અને મનુષ્ય જૈવિક રીતે તો ૯૬ % સામ્ય ધરાવે છે. પરંતુ જગતના ઈતિહાસમાં કોઈ વાનરોએ મહોલ્લો, કસબો કે ગામ સ્થાપ્યાની હકીકત સામે નથી આવતી. કારણ પૃથ્વીના ગોળા ઉપર એક માત્ર માનવ સહજ રીતે પરિવર્તન સ્વીકારનાર રહ્યો છે અને વિકસ્યો છે ત્યારે વિકસતા વિજ્ઞાન અને ટેક્નોલોજીના સહારે લિપિ, અક્ષરો, ભાષા, છાપકામ, પુસ્તકોની પરંપરાને સેમી કંડકટરમાં સ્થિર કરી માનવમસ્તિષ્કને વધારાની માહિતીના સંગ્રહાલય તરીકે પ્રતિષ્ઠામુક્ત કરીએ અને તો જ ભારતની નવી પેઢી રચનાત્મક આવિષ્કારના આનંદથી ગૌરવાન્વિત થઈ શકશે. નવી પેઢીને મસ્તિષ્કની યાદદાસ્ત આધારે ચાલતી શિક્ષણ અને સામાન્ય જ્ઞાનની સ્થાયી પરંપરાથી મુક્ત કરીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top