દેવામાં ડૂબેલી ખાનગી અને સરકારી કંપનીઓ વચ્ચે મર્જરનો પ્રયોગ, ટેલિકોમ સેકટર માટે આશાનું કિરણ સાબિત થઇ શકે

તાજેતરમાં વોડાફોન-આઇડીયા (VI) તથા તાતા ટેલીએ સરકારના એજીઆર રૂપી બાકી લેણાં ચૂકવવા માટે સ્ટોકરૂપી ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે, સરકાર આ કંપનીઓના તાળા વાગી જાય તેવું ઇચ્છતી નથી. જે સંકેત ખૂબ જ સારા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ સંકેત એવું પણ દર્શાવી રહ્યા છે કે, સરકાર ટેલીકોમ ક્ષેત્રમાં કોઇ મોનોપોલી ઇચ્છતી નથી, જેથી ગ્રાહકોને નુકશાન થાય અને આ ટેલીકોમ સેકટરમાં હેલ્થી કોમ્પીટીશન ચાલે. હાલમાં ટેલીકોમ સેકટરમાં ભાવ કાપની હરિફાઇ ચાલી રહી છે, પરંતુ આ હરિફાઇ બેથી વધુ એટલે કે રિલાયન્સ જિયો અને ભારતી એરટેલના હાથમાં સરકી જાય તો ફરીથી સીન્ડીકેટ રચીને ભાવ વધારો શરૂ થઇ શકે. જેના પરિણામે આ બે કંપનીઓ સિવાય અન્ય કંપનીઓની હાજરી એટલી જ આવશ્યક છે. જેથી આ કંપનીઓ સીન્ડીકેટ રચીને ગ્રાહકો ઉપર જોહુકમી કરી ન શકે.

આશ્ચર્યની વાત એ છે કે, હાલમાં સરકાર ટેલીકોમ સહિતની સરકારી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ ઉપર ફોકસ કરી રહી છે. આ સમયે સરકારે વધુ દેવાદાર કંપનીઓના સ્ટોકનો હિસ્સો લઇને બોજો વધારી રહી છે. જે કેટલું યોગ્ય ગણી શકાય. પરંતુ ગ્રાહકલક્ષી નજરીયાથી જોઇએ તો સરકારનું આ ખૂબજ વાજબી અને યોગ્ય પગલું ગણી શકાય.
વોડાફોન-આઇડિયા ભલે એમ કહે કે સરકારનો હિસ્સો વધુ હોય પણ મેનેજમેન્ટ તો અમારૂં જ રહેશે. જોકે, સરકારે બહુ ખોંખારીને મેનેજમેન્ટ આ બાબતે વાત કરી નથી, પણ સરકાર તેમના ડિરકેટરોને મુકશે એટલે મેનેજમેન્ટનું કશુંજ ચાલવાનું નથી. અને જો મેનેજમેન્ટ મજબૂત હોત તો આ દિવસ આવ્યા નહોત.

વોડાફોન આઇડિયા અંગે સરકારની ખાસ વાત એવી છે કે, આ ડૂબતી કંપનીને બચાવવા માટે સરકાર તારણહાર બની છે, પરંતુ જો સરકાર આ નિર્ણય ન લેત તો ગમે ત્યારે કંપની ફડચામાં જઇ શકે એમ હતી. જેથી સરકારે વધુ એક કંપનીને નેગેટીવ રિસ્પોન્સ આપ્યો હતો. સરકારે હિસ્સો ખરીદ્યા પછી આગળના પગલાં બાબતે કોઇ પહેલ કરી નથી. પરંતુ સરકારે કંપનીને દેવામાં કેંચી જનારા પરિબળોનો અભ્યાસ કર્યો હતો અને હવે જયારે હવાલો સંભાળશે ત્યારે તે કંપનીના માળખામાં અનેક ફેરફારો કરી તેને ફાઇવ જીની ડીલીવરી માટે સક્ષમ બનાવશે.

બીજી બાજું, સરકારની બે ટેલિકોમ કંપની એમટીએનએલ અને બીએસએનએલ કે જે ખાનગી ટેલીકોમ ઓપરેટરો સામે સક્ષમતાથી ઉભી રહી નથી અને ડચકાં ખાઇ રહી છે. ત્યારે આ ટેલીકોમ કંપનીઓ અને ખાનગી કંપની સાથે જોડાણ કરી દેવામાં આવે તેવી પણ શક્યતા નકારી શકાતી નથી. પરંતુ આ મર્જર કેટલું વાજબી રહેશે, તે નિષ્ણાંતો જ અભ્યાસ કરીને સમજાવી શકશે.

વોડાફોન-આઇડિયા, તાતા ટેલી તથા આરકોમ જે ખાનગી ઓપરેટરો છે, જે કંપનીઓ ફડચામાં છે અથવા ફડચામાં જઇ શકે છે. ત્યારે સરકાર આ કંપનીઓના મર્જર કરીને પ્રોફેશનલ મેનેજમેન્ટ લાવીને તેને ચલાવવામાં આવે તો આ કંપનીઓને ઉગારી શકાય. એમટીએનએલના ડિસઇન્વેસ્ટમેન્ટની વાત ચાલી રહી છે, કંપની પાસે જમીનોનો ભંડાર પડેલો છે અને આ જમીનોની કિંમત ખૂબજ ઉંચી ઉપજે તેમ છે. ત્યારે આ કંપનીઓના મર્જર કરવામાં આવે તો વધુ બે કંપનીઓ બજારની હરિફાઇમાં જોરશોરથી આવી શકે તેમ છે. ખાસ કરીને આગામી મહિનાઓમાં 5જી સ્પકટ્રમની હરાજી થનારી છે અને આ હરાજીમાં આ કંપનીઓ ભાગ લઇને નવેસરથી પુરજોશથી બજારમાં એન્ટ્રી કરે તો રિલાયન્સ જિયો અને ભારતી એરટેલની ચાલી રહેલી મોનોપોલીને તોડી શકાશે.

બીએસએનએલ અને વોડાફોન આઇડિયા વચ્ચેના મર્જર કરવામાં આવે તો બીએસએનએલ પાસે લેન્ડલાઇન અને વાયફાય કનેકટીવીટીનું નેટવર્ક પથરાયેલું છે. જ્યારે વોડાફોન આઇડિયા મોબાઇલ નેટવર્કની જાળ પથરાયેલી છે. જેથી આ કંપનીઓ લેન્ડલાઇન-વાયફાય નેટવર્ક, મોબાઇલ નેટવર્ક એમ ફુલ પેકેજ આપી શકશે. માત્ર સેટઅપ બોક્સ-ડીટીએચ સેકટરમાં એન્ટ્રી કરવાની રહેશે. આ મર્જર મહદઅંશે સફળ થઇ શકે તેમ છે, પરંતુ તેના માટે યોગ્ય મેનેજમેન્ટ થવું જરૂરી છે. હાલના વોડાફોન-આઇડિયાના મેનેજમેન્ટથી સફળતા મળે તેવું લાગી રહ્યું નથી.

હાલની સ્થિતે જોઇએ તો વોડાફોન-આઇડિયાના ગ્રાહકો તૂટી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે અને આ તૂટી રહેલા ગ્રાહકો રિલાયન્સ જિયો તરફ વળી રહ્યા છે અને આ ગ્રાહકોને ખેંચવા માટે એરટેલ પણ નવી સ્કીમો લાવી રહી છે. જોકે, હાલમાં સરકારે હિસ્સો લઇને કંપનીને ઓકસીજન આપવાનું કામ કર્યુ છે, પરંતુ ફાઇવ જી સ્પેકર્ટમની હરાજી થવાની છે અને આ હરાજીમાં વોડાફોન-આઇડિયા હિસ્સો લેશે, પરંતુ જિયો અને એરટેલ કાર્ટેલ રચીને ટેરિફ સ્પર્ધામાં વોડાફોન-આઇડિયાને હડસેલી શકે છે. આ સમયમાં સરકારની મદદ પણ નકામી સાબિત થઇ શકે છે. જેથી સરકારે અહીંથી અટકવાના બદલે બીએસએનએલ સાથે મર્જર થાય તો આશાનું કિરણ ઉદભવી શકે તેમ છે. સરકારે આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે.

Most Popular

To Top