Gujarat

ચાર વીજ કંપનીઓની ભરતીમાં ગેરરિતીની તપાસ થશે : ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર(Gandhinagar): વિદ્યાર્થી (Student) અગ્રણી યુવરાજસિંહ જાડેજાએ (Yuvraj Singh Jadeja) રાજયમાં છેલ્લા ત્રણ વર્ષમાં ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હવોનો આક્ષેપ કર્યો છે. જેમાં સાબરકાંઠા આ સમગ્ર કૌભાંડનું એપી સેન્ટર હોવા ઉપરાંત એ ભરતી માટે 21 લાખ લેવાયા હોવાના આક્ષેપ કર્યા છે. બીજી તરફ રાજયના સીએમ ભૂપેન્દ્ર પટેલે સમગ્ર કૌભાંડમાં તપાસના આદેશ કર્યા છે. જો કે એટલું જ નહીં હાલમાં ચાલી રહેલી ઊર્જા વિભાગની ભરતીઓમાં કડક હાથે કામ લઈને વધુ પારદર્શીતા આવે તેવા પગલા લેવા જણાવ્યું છે.

ઊર્જા વિભાગની ભરતીમાં ભ્રષ્ટાચારના આરોપો બાદ ગાંધીનગરમાં સરકારમાં એક પ્રકારનું ટેન્શન પેદા થવા પામ્યુ હતું. રાજય સરકારાના પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે રાજ્યના યુવાનોના ભવિષ્ય માટે રાજ્ય સરકાર હર હંમેશ પારદર્શી છે અને રહેશે જ. રાજ્યના ઊર્જા વિભાગ હસ્તકના જેટકો દ્વારા ચાલી રહેલી જુનિયર ઇજનેરની પરીક્ષા સંદર્ભે જે આક્ષેપો થયા છે, તે તમામ આક્ષેપોની આયોજન સંપૂર્ણ પારદર્શીતાથી તપાસ કરાશે અને આક્ષેપોમાં જો તથ્ય જણાશે તો કસુરવારોને રાજ્ય સરકાર નહીં છોડે.

વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં યોજાઇ રહેલ જુનિયર એન્જિનિયરની આ પરીક્ષાઓ સંદર્ભે મીડિયાના માધ્યમો દ્વારા ગેરરીતિના જે આક્ષેપો જાણવા મળ્યા છે તે સંદર્ભે સરકારે ત્વરીત તપાસના આદેશો આપ્યા છે. અને આગામી તા.૭મી જાન્યુઆરી સુધી યોજાનાર પરીક્ષા વધુ સંપૂર્ણ પારદર્શી રીતે યોજવા કડક આદેશો કર્યા છે.

પ્રવક્તા મંત્રીએ પરીક્ષામાં ગેરરીતિ સંદર્ભે થયેલા આક્ષેપો અંગે જે લોકોએ જાણકારી આપી છે તેને આવકારતા કહ્યુ કે, યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કોઈપણ તત્વોને રાજ્ય સરકાર છોડવા માંગતી નથી ભુતકાળમાં પણ અમે ચાર્જશીટ સહિતના કડકમાં કડક પગલાઓ લીધા છે એટલે ભવિષ્યમાં પણ આવું કદી ન બને એ માટે અમારૂ મન હંમેશ ખુલ્લુ છે. ક્યાંય પણ આવુ બનતુ હોય તો રાજ્ય સરકારનું ધ્યાન દોરવા તેમણે અપીલ પણ કરી છે.

વાઘાણીએ જણાવ્યું હતું કે જેટકો દ્વારા રાજ્યમાં જુનિયર એન્જિનિયરની સિવિલ અને ઇલેક્ટ્રિકલના સંવર્ગ માટેની ૩૫૨ જગ્યાઓ માટે આજથી પરીક્ષા શરૂ થઇ છે. ૨૨ સેન્ટરો પર આ પરીક્ષા યોજાઇ રહી છે અને અંદાજે ૩૫ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. પરીક્ષા પારદર્શી રીતે યોજાય તે માટે CCTV તથા વીડિયોગ્રાફી ધ્વારા સર્વેલન્સ સાથે પરીક્ષા યોજાઇ રહી છે. આ પરીક્ષા ઓનલાઇન લેવાઇ રહી છે. જેમાં મેરીટના આધારે પસંદગી થનાર છે. ઊર્જા મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ પરીક્ષા પારદર્શી રીતે યોજાય એ માટેનું નક્કર આયોજન કરાયું છે.

Most Popular

To Top