નવી દિલ્હી: અનિલ અંબાણીની (Anil Ambani) દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ પાવરના (Reliance Power) શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સ્ટોક એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. જેના કારણે આ કંપનીના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને ઉત્તમ વળતર મળ્યું છે. વાસ્તવમાં, માત્ર બે ટ્રેડિંગ દિવસોમાં રિલાયન્સ પાવરના શેર 37 ટકા સુધી વઘી ગયા છે. જ્યારે રિલાયન્સ પાવરનો હિસ્સો છેલ્લા એક મહિનામાં 64 ટકાથી વધુ તૂટી ચૂકયો છે. તે જ સમયે એક વર્ષમાં 75 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તેજી પાછળ ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર (FII)ની ખરીદી હોવાનું જણાયું છે. રિલાયન્સ પાવરના શેર એવા 32 શેરોમાં સામેલ છે જેમાં FIIએ છેલ્લા એક વર્ષમાં તેનો હિસ્સો 3 ટકા સુધી વધાર્યો છે.
શેરના ભાવમાં સતત વધારા વચ્ચે BSE પર રિલાયન્સ પાવરનું માર્કેટ કેપ વધીને રૂ. 7,700 કરોડથી વધુ થઈ ગયું છે. શુક્રવારે ટ્રેડિંગના અંતે, શેર 5 ટકાથી વધુ ઉછળીને રૂ. 21.30 પર બંધ થયો હતો. નોંધપાત્ર રીતે આ વર્ષે જુલાઈની શરૂઆતમાં, રિલાયન્સ પાવરના શેરધારકોએ વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન તેમની સંપત્તિના મુદ્રીકરણ માટેની વિશેષ દરખાસ્તને ફગાવી દીધી હતી. કંપની દ્વારા BSE ફાઇલિંગ દર્શાવે છે કે 72.02 ટકા મત રિલાયન્સ પાવરની તરફેણમાં હતા, જ્યારે 27.97 ટકાએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આ રીતે એજીએમમાં ખાસ ઠરાવ પસાર થઈ શક્યો ન હતો. કારણ કે તમામ વિશેષ ઠરાવોને 75 ટકા કે તેથી વધુ શેરધારકોના મત દ્વારા મંજૂર કરવા જરૂરી હતા. કંપની વિશે રિલાયન્સ પાવર લિમિટેડ એ રિલાયન્સ ગ્રુપનો એક ભાગ છે, જે ભારતના સૌથી મોટા બિઝનેસ હાઉસમાંનું એક છે. આ જૂથ ટેલિકોમ્યુનિકેશન, નાણાકીય સેવાઓ, મીડિયા અને મનોરંજન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા સહિત અનેક ક્ષેત્રોમાં કાર્ય કરે છે. ઊર્જા ક્ષેત્રની કંપનીઓમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવરનો સમાવેશ થાય છે.