સુરત શહેરમાં કોમર્શિયલ ગેસની અછતનો મુદ્દો હવે ગંભીર બનતો જઈ રહ્યો છે. વિશ્વસ્તરે વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ ને કારણે ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ સપ્લાય ચેન પર અસર જોવા મળી રહી છે. જેના પડઘા હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે.
માહિતી અનુસાર ગેસ કંપનીઓ દ્વારા ઉદ્યોગો અને મોટા સંસ્થાઓને આપવામાં આવતો કોમર્શિયલ ગેસનો જથ્થો ઘટાડી દેવાયો છે. સુરતની સુમુલ ડેરીને આપવામાં આવતો કોમર્શિયલ ગેસ પણ લગભગ 50 ટકા સુધી ઘટાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગેસ સપ્લાયમાં આ ઘટાડાને કારણે ઘણા ઉદ્યોગો માટે પડકારજનક સ્થિતિ ઉભી થઈ શકે છે. જોકે, આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુમુલ ડેરી દ્વારા પહેલેથી જ વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ડેરીના પ્લાન્ટમાં કાર્યરત બોઇલર અને અન્ય મશીનરી સતત ચાલુ રહે તે માટે અલગ-અલગ વિકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે. જેથી ગેસની અછત વચ્ચે પણ ઉત્પાદન પ્રક્રિયા પર કોઈ મોટી અસર ન પડે તે માટે ડેરી તંત્ર સજ્જ બન્યું છે.
સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ ગેસ સપ્લાયમાં ઘટાડો થયો છે, પરંતુ ડેરી દ્વારા આગોતરા આયોજન કરવામાં આવ્યું છે. દૂધ પ્રોસેસિંગ અને ડેરીના રોજિંદા ઉત્પાદન પર તેની કોઈ અસર ન પડે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરત અને દક્ષિણ ગુજરાતના લાખો લોકો માટે સુમુલ ડેરી મહત્વપૂર્ણ દૂધ સપ્લાયનું કેન્દ્ર છે. તેથી ગેસની અછત જેવી પરિસ્થિતિમાં પણ દૂધ પ્રોસેસિંગ, પેકિંગ અને સપ્લાયની પ્રક્રિયા અટકશે નહીં.
આ રીતે વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક સ્તરે પડકારો ઉભા થયા હોવા છતાં સુમુલ ડેરી દ્વારા સજ્જતા દર્શાવીને દૂધ સપ્લાય વ્યવસ્થાને અખંડિત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.