નવી દિલ્હી: બાર્બાડોસ (Barbados) બેરીલ તોફાન શાંત થયા બાદ આખરે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આજે બુધવારે એક વિશેષ ફ્લાઇટમાં બાર્બાડોસથી ભારત આવવા રવાના થઇ હતી. ત્યારે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ગુરુવારે સવારે નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સવારે 11 વાગ્યે ભારતીય ટીમને મળશે.
30 જૂનના રોજ વર્લ્ડ કપ ફાઈનલ માટે રિઝર્વ ડે હતો, ત્યારે ટીમ ઈન્ડિયા 01 જુલાઈએ બાર્બાડોસથી ટેક ઓફ કરવાની હતી, પરંતુ ત્યાંનું હવામાન અચાનક બગડી ગયું હતું. તેમજ સતત વરસાદ અને બેરીલ તોફાનના કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ત્યાં જ ફસાઇ ગયા હતા અને તેઓ વર્લ્ડ કપ જીત્યાના ત્રણ દિવસ પછી એટલે કે ચોથા દિવસે ભારત આવવા રવાના થયા હતા. ત્યારે આવતીકાલે ભારત આવ્યા બાદનું વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમનું શેડ્યુલ પણ સામે આવ્યું છે.
શું છે ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શિડ્યુલ?
ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી BCCI દ્વારા બુક કરવામાં આવેલી એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટમાં રવાના થઈ હતી. ત્યારે ત્યાં ફસાયેલા ભારતીય પત્રકારો પણ આ જ ફ્લાઈટ દ્વારા આવી રહ્યા હોવાની માહિતી સાંપડી હતી. બુધવારે રવાના થયા બાદ ભારતીય ખેલાડીઓ હવે 4 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાની આસપાસ ભારત પહોંચશે. જ્યાં એરપોર્ટ પર ભારતીય ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે.
ભારત આવ્યા બાદ આવતીકાલે એટલે કે 4 જુલાઇએ સવારે 11 વાગ્યે ભારતીય ખેલાડીઓ વડા પ્રધાનના નિવાસસ્થાને પીએમ મોદીને મળશે. આ પછી ટીમ મુંબઈ જશે. જ્યાં નરીમન પોઈન્ટથી રોડ શો થશે અને બાદમાં BCCI દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. ટીમ ઇન્ડીયાના આ રોડ શોનું આયોજન સાંજે 05 વાગ્યે કરવામાં આવશે. બીસીસીઆઈ સેક્રેટરીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરી હતી.
રોહિત શર્માની ફેન્સને ખાસ અપીલ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપ જીત્યા બાદ ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. અગાઉ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ હારના માત્ર 7 મહિના બાદ ટીમ ઈન્ડિયા રોહિતની કેપ્ટન્સીમાં જ T20 વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
મુંબઈમાં યોજાનારા રોડ શો પહેલા રોહિત શર્માએ ભારતીય ચાહકોને ખાસ અપીલ કરી છે. રોહિત શર્માએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે ભારત, અમે તમારા બધા સાથે આ ખાસ ક્ષણનો આનંદ માણવા માંગીએ છીએ. તો ચાલો 4 જુલાઈના રોજ સાંજે 5:00 વાગ્યે મરીન ડ્રાઈવથી વાનખેડે સુધીની વિજય પરેડ સાથે આ જીતની ઉજવણી કરીએ.