SURAT

કોલેજની યુવતીએ ઇન્સ્ટાગ્રામ આઈડીથી વોઈસ કોલ કરી મળવા બોલાવી વિદ્યાર્થીને માર માર્યો

સુરત : અમરોલી ખાતે કોલેજના (College) વિદ્યાર્થીને એક યુવતીએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ફોન કરીને ગાળો આપી મળવા બોલાવ્યો હતો. જ્યાં તેના મિત્રો સાથે મળી વિદ્યાર્થીને માર માર્યો હતો. જ્યાં વિદ્યાર્થીના મિત્રોએ યુવતી સાથે આવેલા યુવક પર હુમલો કર્યો હતો. બંને જણાએ ઉત્રાણ પોલીસમાં (Police) સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.અમરોલી ગામમાં મસ્જીદ મહોલ્લામાં રહેતો 19 વર્ષીય સાહિલ શેરૂભાઇ શેખ કોલેજમાં અભ્યાસ કરે છે. તેને અજય ભરવાડ, સુમિત્ર, ઉર્મિલ પટેલની બહેન ઉર્વીશા તથા બીજા ત્રણ અજાણ્યા સામે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફટકા તથા લોખંડની પાઈપ, બેટથી માર માર્યો
ફરિયાદમાં જણાવ્યા મુજબ સાહિલને ઉર્વીશા નામની છોકરીએ ઈન્સ્ટ્રાગ્રામ આઈડીથી વોઈસકોલ કરી ગાળો આપી હતી. અને સાહિલને ગોપીન ગામ રિંગરોડ ખાતે બોલાવ્યો હતો. જ્યાં યુવતી સાથે અન્ય આરોપીઓ અજય ભરવાડ, સુમિત્ર તથા બીજા ત્રણ અજાણ્યાઓએ સાહિલને લાકડીના ફટકા તથા લોખંડની પાઈપ, બેટથી માર માર્યો હતો. સાહિલને ડાબા પગ, માથા અને હાથ તથા પેટના ભાગે ઇજાઓ થઈ હતી. સાહિલના મિત્ર રાકેશ તથા સૈફને હાથના ભાગે ઈજા કરી નાસી ગયા હતા.

માથાના ભાગે માર મારી ઈજા કરી હતી
સામે અજય લાખાભાઈ સાટીયા (ભરવાડ) એ પણ સાહિલ શેખ, રાકેશ ચાવડા તથા તેની સાથેના બીજા ચાર અજાણ્યા સામે સામી ફરિયાદ નોંધાવી હતી. જેમાં અજયે આરોપીઓને તેના મિત્ર ઉર્મીલ નાકરાણી તથા તેમની બહેન ઉર્વશી સાથે ઝગડો નહી કરવા કહ્યું હતું. પરંતુ સાહિલ સહિતના આરોપીઓએ અજય સાથે ઝઘડો કરી લાકડાના ફટકા વડે જમણા હાથે, ડાબા પગની એડી પર તથા માથાના ભાગે માર મારી ઈજા કરી હતી. ઉત્રાણ પોલીસે બંનેની ફરિયાદ લઈ વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top