સુરત: શહેરના વરાછા (Varacha) વિસ્તારમાં આવેલી જે.ડી.ગાબાણી કોલેજમાં (College) ગણેશ સ્થાપનાની માંગણી સાથે વિદ્યાર્થીઓએ (Student) વિરોધ નોંધાવ્યો હતો. કોલેજમાં પંડાલ બનાવી ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવા દેવાની માંગણી કરતાં વિદ્યાર્થીઓએ પ્રતીક ધરણાં કર્યાં હતાં, અને આચાર્ય તેમજ ટ્રસ્ટીઓ સમક્ષ હિન્દુઓના પર્વની ઉજવણી કરવા દેવાની આજીજી કરી હતી.
શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વરાછા રોડની જાણીતી જે.ડી.ગાબાણી(ધારુકાવાળા) કોમર્સ કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સાંસ્કૃતિક પર્વની ઉજવણી કરવા દેવાની માંગણીઓ કરવામાં આવી રહી હતી. પરંતુ સંચાલકો ટસના મસ થતા ન હતા. જેને લઇને છાત્રોમાં ભારે નારાજગી જોવા મળી હતી. લાંબા સમયથી આ મામલે છાત્રો અને કોલેજ સત્તાધીશો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ ગજગ્રાહ પછી પણ મામલો નહીં ઉકેલાતાં શુક્રવારે સવારે અકળાયેલા વિદ્યાર્થીઓએ ગણેશ સ્થાપન કરવાની મંજૂરી આપવાની માંગણી સાથે પ્રતીક ધરણાં ઉપર ઊતરી ગયા હતા. લગભગ બેથી ત્રણ કલાક સુધી ધરણાં કર્યાં હતાં. છાત્રોની માંગણી બુલંદ બનવા સાથે આખરે આચાર્ય અને ટ્રસ્ટીઓએ નમતું જોખી કેમ્પસમાં ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મંજૂરી આપી હતી.
ડક્કા ઓવારા પર ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનવાનું હોવાથી રવિવારી બજાર નહીં ભરાય
સુરત : શહેરમાં ગણેશ ઉત્સવની તૈયારી ધામધુમથી ચાલી રહી છે. મનપા દ્વારા વિસર્જન માટે કુત્રિમ તળાવો બનાવવાનું પણ ચાલુ કરી દેવાયું છે. ત્યારે સેન્ટ્રલ ઝોનમાં તાપી નદી કિનારે ડક્કા ઓવારા પર કૃત્રિમ તળાવ બનાવવા માટે આયોજન કરાયું હોય. ડક્કા ઓવારા ખાતે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાલમાં શરુ કરવામાં આવી છે જેના કારણે 28 ઓગસ્ટ અને 4 સપ્ટેમ્બરના રવિવારે કૃત્રિમ તળાવ બનાવવાની તથા વિસર્જનની કામગીરી થવાની હોય આ બે રવિવારે રવિવારી બજાર નહીં ભરાય તે માટે પાલિકાએ જાહેરનામું બહાર પાડ્યું છે.