ગાંધીનગર: પૂર્વીય પવનના કારણે રાજયમાં હાલમાં ઠંડી ઘટી છે, જયારે તાપમાનમાં થોડોક વધારો થયેલો છે. શુક્રવારે દિવસ દરમ્યાન ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે, આજે દિવસ દરમ્યાન કચ્છના નલિયામાં 13.6 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે.
જો કે હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, રાજયમાં 48 કલાક પછી ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી નીચે ગગડી જશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાન વધ્યું છે. હવામાન વિભાગના સુત્રોએ કહ્યું હતું કે, શુક્રવારે રાજયના વિવિધ શહેરોમાં ગરમીનો પારો 30થી 32 ડિ.સે.ની આસપાસ રહેવા પામ્યો હતો.
જયારે રાજયના અન્ય શહેરો પૈકી ભૂજમાં 16 ડિ.સે.,નલિયામાં 14 ડિ.સે.,કંડલા પોર્ટ પર 19 ડિ.સે.,કંડલા એરપોર્ટ પર 17 ડિ.સે., અમરેલીમાં 19 ડિ.સે.,ભાવનગરમાં 21 ડિ.સે.,રાજકોટમાં 18 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 20 ડિ.સે.,મહુવામાં 19 ડિ.સે., અમદાવાદમાં 21 ડિ.સે.,ડીસામાં 20 ડિ.સે.,ગાંધીનગરમાં 21 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 21 ડિ.સે.,વડોદરામાં 21 ડિ.સે.,અને સુરતમાં 22 ડિ.સે.,અને દમણમાં 21 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.
સુરતમાં તાપમાનમાં નજીવા ફેરફારો, દિવસે ગરમી યથાવત
સુરત: શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન હવામાનમાં નાનામોટા ફેરફાર નોંધાયા છે. મહત્તમ તાપમાન એક ડિગ્રી ઘટીને ૩૩.૬ ડિગ્રી નોંધાયું જ્યારે લઘુત્તમ તાપમાન એક ડિગ્રી વધીને ૨૨ ડિગ્રી સુધી પહોંચ્યું. તાપમાનમાં આવી નાની ચઢઉતાર છતાં ગરમીનું પ્રબળ પ્રભાવ યથાવત રહ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં ૬૪ ટકા ભેજ સાથે ઉત્તર–પશ્ચિમ દિશાનો પવન ૪ કિમી પ્રતિ કલાકની ગતિએ ફૂંકાયો હતો. ભેજનું પ્રમાણ ઊંચું રહેતા બપોરના સમયમાં ઉકળાટ વધી ગયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા બે દિવસ સુધી તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા ન હોવાથી હાલ જેવું વાતાવરણ છે તે જ યથાવત રહેશે.
બપોરે ઉકળાટ અને સવારે-સાંજે હળવો ઠંડો પવન અનુભવાશે. વિભાગના અનુસાર બે દિવસ બાદ ઉત્તર તરફથી ઠંડા પવનોની એન્ટ્રી વધતા ફરી એક વાર ઠંડીમાં વધારો થઈ શકે છે. લઘુત્તમ તાપમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરતવાસીઓને સલાહ આપવામાં આવી છે કે તાપમાનમાં આવનારા ફેરફારોને ધ્યાનમાં રાખીને વહેલી સવારે બહાર નીકળતી વખતે ખાસ સાવચેતી રાખવી.