પુણે : સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા(SII)ના અધ્યક્ષ ડો. સાયરસ પૂનાવાલાએ જણાવ્યું હતું કે તેઓ બહેતર અસરકારકતા માટે બે જુદી જુદી કોરોનાવાયરસની રસીઓનું મિશ્રણ (cocktail vaccine) કરવાના વિરુદ્ધમાં છે.
પૂનાવાલા, કે જેમની કંપની કોવિશિલ્ડ (Covishield) રસી બનાવે છે તેઓ અહીં લોકમાન્ય તિલક એવોર્ડ સ્વીકાર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. હું બે જુદી જુદી રસીઓનું મિશ્રણ કરવાની વિરુદ્ધમાં છું. બે જુદી જુદી રસીઓનું મિશ્રણ કરવાની જરૂર નથી. એમ તેમણે જણાવ્યું હતું જ્યારે તેમણે આઇસીએમઆર (ICMR)ના તાજેતરના એક અભ્યાસ બાબતે પૂછવામાં આવ્યું હતું જેમાં કહેવાયું હતું કે કોવિશિલ્ડ અને કોવેક્સિન (Covaxin)નું કોકટેઇલ બહેતર પ્રતિકારશક્તિ જન્માવી શકે છે.
જો કોકટેઇલ રસીઓ આપવામાં આવશે અને જો પરિણામ સારુ નહીં આવે તો સીરમ ઇન્સ્ટિટ્યુટ કહેશે કે અન્ય રસી સારી નથી, અને આનાથી ઉંધુ પણ થઇ શકે છે કે અન્ય કંપની કહેશે કે તમે સિરમની રસી ભેળવી તેથી ઇચ્છિત પરિણામ આવ્યું નહીં એમ પૂનાવાલાએ જણાવ્યું હતું. રસીઓના મિશ્રણના અભિગમની અસરકારકતા ફિલ્ડ ટ્રાયલોમાં પુરવાર થઇ નથી જેમાં હજારો ભાગ લેનારાઓનો સમાવેશ થાય છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
તમિલનાડુના વેલ્લોરમાં આવેલી ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (સીએમસી) એ કોવિશિલ્ડ અને કોવાક્સિનના મિશ્રણ ડોઝ પર અભ્યાસ માટે અરજી કરી હતી. આના પર, નિષ્ણાત સમિતિએ ભલામણ કરી છે કે CMC ને આ અભ્યાસ હાથ ધરવા દેવો જોઈએ. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, નિષ્ણાત સમિતિએ CMC ને ફેઝ -4 ના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવા ભલામણ કરી છે, જેમાં 300 લોકોને કોવિશિલ્ડ અને કોવાક્સિનની માત્રા આપવામાં આવશે. આ અધ્યયનનો ઉદ્દેશ એ શોધવાનો છે કે રસીકરણનો કોર્સ પૂર્ણ કરવા માટે કોઈને વિવિધ રસી ડોઝ આપી શકાય છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક પણ કોરોનાની અનુનાસિક રસી પર કામ કરી રહી છે. નિષ્ણાત સમિતિએ ભારત બાયોટેકને કોવાક્સિનના અને નેજલ રસીના મિશ્રણ પર અભ્યાસ હાથ ધરવાની ભલામણ પણ કરી છે.
સિરમના અધ્યક્ષ ડો. સાયરસ પૂનાવાલાએ એમ પણ જણાવ્યું હતું કે 50 વર્ષ અગાઉ સરકારી પરવાનગીઓ મેળવવા અધિકારીઓના જાણે પગે પડવું પડતું હતું અને ઘણી હેરાનગતિ થતી હતી પણ મોદી સરકારના શાસનમાં લાલફીતાશાહી અને લાયસન્સ રાજનું દૂષણ ઘણું ઘટી ગયું છે.