Gujarat

અમદાવાદમાં CNGના ભાવમાં ફરી દોઢ રૂપિયાનો વધારો

અમદાવાદ : અમદાવાદમાં વાહનચાલકો માટે ફરી એકવાર મોંઘવારીનો ઝટકો આવ્યો છે, અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) દ્વારા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પ્રતિ કિલો રૂ. 1.50નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 2 એપ્રિલ 2026થી અમલમાં આવ્યો છે અને નવા દર મુજબ અમદાવાદમાં CNGનો ભાવ હવે રૂ. 83.77 પ્રતિ કિલો થઈ ગયો છે. આ ભાવવધારાની સીધી અસર શહેરના હજારો ઓટો-રિક્ષા ચાલકો, CNG ટેક્સી ઓપરેટરો અને મધ્યમવર્ગના વાહનચાલકો પર પડશે, જેમને પહેલેથી જ વધતી મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે.

વર્ષ 2026ની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ CNGના ભાવમાં રૂ. 1.21નો ઘટાડો કરવામાં આવ્યો હતો, જેના કારણે થોડોક સમય માટે રાહત અનુભવાઈ હતી, પરંતુ ત્યારબાદ ફરી વધારાનો સિલસિલો શરૂ થયો. 7 ફેબ્રુઆરી 2026ના રોજ રૂ. 0.50નો વધારો કરવામાં આવ્યો હતો અને હવે 2 એપ્રિલે વધુ રૂ. 1.50નો વધારો થતાં જાન્યુઆરીમાં મળેલી રાહત સામે અત્યાર સુધીમાં કુલ રૂ. 2.00નો વધારો થઈ ગયો છે.

અદાણી દ્વારા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસમા છેલ્લા કેટલાક વર્ષોથી CNGના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2025 દરમિયાન ચાર વખત ભાવ વધારવામાં આવ્યા હતા, જેના કારણે કુલ રૂ. 3.40નો વધારો થયો હતો. તે પહેલાં જુલાઈ 2023થી ઓક્ટોબર 2023 દરમિયાન પાંચ વખત નાના વધારા કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2024માં રૂ. 1.00 અને ડિસેમ્બર 2024માં રૂ. 0.22નો વધારો નોંધાયો હતો, જ્યારે જાન્યુઆરી 2025માં રૂ. 1.50નો મોટો વધારો કરવામાં આવ્યો હતો. આ સતત વધારાઓને કારણે સામાન્ય નાગરિકો માટે દૈનિક ખર્ચનું સંતુલન જાળવવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે.

CNGનો ઉપયોગ મોટા પ્રમાણમાં ઓટો-રિક્ષા, ટેક્સી અને ખાનગી વાહનોમાં થતો હોવાથી ભાવવધારાની અસર સીધી લોકોના ખિસ્સા પર પડે છે. ઓટો અને ટેક્સી ભાડામાં વધારો થવાની શક્યતા છે, જ્યારે મધ્યમવર્ગના પરિવારો માટે મુસાફરીનો ખર્ચ વધુ વધશે. પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહેલા નાગરિકો માટે આ વધારો વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

Most Popular

To Top