National

દિલ્હીમાં ઝેરી વાયુ પ્રદૂષણ અટકાવવા માટે 10,000 ઇલેક્ટ્રિક હીટરનું વિતરણ, CM રેખા ગુપ્તાની જાહેરાત

દિલ્હીમાં વધતા ઝેરી વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા દિલ્હી સરકારે શિયાળાની ઋતુ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શહેરભરમાં RWA અને સુરક્ષા કર્મચારીઓને 10,000 ઇલેક્ટ્રિક હીટર વહેંચવાની જાહેરાત કરી છે.

દિલ્હીમાં શિયાળો શરૂ થતાં જ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. ખાસ કરીને ઠંડી દરમિયાન લાકડા અને કોલસા સળગાવવાની પ્રથા વાયુ પ્રદૂષણમાં સૌથી મોટો ફાળો આપે છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે તા. 22 નવેમ્બર શનિવારે 10,000 ઇલેક્ટ્રિક હીટરનું વિતરણ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો.

પીતમપુરાના દિલ્હી હાટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી મનજિન્દર સિંહ સિરસાની હાજરીમાં આ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો. સીએમ ગુપ્તાએ જણાવ્યું કે શિયાળાની ઋતુ દરમ્યાન “સ્થાનિક કાર્બન ઉત્સર્જન ઘટાડવા” માટે આ યોજના સરકારના મોટા અભિયાનનો ભાગ છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે “શિયાળામાં લોકો દ્વારા લાકડા અને કોલસા સળગાવવું પ્રદૂષણનું મુખ્ય કારણ બને છે. પ્રદૂષણ સામેની લડાઈમાં આ સરકારનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. અમે ઇલેક્ટ્રિક હીટર આપીને લોકોને વિનંતી કરીશું કે તેઓ લાકડા ન સળગાવે જેથી પ્રદૂષણમાં ઘટાડો થાય.”

સીએમ ગુપ્તાએ જણાવ્યું કે આ પહેલને સફળ બનાવવા જનસહભાગિતા અત્યંત જરૂરી છે. “દિલ્હીના દરેક રહેવાસીએ આ અભિયાનમાં જોડાવું પડશે. અમે તમામ RWAને સાથે લઈશું અને જે વિસ્તારો સારું કામ કરશે તેમને સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવશે,”

તેમણે વધુમાં કહ્યું કે RWAના સભ્યો પોતાના વિસ્તારોમાં લોકોને સ્વચ્છ અને સુરક્ષિત ગરમી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરશે. લોકો લાકડા ન સળગાવે તેની દેખરેખ રાખવામાં પણ RWA મદદ કરશે.

દિલ્હી હાલમાં પ્રદૂષણના ગંભીર સ્તર પહોંચી ગઈ છે અને આવા સમયમાં સરકારનું આ પગલું રાહતરૂપ સાબિત થઇ શકે છે.

Most Popular

To Top