Gujarat

સરકારનો વ્યવહાર એવો હોય કે સામાન્ય માનવી રજૂઆત સહજતાથી કરી શકે : પીએમ

ગાંધીનગર : રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી (CM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) 20 વર્ષ પહેલાં એટલે કે 24 એપ્રિલ, 2003ના રોજ SWAGAT (સ્વાગત – સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) કાર્યક્રમની શરૂઆત કરી હતી. રાજ્ય સરકારના સ્વાગત કાર્યક્રમને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે અને છેલ્લા 2 દાયકામાં આ કાર્યક્રમ દ્વારા ગુજરાતના 5 લાખ લોકોની વિવિધ ફરિયાદોનું નિરાકરણ થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે શરૂ કરાવેલી જનફરિયાદ નિવારણની આ પહેલ ”સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી”-સ્વાગત કાર્યક્રમે હવે તો વિશ્વમાં ગુડ ગવર્નન્સની આગવી દિશાસૂચક પહેલ તરીકે ખ્યાતિ મેળવી છે.

‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો આ ઉપક્રમ આગામી તા.ર૪ એપ્રિલે બે દાયકાની મંઝિલ પાર કરી ર૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૦૩થી ‘સ્વાગત’ અન્વયે દર મહિનાના ચોથા ગુરૂવારને ફરિયાદ નિવારણ દિવસ તરીકે પ્રસ્થાપિત કરેલો છે. આજે ર૭ એપ્રિલે-ચોથા ગુરૂવારે યોજાનારા ‘સ્વાગત’ કાર્યક્રમમાં ઓનલાઇન કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધન કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહયું હતું કે , કોઇ પણ આયોજન, વ્યવસ્થા જ્યારે તૈયાર થાય ત્યારે તેની પાછળ એક વિઝન અને નિયત હોય છે તે ભવિષ્યમાં કેવી પરિણામદાયી હશે તેના એન્ડ રિઝલ્ટ પણ આ વ્યવસ્થાઓ જ આપે તેવી દૂરંદેશીતા વાળી હોય છે.

પીએમ મોદીએ આજે બપોર પછી સ્વાગત ઓન લાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે વર્ચ્યુઅલ સંબોધન વખતે ‘સ્વાગત’ના લાભાર્થીઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો. પીએમ મોદીના સંબોધનનું ‘બાયસેગ’ના માધ્યમથી ગ્રામ્ય કક્ષા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. મોદીએ આ તકે જણાવ્યું હતું કે સરકારનો વ્યવહાર એવો હોય કે સામાન્ય માનવી પોતાની વાત-રજૂઆત સહજતાથી સાંજા કરી શકે અને સરકારને દોસ્ત સમજે. તેમણે કહ્યું હતું કે જ્યારે શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારે જ તેમણે નિર્ણય કર્યો હતો કે લોકોની વચ્ચે રહીને અને લોકો પાસેથી જાહેરજીવનમાં જે શિખ્યા, જે અનુભવો મેળવ્યા છે તેને સાથે રાખીને પ્રજાના પ્રશ્નોનું સમાધાન લાવવા નિષ્ઠાપૂર્વક કર્તવ્યરત રહેશે. જનતા જનાર્દનની વચ્ચે, જનતા જનાર્દન માટે રહેવાના સમર્પણમાંથી ‘સ્વાગત’નું વિચારબીજ પ્રગટયું છે એમ તેમણે ઉમેર્યુ હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, બે દાયકાની સ્વાગતની આ સફળતા ઇઝ ઓફ લિવીંગ અને રીચ ઓફ ગવર્નન્સ દ્વારા ગુડ ગવર્નન્સના ગુજરાત મોડેલની એક વૈશ્વિક પહેચાન બની ગઇ છે.

મોદીએ ‘સ્વાગત’ને મળેલા યુ.એન એવોર્ડ, ઇ-ગવર્નન્સ એવોર્ડ અને ભારત સરકારના ગોલ્ડ એવોર્ડ જેવા પુરસ્કારોની ભૂમિકા આપતાં કહયું હતું કે સફળતાનો સૌથી મોટો એવોર્ડ તો એ છે કે અમને ‘સ્વાગત’ દ્વારા લાખો લોકોની સમસ્યા, પીડા, દુવિધા દૂર કરવાની સેવા તક મળી છે. વડાપ્રધાને ગ્રામ્ય, તાલુકા, જિલ્લા સ્વાગત કાર્યક્રમોમાં આવતી રજુઆતોના નિવારણ સાથે રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીએ રાવ-ફરિયાદ કાને ધરવાની અને ત્વરિત નિરાકરણની જવાબદારી સંભાળી ‘સ્વાગત’ ને સૌ માટે સહજ બનાવ્યો છે તેની પણ વિશેષતાઓ વર્ણવી હતી.

પીએમ મોદીએ એમ પણ જણાવ્યું હતું કે, ‘સ્વાગત’ની રજૂઆતો પરથી એક મજબૂત ફિડબેક સિસ્ટમ ઊભી થઇ અને અંતિમ છૌરના વ્યક્તિને મળવાપાત્ર લાભ મળે છે કે કેમ, કોઇ પરેશાની કે કનડગત નથી ને, હક્કનું મળે છે કે કેમ તેવા ફિડબેક મળતા થયા. એટલું જ નહિ, જન સામાન્યની તકલીફ, શિકાયતોની સીધી જાણકારી મુખ્યમંત્રી સ્તરે મળવાથી તેના નિવારણના કર્તવ્યપાલનની જવાબદારી પણ નિષ્ઠાપૂર્વક નિભાવી શકાઇ છે. સ્વાગતે જન સામાન્યમાં એક વિશ્વાસ ઉભો કર્યો અને આ જ ‘સ્વાગત’ મોડેલની પરિપાટીએ હવે તેમણે ભારત સરકારમાં ‘પ્રગતિ’ કાર્યક્રમ શરૂ કર્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, લોકતંત્રની સફળતાનું મહત્વપૂર્ણ ત્રાજવું એટલે પબ્લિક ગ્રીવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ સમગ્ર દેશમાં દાયકાઓ સુધી સરકારોમાં એવી માન્યતા હતી કે બની-બનાવેલી નીતિઓના આધારે જ વ્યવસ્થાઓ ચાલતી એનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતે ‘સ્વાગત’ના માધ્યમથી આ આખીયે સોચ બદલવાનું કામ કર્યુ છે. ગર્વનન્સ એટલે નિયમો, કાનૂન, જૂની પદ્ધતિઓ કે નીતિઓ જ નહિં, આઇડીયાઝ-ઇનોવેશનથી ગવર્નન્સને જીવંત-સંવેદનશીલ બનાવી શકાય તેવી પરિપાટી ‘સ્વાગત’થી ઊભી થઇ છે.’સ્વાગત’ અનેક રાજ્યો માટે મોડેલ કેસ સ્ટડી બન્યો છે અને રાજ્ય સરકારો તેને અપનાવતી થઇ છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

વહીવટી તંત્રએ લોકોની રજૂઆતો માટે સંવેદનશીલ અભિગમ દાખવવો જ પડે – દાદા
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રજા કલ્યાણની સર્વોપરીતા એ ગુડ ગવર્નન્સ તરફનો રાજમાર્ગ છે. પ્રજા કલ્યાણ માટે કાર્યરત વહીવટી તંત્રએ લોકોની રજૂઆતો માટે સંવેદનશીલ અભિગમ દાખવવો જ પડે. પીએમ નરેન્દ્ર મોદીએ ૨૦૦૩માં સ્વાગત કાર્યક્રમ શરૂ કરાવી આ અભિગમને ફળીભૂત કર્યો છે. સમયથી બે ડગલા આગળ ચાલી, કંઈક નવું જ વિચારી પ્રજાના હિતમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો તે વડાપ્રધાનની ખાસિયત છે. ૨૦૦૩માં જ્યારે દેશમાં ઓનલાઇન ફરિયાદ નિવારણ માટેની ટેકનોલોજી વિશે વાતો થતી હતી ત્યારે વડાપ્રધાનએ સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરાવી દીધો હતો. ફરિયાદ નિવારણની મજબૂત મિકેનિઝમ વિના સરકાર કે તેનું વહીવટી તંત્ર ક્યારેય અસરકારક કે જવાબદાર બની શકે નહીં, લક્ષિત પરિણામો આપી શકે નહીં. સ્વાગત કાર્યક્રમનો મુખ્ય હાર્દ જનતાની સમસ્યા જાણી, તેનું નિવારણ કરી, રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયોમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો છે.

Most Popular

To Top