ગાંધીનગર: ઉત્તર ગુજરાતમાં (Gujarat) ખાસ કરીને બનાસકાંઠાના વિવિધ તળાવો (Lack) ભરવા માટે સ્થાનિક લોકો દ્વારા પીએમ (PM) નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ (Post card) લખવાનું શરૂ કરવા સાથે કોંગ્રેસ પણ તેમાં જોડાઈને તળાવો નર્મદાના નીરથી ભરવા માટે માંગ કરી હતી. જેના પગલે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના ૧૩પ ગામોના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામીણ વસ્તીને પીવાના અને સિંચાઇના પાણી પહોંચાડવાની યોજના જાહેર કરી છે. આ હેતુ માટે સુજલામ-સુફલામ યોજના અન્વયે કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન માટે ૧પ૬૬.રપ કરોડના કામોને મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે ડીંડરોલ-મુકતેશ્વર ઉદવહન પાઇપ લાઇન માટે પણ ૧૯૧.૭૧ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની અનૂમતિ આપી છે.
બનાસકાંઠા જિલ્લાની ખાસ કરીને પાલનપૂર અને વડગામ તાલુકાની ગ્રામીણ વસ્તી, પશુપાલકો, ખેડૂતોની આ પાણી માટેની લોકલાગણી અને માંગણીનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આ કસરા-દાંતીવાડા અને ડીંડરોલ-મુક્તેશ્વર એમ બે ઉદવહન પાઇપ લાઇન યોજના સાકાર થવાથી અત્યાર સુધી નર્મદા મુખ્ય નહેરની સિંચાઇ સુવિધાથી વંચિત રહેલા બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રદેશના વિસ્તારોમાં સિંચાઇ સહિતના પાણીનો વિશ્વસનીય સ્ત્રોત ઉભો થશે. રાજ્યમાં ર૦૦૪માં સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકાઈ હતી. આ યોજનાના એક ભાગરૂપે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને નર્મદા જળ આપવા નર્મદા મુખ્ય નહેર આધારિત ૧૪ પાઇપ લાઇન યોજનાના આયોજનમાંથી ૧ર પાઇપ લાઇન યોજનાઓ પૂર્ણ થઇને કાર્યરત પણ થઇ ગયેલી છે. હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાકી રહેલી ૩૦૦ ક્યુસેકની વહન ક્ષમતા ધરાવતી ૭૮ કિ.મી લંબાઇની કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન યોજના માટે ૧પ૬૬.રપ કરોડ રૂપિયાની વહિવટી મંજૂરી આપી છે, એટલું જ નહિ, તેમણે મુક્તેશ્વર ડેમમાં નર્મદા જળ પહોચાડવા ૧૦૦ ક્યુસેકની વહન ક્ષમતા વાળી ૩૩ કિ.મી લાંબી ડીંડરોલ-મુક્તેશ્વર ઉદવહન પાઇપ લાઇન યોજના માટે પણ ૧૯૧.૯૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇનના કામો માટે જે વહિવટી મંજૂરી આપવામાં આવી છે તેના પરિણામે બનાસકાંઠા જિલ્લાના ડીસા, કાંકરેજ, દાંતીવાડા અને પાલનપૂર તાલુકાના ૭૩ ગામોના ૧પ૬ તળાવોને પાઇપ લાઇનથી જોડીને નર્મદા જળ અપાશે. આ ઉપરાંત પાટણ જિલ્લાના હારીજ અને સરસ્વતી તાલુકાના ૩૩ ગામોના ૯૬ તળાવો ભરવામાં આવશે. કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇનથી સમગ્રતયા રપર તળાવો નર્મદા જળથી ભરાવાને કારણે અંદાજે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઇ લાભ તેમજ ૩૦ હજારથી વધુ ગ્રામીણ ખેડૂતો પરિવારોને સિંચાઇ માટે, પીવા માટે અને પશુધન માટેના પીવાના પાણીની સુવિધા વધુ સરળતાએ મળતી થશે.
ડીંડરોલ-મુકતેશ્વર જળાશય માટે ૩૩ કિ.મી ની ઉદવહન પાઇપ લાઇન યોજના માટે ૧૯૧.૯૭ કરોડ રૂપિયાના કામોને મંજૂરી મળતા વડગામ તાલુકાના ર૪ ગામોના ૩૩ તળાવોને પાઇપ લાઇનથી જોડવામાં આવશે. આ ઉપરાંત પાટણ જિલ્લાના સિદ્ધપૂર તાલુકાના પાંચ ગામોના ૯ તળાવો જોડાશે. ડીંડરોલ-મુક્તેશ્વર ઉદવહન પાઇપ લાઇન યોજના દ્વારા નર્મદાનું ૧૦૦ ક્યુસેક પાણી વહન કરીને મુક્તેશ્વર જળાશયમાં નાખવામાં આવશે અને લાંબા સમયથી સુકા રહેલા આ જળાશયમાં પાણી મળશે. બનાસકાંઠાના પૂર્વ દિશાના ઊંચાઇવાળા ગામોની ર૦ હજાર હેક્ટર જમીનોને સિંચાઇનો લાભ અપાશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે બનાસકાંઠામાં સરદાર સરોવર નર્મદા મુખ્ય નહેરનો બહુધા પિયત વિસ્તાર પશ્ચિમ ભાગમાં આવેલો છે. જિલ્લાનો લગભગ ર/૩ વિસ્તાર આ નર્મદા મુખ્ય નહેરની પૂર્વ દિશામાં છે અને તેને સિંચાઇની વિશ્વસનીય વ્યવસ્થા મળતી ન હતી. એટલું જ નહિ, ભૂગર્ભ જળ સ્તર પણ સતત ઊંડા જતા અને રાજ્યમાં સૌથી વધુ પશુધન ધરાવતા બનાસકાંઠામાં પશુઓ માટે પણ પાણી ન મળવું એ ચિંતાનો વિષય હતો