Gujarat

ભારત યુવા દેશ છે, યુવા શકિત્તથી જ ભારતને વિશ્વ ગુરૂ બનાવી શકાશે – દાદા

ગાંધીનગર: અનંત યુનિવર્સિટી ખાતે આયોજિત ‘ફ્યુચર ઓફ લર્નિંગ: ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવ’ના સમાપન- સત્ર માં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત (India) એક યુવા દેશ છે એટલે યુવા શકિત્તની મદદ વડે ભારતને વિશ્વગુરૂ બનાવી શકાશે. તેમણે જણાવ્યું હતું કે પીએમ (PM) નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં આપણો દેશ અને ગુજરાત વિશ્વના પ્રવાહો સાથે કદમથી કદમ મિલાવીને વિકાસ રાહે દોડતા થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ટેકનોલોજી એટલી ઝડપે બદલાઈ રહી છે કે આજની શોધ આવતીકાલે જૂની થઈ જાય છે.

ફ્યુચર લર્નિંગ કેવું હોય, તેની સામેના પડકારો શું છે, તેના ઉપાયો શું હોય, તેનું સામુહિક વિચારમંથન અનંત નેશનલ યુનિવર્સિટીએ યોજ્યું તેને તેમણે ‘રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ’ ગણાવ્યું હતું. ૨૮થી ૩૦ માર્ચ દરમિયાન અનંત યુનિવર્સિટી ખાતે આયોજિત ‘ફ્યુચર ઓફ લર્નિંગ: ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવમાં દેશ-વિદેશના ૩૦ જેટલા ડેલિગેટ્સ સામેલ થયા હતા. જેમાં શિક્ષણવિદો, વહીવટકર્તાઓ, રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોએ સાથે મળીને મંથન કર્યું હતું.

સંશોધનને સમયની માંગ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે રોજ નવાં સંશોધનો આવિષ્કારોની ભરમાર આવે છે. જો તેની સાથે ન ચાલીએ તો પાછળ રહી જઈએ અને વિશ્વના પ્રવાહો સામે વામણાં લાગીએ. આપણો દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને યુવાશક્તિના આ ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ને સ્કીલફુલ બનાવી ભારતને વિશ્વગુરુ બનાવવાની પીએમ નરેન્દ્ર મોદીની નેમ છે.

વડાપ્રધાનના વિઝન વિશે જણાવતા પટેલે જણાવ્યું હતું કે, પીએમ મોદીની ગુજરાતને શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બનાવવાની નેમ છે. આ નેમને આગળ વધારતા ગુજરાત સરકારે બજેટમાં શિક્ષણ વિભાગ માટે આ વર્ષે ૪૩,૬૫૧ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જેનાથી રાજ્યમાં યુવાનોની તાલીમબદ્ધતા અને વર્લ્ડ ક્લાસ શિક્ષણના અવસરોને વેગ મળશે. તત્કાલીન સીએમ તરીકે મોદીએ ગુજરાતમાં વર્લ્ડક્લાસ એજ્યુકેશન આપતી અને સેક્ટર-સ્પેસિફિક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ-યુનિવર્સિટીઝ વિકસાવી છે. નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, મેરિટાઇમ યુનિવર્સિટી તેના ઉદાહરણો છે. તેમણે કહ્યું હતું કે,ગુજરાતમાં આવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝ સાથે જોડાણ કરવાની અને ઘરઆંગણે વર્લ્ડક્લાસ એજ્યુકેશનની પરિપાટી આપણે પાડી છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાની ડીકેન યુનિવર્સિટી સાથે ગિફ્ટ સિટીમાં કેમ્પસ શરૂ કરવા માટેના એગ્રીમેન્ટ થયા છે એમ તેમણે કહ્યું હતું.

Most Popular

To Top