ગાંધીનગર: વર્તમાન વડાપ્રધાન (PM) અને નરેન્દ્ર મોદીએ ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી (CM) તરીકે રાજ્યના સામાન્ય નાગરિકોની ફરિયાદોનું ન્યાયી ધોરણે સમયબદ્ધ ત્વરિત નિવારણ લાવવાના જનહિતકારી ભાવથી દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુજરાતમાં તા.ર૪ એપ્રિલ-ર૦૦૩થી શરૂ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે શરૂ કરાવેલી જનફરિયાદ નિવારણની આ પહેલ ”સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી”-સ્વાગત કાર્યક્રમે હવે તો વિશ્વમાં ગુડ ગવર્નન્સની આગવી દિશાસૂચક પહેલ તરીકે ખ્યાતિ મેળવી છે. ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો આ ઉપક્રમ આગામી તા.ર૪ એપ્રિલે બે દાયકાની મંઝિલ પાર કરી ર૧માં વર્ષમાં પ્રવેશ કરશે. તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૦૩થી ‘સ્વાગત’ અન્વયે દર મહિનાના ચોથા ગુરૂવારને ફરિયાદ નિવારણ દિવસ તરીકે પ્રસ્થાપિત કરેલો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાગતની સફળ બે દાયકાની મંઝિલ પાર કરવાના આ અવસરે તા.ર૭ એપ્રિલ, આગામી ગુરૂવારે, યોજાનારા રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઇન સહભાગી થશે. એટલું જ નહિ, ‘સ્વાગત’ની સફળતાની ફલશ્રુતિએ જે નાગરિકો-પ્રજાવર્ગોની સમસ્યાનું સુચારૂ નિવારણ આવ્યું છે તેવા લાભાર્થીઓ સાથે વડાપ્રધાન મોદી સંવાદ પણ કરવાના છે. વડાપ્રધાન ‘સ્વાગત’ના ર૧માં વર્ષ પ્રવેશ પ્રસંગે રાજ્યના જિલ્લા વહીવટીતંત્ર તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને સંબોધન સાથે માર્ગદર્શન આપશે. મુખ્યમંત્રી સ્વયં આ ‘સ્વાગત’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અરજદાર નાગરિકની રજૂઆત સાંભળે અને તેનું વાજબી નિવારણ લાવે તેવી સંવેદનશીલ પરિપાટી મોદી વિકસાવી છે.
નાગરિકોને પોતાની રાવ-ફરિયાદ અને રજૂઆતો માટે સ્થાનિક ફરિયાદો સાથે ઉચ્ચ કક્ષાએ કે સચિવાલય સુધી આવવું જ ન પડે તેવી તંદુરસ્ત સ્થિતીના નિર્માણમાં આ ‘સ્વાગત’ કાર્યક્રમ એક સિમાચિન્હ બની ગયો છે. પીએમ મોદીએ કંડારેલી સુશાસનની આ પરંપરાને વધુ તેજ ગતિએ આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ ‘સ્વાગત સપ્તાહ’ અન્વયે એપ્રિલ માસના અંતિમ ગુરૂવારે તા.ર૭ એપ્રિલે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઓનલાઇન ઉપસ્થિતીમાં આયોજિત રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જોડાશે તેમજ જિલ્લા અને તાલુકા સ્વાગતમાં સપ્તાહ દરમ્યાન રજુ થયેલા પ્રશ્નો તેમજ તેના નિવારણની કામગીરીની સમીક્ષા પણ હાથ ધરશે. આ સ્વાગત સપ્તાહ અન્વયે ગ્રામ, તાલુકા અને જિલ્લા તથા રાજ્ય સ્વાગત કાર્યક્રમ તા. ર૯ એપ્રિલ સુધી યોજાવાના છે.