ગાંધીનગર: ભાજપ (BJP) હાઈકમાન્ડ દ્વારા બેઠકોનો દોર યથાવત છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ બુધવારે ગાંધીનગરમાં (Gandhinagar) કમલમ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીની (Election) રણનીતિ ઘડવા સાથે વ્યસ્ત જોવા મળ્યા હતા. પાટીલે બપોર સુધી તો કમલમ ખાતે બેઠકો યોજી હતી. આગામી તા.7મી જુલાઈના રોજ પાટીલ તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હી જઈ રહ્યાં છે. જેમાં લોકસભાની રણનીતિ અંગે પાર્ટી હાઈકમાન્ડ સાથે બેઠક યોજાનાર છે.
નવી દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ગુજરાત ભાજપ દ્વારા તૈયાર કરાયેલી રણનીતિ મુદ્દે ચર્ચા થશે, તેના માટે જરૂરી ડોકયુમેન્ટ્સ પણ તૈયાર કરાઈ રહ્યાં છે, તેની દોડધામ પણ પાર્ટી કાર્યાલયમાં જોવા મળી હતી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી , કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિત સિનિયર કેન્દ્રિય નેતાઓ ઉપસ્થિત રહેશે. દરમ્યાનમાં, કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતાની વરણી કરવાના મુદ્દે આજે કેન્દ્રિય સિનિયર મંત્રી મનસુખ માંડવિયા પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને મળ્યા હતા. માંડવિયા કર્ણાટકની ચૂંટણીના નિરીક્ષક પણ હતા .
બુધવારે પાટીલે રાજયસભાની ગુજરાતની ત્રણ ખાલી પડનારી બેઠકોની ચૂંટણી માટે ત્રણ નિરીક્ષકોની વરણી કરી છે. જેમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલ , પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવા તથા પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીનો સમાવેશ થાય છે. ભાજપની કેન્દ્રિય નેતાગીરી ગુજરાતમાં ખાલી પડનારી ત્રણ બેઠકો પૈકી બે બેઠકો પર કોને રાજયસભામાં લઈ જવા તે મુદ્દે ચર્ચા કરી રહી છે. આખરી નિર્ણય પીએમ નરેન્દ્ર મોદી ઉપર છોડાશે.
એક બેઠક પર તો કેન્દ્રિય વિદેશ મંત્રી એસ. જયશંકરને રિપીટ કરાશે , તે નિશ્વિત છે. જયારે બાકીના બે ઉમેદવારમાંથી એક ઓબીસી તથા એક આદિવાસી નેતાને પસંદ કરાય તેવી સંભાવના છે. આ ઉપરાંત ગુજરાતમાંથી કેન્દ્રિય મંત્રી મંડળના બેથી ત્રણ મંત્રીઓને નબળા રિપોર્ટ કાર્ડના પગલે પડતાં મૂકાય તેવી સંભાવના છે. જયારે નવા ચહેરા તરીકે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને સ્થાન મળે તેવી સંભાવના જોવાઈ રહી છે. જોકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી વધુ નવા ચહેરાઓને તક મળશે તેમ પાર્ટીના નવી દિલ્હીના આંતરીક સૂત્રોએ કહયું હતું.
ભાજપની કેન્દ્રિય નેતાગીરીએ લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે હજુ ગઈકાલે જ પંજાબ, આંધ્રપ્રદેશ, ઝારખંડ અને તેલાંગણા સહિત ચાર રાજ્યોના પ્રદેશ પ્રમુખોની નિમણૂંક કરી દીધી છે. જો કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને યથાવત રાખ્યા છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલની ટર્મ જુલાઈના અંત ભાગમાં પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે તેમને કેન્દ્રિય મંત્રી મંડળમાં લઈ જવાશે કે કેમ ? તે મુદ્દે ભાજપમાં સસ્પેન્શની સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપની કેન્દ્રિય નેતાગીરીએ આ મુદ્દે કોઈ આખરી નિર્ણય લીધો હોય તેવા સંકેત દિલ્હીથી મળ્યા નથી.