Gujarat

છેલ્લા પાંચ વર્ષમાં 74509 કામો હાથ ધરીને જળ સંગ્રહ ક્ષમતામાં 86196 લાખ ઘનફૂટ નો વધારો થયો

ગાંધીનગર: સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના ખોરજ ગામેથી કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ અભિયાનને મળી રહેલા અપ્રતિમ પ્રતિસાદ અને લોકલાગણીને માન આપી રાજ્ય સરકારે આ વર્ષે અભિયાન વધુ સમય ચાલુ રાખી ૧૦૪ દિવસનું રાખવાનો અભિગમ અપનાવ્યો છે.તેમણે જણાવ્યું હતું કે, PPP ધોરણે જળ સંચય અને જળ સંગ્રહનું આ અભિયાન હવે રાજ્યમાં જળક્રાંતિનું જન આંદોલન બની ગયું છે.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ અભિયાનમાં જે કામો થાય છે તે સંપૂર્ણ ગુણવત્તાયુક્ત અને પારદર્શી ઢબે થાય છે . આ કામોને પરિણામે ખેડૂતો અને લોકોને સિંચાઇ અને પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થઈ છે. એટલું જ નહીં, માટી ખોદકામને કારણે મોટા પાયે માનવ દિન રોજગારી મળે છે અને નીકળેલી માટી ખેડૂતો પોતાના ખેતરમાં ઉપયોગમાં લે છે. આવી માટી સંબંધિત વિકાસ કામોમાં વપરાશમાં લેવા ખરીદ કરીને આવક પણ ઊભી થાય છે. મુખ્યમંત્રીએ આ જળ સંચય અને જળ સંગ્રહ અભિયાન વરસાદી પાણીને રોકવા અને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો એક સફળ પ્રયોગ બન્યો છે તે માટે આ અભિયાન સાથે સંકળાયેલ સૌને અભિનંદન આપ્યા હતાં. તેમણે પાણીના કરકસરપૂર્ણ ઉપયોગ માટે પણ કાળજી લેવા સૌને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ જળસંચય અને જળસંગ્રહ સાથોસાથ પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા અનાજ, ખેત ઉત્પાદનોના વ્યાપક ઉપયોગથી સ્વાસ્થ્યપ્રદ અને રોગમુકત જીવનશૈલીની પણ હિમાયત કરી હતી.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ મોદીએ દેશને અમૃત કાળમાં લઇ જવા જળ સંચયને વેગ આપતા દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણનું આહવાન કર્યું છે. ગુજરાત આ આહવાન ઝીલી લઈને આવા અમૃત સરોવર બનાવીને જળ સંગ્રહ, જળ સંચય ક્ષેત્રે દેશનું દિશાદર્શક બને તે માટે આ સુજલામ સુફલામ જળ અભિયાન ઉદ્દીપક બનશે.
જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ આ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, નવા તળાવોનું નિર્માણ, ચેકડેમ ડિસિલ્ટિંગના કામો, ચેકડેમ રીપેરીંગના અને નવા ચેકડેમના અને વન તલાવડી તેમજ ખેત તલાવાડી નિર્માણના કામો હાથ ઘરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

જળસંપત્તિ વિભાગના સચિવ કે.એ.પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮થી સમગ્ર રાજયમાં આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન થકી વરસાદી સપાટી જળનો મહત્તમ સંગ્રહ કરીને ભૂગર્ભ જળના સ્તરને ઉંચા લાવવાનો છે. તેમજ લોકોમાં પાણી બચાવવાની જાગૃત્તિને અનોખી રીતે સાંકળી લેવામાં આવી છે. ગત વર્ષ- ૨૦૨૨માં આ અભિયાન થકી ૮૪૫૦ કામો કરવામાં આવ્યા હતા. તેની સાથે ૫૨૨૭ મનરેગા હેઠળ અને વિભાગીય રીતે ૪,૧૩૪ કામો મળીને કુલ-૧૭,૮૧૧ કામો હાથ ઘરવામાં આવ્યા હતા. તેની વિગતો તેમણે આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૭૪,૫૦૯ કામો હાથ ધરીને જળ સંગ્રહ ક્ષમતામાં ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ નો વધારો થયો છે. ૫૬,૭૭૮ કિલોમીટર લંબાઈમાં નહેરો તેમજ કાંસ ના સફાઈ કામો વ્યાપક પણે હાથ ધરવામાં આવેલા છે.

Most Popular

To Top