Gujarat

ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 187 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા

ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં ૧૮૭ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સુનિયોજિત વ્યવસ્થાપનના પરિણામે વિકાસ પામ્યું છે તેમ જણાવી તેમણે ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં લોકોને જોડાવવા અનુરોધ કર્યો હતો.

બાપુનગર વિસ્તારમાં લોકાર્પણ અને ખાતમુહુર્તના કાર્યક્રમો પૂર્ણ થતાની સાથે જ મુખ્યમંત્રીની હાજરીમાં પગપાળા ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. જેમા સમગ્ર બાપુનગરવાસીઓ દેશભક્તિમાં લીન થયા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો હાથમાં ત્રિરંગા સાથે આ યાત્રામાં સહભાગી બન્યા હતા. વિશાળ જનમેદની વચ્ચે નીકળેલી આ ત્રિરંગા યાત્રા દરમિયાન તમામ રૂટ પર માત્ર રાષ્ટ્રધ્વજના જ દર્શન થઈ રહ્યા હતા. સમગ્ર બાપુનગર વિસ્તાર જાણે કે રાષ્ટ્રધ્વજના રંગે રંગાઈ ગયો હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. આ ત્રિરંગા યાત્રા લોકાર્પણ પ્રસંગે પણ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે આઝાદી મળ્યાના વર્ષો સુધી આઝાદી દિન જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ફક્ત સરકારી કાર્યક્રમ બની રહેતી હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવી ઉજવણી આજે રાષ્ટ્રીય તહેવાર તરીકે સૌ કોઈ ઉમંગ થી ઉજવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરંભેલા “હર ઘર તિરંગા” અભિયાનમાં આજે જન-જન જ્ઞાતિ, જાતિ, ધર્મ નો ભેદભાવથી પર જઈને આ પર્વમાં હર્ષોલ્લાસ પૂર્વક જોડાઈ રહ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પણ 13 ઓગષ્ટથી 15 ઓગષ્ટ સુધી રાજ્યવ્યાપી ”હર ઘર ત્રિરંગા” અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

Most Popular

To Top