Gujarat

8.80 કરોડના ખર્ચે નવનિર્મિત લાલ દરવાજા હેરિટેજ AMTS ટર્મિનસનું લોકાર્પણ કરતાં દાદા

અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) હૃદય સમા વિસ્તાર લાલ દરવાજા ખાતે ૮.૮૦ કરોડના ખર્ચે AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું નવનિર્માણ કરાયું છે. આજે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે આ નવા ટર્મિનસનું લોકાર્પણ કર્યુ હતું. સમગ્ર પરિસર ૧૧,૫૮૩ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ટર્મિનસમાં હેરિટેજ બિલ્ડીંગ ૨,૫૮૮ ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરાઈ છે. જેમાં ઓફિસ સ્ટાફની બિલ્ડીંગ, પ્રવાસીઓ માટે પાણીની વ્યવસ્થા, કેશ કલેક્શન માટે કેબિન, મીટીંગ હોલ, પ્રવાસીઓ માટે વેઇટિંગ એરિયા, પ્રવાસીઓની સુવિધા માટે પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, કેમેરા, કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ તથા પ્રવાસીઓને લાલ દરવાજાથી શરૂ થતી અને પસાર થતી બસના સમયની જાણકારી આપવા એલ.ઇ.ડી સ્ક્રીન ઊભી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર પરંપરાના ગૌરવ અને પ્રકૃતિની જાળવણી સાથે પ્રગતિનો સંકલ્પ લઈને કાર્યરત હોવાનું જણાવી મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષના ઐતિહાસિક બજેટમાં રાજ્ય સરકારે પર્યાવરણપ્રિય વાહનવ્યવહાર માટે ૫૦ ઈલેક્ટ્રિક બસો માટે ૨૪ કરોડની જોગવાઈ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ પામેલા હેરિટેજ લાલ દરવાજા ટર્મિનસના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, લાલ બસ એ અમદાવાદની ઓળખ છે. તેમણે કહ્યું હતું કે, શરીરમાં લાલ રંગના લોહીનું મહત્વ છે, એવું જ મહત્વ શહેરી જીવનમાં આ લાલ બસનું છે. દરરોજ દોઢ લાખ જેટલા પ્રવાસીઓની અવર-જવર ધરાવતા આ બસ ટર્મિનસનું નવનિર્માણ હેરિટેજ સિટી અમદાવાદને શોભે એવી હેરિટેજ થીમ પર થયું છે. દેશની આઝાદીના ૭૫ વર્ષ અને AMTSની સ્થાપનાના ૭૫ વર્ષ બેય સુભગ સમન્વય પ્રસંગે તેમણે આનંદ વ્યક્ત કરી સહુને અભિનંદન પાઠવ્યા હતા.

પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે, એક સમય હતો કે જ્યારે તૂટેલી ફુટેલી અને કંગાળ હાલત રાજ્યની બસ સર્વિસની ઓળખ હતી પરંતુ ૨૦૦૧ માં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિનો સૂર્યોદય થયો અને સમયને અનુરૂપ બદલાવો આવ્યા છે. તેમણે કહ્યું હતું કે અમદાવાદના પ્રજાજનોને લાલ બસથી હટકે મેટ્રો, બી.આર.ટી.એસ, ઇલેક્ટ્રિક બસ સહિતની આધુનિક પરિવહન સુવિધાઓ પીએમ મોદીની ભેટ છે. આ સુવિધાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહયું હતું કે હાલમાં અમદાવાદ શહેરમાં એ.એમ.ટી.એસ.ની ૨૦૦ ઈલેક્ટ્રિક, ૯૦૫ સી.એન.જી અને ૧૩૦ ડિઝલ એમ કુલ ૧૨૩૫ બસ અમદાવાદના લાખો શહેરીજનોની સેવામાં કાર્યરત છે.

Most Popular

To Top