ગુજરાતના ખેડૂતોને રાહત આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રવિ સીઝન માટે સિંચાઈનું પાણી કેનાલોમાંથી 30 એપ્રિલ 2026 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે આ નિર્ણય ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મંત્રીએ જણાવ્યું કે ગયા વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું શરૂ થયું હતું અને મોડું પૂર્ણ થયું હતું. ઉપરાંત કમોસમી વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં ખરીફ પાકને મોટું નુકસાન થયું હતું. ચોમાસું લાંબું ચાલવાથી રવિ સીઝનની વાવણી પણ મોડેથી થઈ હતી, જેના કારણે પાકની લણણીમાં પણ વિલંબ થવાની શક્યતા છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંત સુધીમાં કેનાલ દ્વારા સિંચાઈનું પાણી પૂરું પાડવાનું બંધ થઈ જાય છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ અલગ હોવાથી ખેડૂત આગેવાનો દ્વારા માર્ચ અને એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી. 11 માર્ચ 2026ના રોજ યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મુદ્દે ચર્ચા થયા બાદ 30 એપ્રિલ સુધી પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત રાજ્ય સરકારે જમીન માપણી સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે પણ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઘણા ગામોમાં જમીનની માપણી (પ્રમોલગેશન) પૂર્ણ થઈ હોવા છતાં તેમાં રહેલી ભૂલોને કારણે ખેડૂતોને લાંબા સમયથી સરકારી કચેરીઓના ચક્કર લગાવવા પડતા હતા. હવે આ સમસ્યાના ઝડપી અને પારદર્શક ઉકેલ માટે સમગ્ર રાજ્યમાં ‘ભૂમિ સીમાંકન’ નામની એકસમાન પદ્ધતિ અમલમાં મુકવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોની વાંધા અરજીઓનો ઝડપી નિકાલ શક્ય બનશે. સાથે જ જમીન સંબંધિત પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને ‘સુશાસન’ તથા ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પણ પ્રોત્સાહન મળશે.