Gujarat

સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ’ પુસ્તકનું વિમોચન

“વંદે ગીતા જીવનનો સાચો માર્ગ બતાવે છે, આ ગ્રંથ યુવાનો માટે આશીર્વાદરૂપ બનશે”

ગાંધીનગર,તા.23
ગાંધીનગર ખાતે ઇસ્કોનના સ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદજીના પ્રેરણાદાયી જીવન પર આધારિત ગુજરાતી જીવનચરિત્ર ‘વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ’નું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શ્રીલ પ્રભુપાદજીનું જીવન અદમ્ય સંઘર્ષ અને અખંડ શ્રદ્ધાનું પ્રતીક છે. સામાન્ય માણસ જ્યારે મુશ્કેલીઓ સામે હારી જાય છે, ત્યારે ભગવદગીતા જ જીવનનો સાચો માર્ગ દર્શાવે છે. તેમણે કહયું હતું કે શ્રીલ પ્રભુપાદજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી તેમના વૈશ્વિક પ્રભાવને સન્માનિત કર્યા છે.

મુખ્યમંત્રીએ પુસ્તકની લેખિકા ડૉ. ઉષા ઉપાધ્યાયને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આ ગ્રંથ દ્વારા પ્રભુપાદજીના જીવનમૂલ્યો અને ભક્તિભાવ ગુજરાતના યુવાનો સહિત દરેક પેઢી સુધી પહોંચશે. તેમણે કહ્યું કે ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં ભૌતિકતા પાછળ દોડતા સમાજને આધ્યાત્મિકતા તરફ વાળવાનું કાર્ય અદ્વિતીય છે.

હરેકૃષ્ણ મૂવમેન્ટના ઉપાધ્યક્ષ ચંચલાપતિ દાસે જણાવ્યું હતું કે ૭૦ વર્ષની વયે માત્ર રૂા. ૪૦ સાથે વિદેશ જઈ શ્રીલ પ્રભુપાદજીએ ‘હરે કૃષ્ણ’ મહામંત્રને વિશ્વવ્યાપી બનાવ્યો. તેમના પ્રયત્નોથી વિશ્વભરમાં ૧૦૮થી વધુ મંદિરોની સ્થાપના થઈ છે. ‘અક્ષયપાત્ર’ સેવાયજ્ઞ અંતર્ગત આજે ગુજરાતના ૫ લાખ અને દેશભરના ૨૩.૫ લાખ બાળકોને દરરોજ પૌષ્ટિક ભોજન પીરસાય છે.

લેખિકા ડૉ. ઉષા ઉપાધ્યાયે જણાવ્યું હતું કે શ્રીલ પ્રભુપાદનું જીવન અપ્રતિમ સાહસ, ધૈર્ય અને માનવતા પ્રત્યેની કરુણાનું જીવંત ઉદાહરણ છે. તેમણે પશ્ચિમમાં કૃષ્ણભક્તિના બીજ રોપીને ભારતની સનાતન સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ગુંજતી કરી હતી.

Most Popular

To Top