Gujarat

અમદાવાદમાં ‘જય હનુમાન’ના નાદ સાથે , સીએમ ભૂપેન્દ્ર પટેલે ભવ્ય શોભાયાત્રાકરાવી પ્રસ્થાન, ‘ઓપરેશન સિંદૂર’નો ટેબ્લો રહ્યો આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદ,તા.1
ચૈત્રી પૂનમ અને હનુમાન જન્મોત્સવના પાવન અવસરે આજે અમદાવાદના શાહીબાગ સ્થિત ઐતિહાસિક કેમ્પ હનુમાન મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રીતે હનુમાનજીના રથની પૂજા-અર્ચના કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ હનુમાન દાદાના આશીર્વાદ લીધા હતા અને રથની આરતી ઉતારી, શ્રીફળ વધેરીને રાજ્યના તમામ નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

શાહીબાગ સ્થિત કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે મંદિરમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ બાદ યાત્રાનો પ્રારંભ થયો હતો. શોભાયાત્રામાં ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેમાં ગજરાજ, ઊંટગાડી, વિવિધ સજાવેલી ટ્રકો અને ભજન મંડળીઓ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ વર્ષની શોભાયાત્રામાં ‘ઓપરેશન સિંદૂર’ નો વિશેષ ટેબ્લો અને હનુમાનજીની વિશાળ ગદા ભાવિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

શોભાયાત્રા જે જે રૂટ પરથી પસાર થઈ ત્યાં સ્થાનિક રહીશો અને ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરીને રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર શાહીબાગ વિસ્તાર ‘બજરંગબલી કી જય’ના નાદથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે કેમ્પ હનુમાન મંદિરના પ્રમુખ સુધીર નાણાવટી, એડીસી બેંકના ચેરમેન અજય પટેલ સહિત મંદિરના ટ્રસ્ટીઓ અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top