નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) આજે ગુરુવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને કે કવિતા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. ત્યારે કોર્ટે ત્રણેયની ન્યાયિક કસ્ટડી (Judicial Custody) 31 જુલાઈ સુધી લંબાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ CBI કેસમાં અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. ત્યારે આ પહેલા કોર્ટે અરવિંદ કેજરીવાલને 12 જુલાઈએ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેમજ 17મી મેના રોજ ED દ્વારા સાતમી પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ ચાર્ટશીટમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ, પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા, રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને BRS નેતા કે. કવિતાનો સમાવેશ થાય છે. ત્યારે આ મામલે સંજય સિંહને જામીન મળી ગયા છે.
કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચની સાંજે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભઅ ચૂંટણીને ધ્યાનમાં રાખીને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારે લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું.
દિલ્હીના મુખ્યમંત્રી સાથે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી પણ 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. અગાઉ ન્યાયિક કસ્ટડીનો સમયગાળો 22 જુલાઈએ પૂરો થવાનો હતો. ત્યાર બાદ કસ્ટડીની સમય 26 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો હતો. મનીષ સિસોદિયાની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમજ 16 જુલાઈએ સુપ્રીમ કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર નોટિસ જારી કરી હતી. જેના પર કોર્ટે CBI અને EDને નોટિસ આપી હતી અને 29 જુલાઈ સુધીમાં આ કેસમાં પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું હતું.
શું છે દિલ્હીની એક્સાઇઝ પોલિસી કેસ?
વર્ષ 2021 માં 17 નવેમ્બરના રોજ દિલ્હી સરકારે નવી દારૂ નીતિ લાગુ કરી હતી. આ નીતિ હેઠળ દેશની રાજધાની દિલ્હીમાં કુલ 32 ઝોન બનાવવામાં આવ્યા હતા. તેમજ દરેક ઝોનમાં 27 દારૂની દુકાનો ખોલી શકાશે. આ દુકાનો ખોલવાની મહત્તમ સંખ્યા હતી. આ પોલિસી આવ્યા બાદ દારૂની દુકાનોના ટેન્ડર ખાનગી કંપનીઓને આપવામાં આવ્યા હતા. જો કે તે પહેલા દિલ્હીમાં 60 ટકા દારૂની દુકાનો સરકારી માલિકીની હતી.
આ નવી નીતિના અમલીકરણ બાદ 8 જૂન, 2022 ના રોજ એક અહેવાલ સામે આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ નવી નીતિથી દિલ્હી સરકારની આવકને મોટું નુકસાન થયું છે. આ પછી દિલ્હીના એલજી વીકે સક્સેનાએ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ત્યાર બાદ સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધ્યો હતો. કેસ નોંધાયાના થોડા જ સમય પછી EDએ પણ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ દાખલ કર્યો હતો. હવે આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને બીઆરએસ નેતા ન્યાયિક કસ્ટડીમાં છે.