આવતીકાલે CM વડોદરા ખાતે રોકાણ કરશે
વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા આવવાના હોય તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પણ જવાના હોય વિશ્વામિત્રી તટ પર ટેન્ટ બનાવવામાં આવ્યા છે. ગુરુવારે મુખ્ય મંત્રી વડોદરા રાત્રિ રોકાણ કરશે.

વડોદરા માં ગત વર્ષે આવેલા માનવસર્જિત પૂર બાદ વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં લેવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના પ્રથમ ફેઝનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી વિશ્વામિત્રી કામગીરીના નિરીક્ષણ માટે આવવાના હોય પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. થોડા દિવસો અગાઉ હર્ષ સંઘવીએ પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.
વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે રૂ. 1200 કરોડની જાહેરાત કરી હતી.
વર્ષ 2024 માં વડોદરામાં ભયાનક પૂર આવ્યું હતુ. પૂર આવવાના કારણે અનેક દિવસો શહેરવાસીઓએ ઘરમાં પાણી સાથે વિતાવવા પડ્યા હતા. પૂર બાદ તાત્કાલિક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરા દોડી આવ્યા હતા અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે રૂ. 1200 કરોડની જાહેરાત કરી દીધી હતી.
સૈદ્ધાંતિક મંજુરી મળતા કામ શરૂ કરવામાં આવ્યું
ભારત સરકારના પૂર્વ સચિવ નવલાવાલાની અધ્યક્ષતામાં એક હાઇ પાવર કમિટિની રચના કરવામાં આવી હતી. આ કમિટિ દ્વારા જાણકારો અને પાલિકાના અધિકારીઓ જોડે મીટિંગો કર્યા બાદ એક પ્રેઝન્ટેશન બનાવ્યું હતું. જે પ્રેઝન્ટેશનને મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. જેને સૈદ્ધાંતિક મંજુરી મળતા કામ શરૂ કરવામાં આવ્યું હતુ.
બે સ્તરે કામગીરી કરાશે
જેમાં વડોદરા પાલિકા દ્વારા શહેરના હરણીથી મુંજમહુડા સુધીના વિસ્તારમાં કાર્ય કરવામાં આવનાર છે. જ્યારે પાવાગઢથી પીંગલવાડા સુધીમાં રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ તથા અન્ય વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવનાર છે.