National

હિમાચલના કિન્નૌરમાં વાદળ ફાટ્યું: પૂરના કારણે ભારે તબાહી, ઘરો-ખેતરોને નુકસાન

હિમાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ અવિરતપણે ચાલુ છે. ગુરુવારે તા.18 સપ્ટેમ્બરની રાત્રે મોડી રાત્રે કિન્નૌર જિલ્લાના થાચ ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આ ઘટનાથી નજીકની ત્રણ પર્વતીય નદીઓ અચાનક છલકાઈ ગઈ હતી. જેના કારણે ભારે પૂર આવ્યું હતું. જેથી આસપાસના અનેક ખેતરો, બગીચાઓ અને રહેણાંક મકાનોને ભારે નુકસાન થયું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરથી લોકો ગભરાઈ ગયા હતા અને પોતાના ઘરો છોડીને સલામત સ્થળોએ દોડી ગયા હતા. મસ્તાન ગામમાં પૂરના પાણી ઘરોના ભાગો તથા એક ગૌશાળાને વહાવી ગયા હતા. ઘણા બગીચાઓનો નાશ થયો છે. જ્યારે કેટલાક રહેવાસીઓના મકાનો ધરાશાયી થવાની કગાર પર છે.

આ ઘટના બાદ વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો છે. રહેવાસીઓએ જણાવ્યું કે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે આંખ ઝબકતા જ વાહનો અને મકાનોને તોડીને લઈ ગયો હતો.

ભૂસ્ખલનથી વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની રહી છે. રાજ્યની રાજધાની શિમલામાં એડવર્ડ સ્કૂલ નજીક ભૂસ્ખલન થતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. મહત્વપૂર્ણ સર્ક્યુલર રોડ બંધ કરવાની ફરજ પડી હતી.

ચોમાસાના ત્રાટકથી અત્યાર સુધી 424 મોત
હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસા સંબંધિત આફતોને કારણે અત્યાર સુધીમાં 424 લોકોના મોત થયા છે. માત્ર આ અઠવાડિયાની શરૂઆતમાં જ અચાનક પૂર અને ભૂસ્ખલનમાં ચાર લોકો માર્યા ગયા અને છ લોકો ગુમ થયા હતા.

હાલમાં રાજ્યમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 650 થી વધુ રસ્તાઓ બંધ છે. પરિણામે સંચારવ્યવસ્થા, વીજ પુરવઠો અને પીવાના પાણી જેવી આવશ્યક સેવાઓમાં ખલેલ પડી છે.

રાજ્ય સરકારની ચિંતા વધી
હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ સમગ્ર હિમાચલને આપત્તિગ્રસ્ત રાજ્ય જાહેર કર્યું છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યને કુદરતી આફતોને કારણે લગભગ રૂ.20,000 કરોડથી વધુનું નુકસાન થયું છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને તાત્કાલિક નાણાકીય સહાય તથા વ્યાપક રાહત પેકેજની માંગણી કરી છે.

કિન્નૌરની આ તાજેતરની આપત્તિએ ફરી સાબિત કર્યું છે કે હિમાચલ પ્રદેશ સતત કુદરતી પ્રકોપની ઝપેટમાં છે. લોકો માટે સલામતી તથા રોજિંદી જીવન ફરીથી સામાન્ય બનાવવું રાજ્ય અને કેન્દ્ર સરકાર માટે મોટી પડકારરૂપ બાબત બની છે.

Most Popular

To Top