સુરત(Surat): પુણાગામના (Punagam) વેપારી પાસેથી રૂ.6.19 લાખની કિંમતનો કાપડનો માલ ખરીદ્યા બાદ કાપડનો માલ બારોબાર વેચી નાંખી તેની જગ્યાએ ફાસ્ટફૂડનો (Fastfood) વેપાર શરૂ કરાયો હતો. ઉધારીમાં માલ આપનાર વેપારીએ રૂપિયાની ઉઘરાણી કરતાં તેને મારી નાંખવાની ધમકી મળી હતી. આ બનાવ અંગે પુણા પોલીસે (Police) ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજ્સ્થાનના નાગોરીના વતની અને હાલમાં સુરતમાં ગોડાદરા શ્યામ સૃષ્ટિ સોસાયટીમાં રહેતા નંદકિશોર પ્રેમારામ શર્મા (ઉં.વ.૩૯) પુણાગામ પોલીસ ચોકીની પાસે શ્રી માજીશા ક્રિએશન અને પાર્વતી ફેબ્રિકના નામથી સિલ્ક કાપડનો વેપાર કરે છે. આ દરમિયાન તેમની પાસેથી પુણાગામમાં જ પ્રયોશા ધુપીયનના નામથી વેપાર કરતા વેપારી અશોક જાલોન્ધ્રા આવ્યા હતા. તેઓએ નંદકિશોરની પાસેથી રૂ.12.89 લાખની કિંમતનો માલ ખરીદ્યો હતો. જેની સામે રૂ.6.68 લાખ ચૂકવી આપ્યા હતા અને બાકીના રૂ.6.19 લાખ ચૂકવવાના બાકી હતા. જો કે, અશોકભાઇએ પેમેન્ટ નહીં આપતાં નંદકિશોરે તેની ઓફિસે જઇને ઉઘરાણી શરૂ કરી હતી. આ દરમિયાન નંદકિશોરને ખબર પડી કે, અશોકભાઇએ કાપડનો વેપાર બંધ કરી દઇને ફાસ્ટફૂડનો વેપાર શરૂ કર્યો છે. અશોકભાઇની ફાસ્ટફૂડની દુકાને જઇને રૂપિયા માંગતાં નંદકિશોરને મારી નાંખવાની ધમકી મળી હતી. જે અંગે પુણા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
માથાભારે જીતુ રાવલે વ્યાજની પઠાણી ઉઘરાણી માટે હોટલ માલિકનું અપહરણ કરી માર માર્યો
સુરત: અડાજણ ખાતે રહેતા અને કન્સ્ટ્રક્શન અને રેસ્ટોરન્ટ વ્યવસાય સાથે સંકળાયેલા મિલન ભગતનું વ્યાજની પઠાણી ઉઘરાણી માટે માથાભારે જીતુ રાવલે કારમાં ચપ્પુની અણીએ અપહરણ કરીને માર માર્યો હતો. બાદ ગૌરવ પથ પાસે ઉતારી ગયા હતા. અડાજણ પોલીસે જીતુ રાવલ સામે ગુનો દાખલ કરી અટકાયત કરી હતી.
અડાજણ ખાતે મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા 40 વર્ષીય મિલન ભગત કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્ષ-2019માં ધંધાકીય કામ માટે રૂપિયાની જરૂર હોવાથી મિત્ર જિતેન્દ્ર પ્રતાપ રાવલ (રહે.,સંગીની ગાર્ડન, જહાંગીરપુરા) પાસે રૂપિયા માંગ્યા હતા. જિતેન્દ્રએ વ્યાજે રૂપિયા આપવાનું કહ્યું હતું. મિલનભાઈને જરૂર હોવાથી તેમણે જિતેન્દ્ર પાસેથી રોકડા અને ઓનલાઈન 14 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારબાદ મિલને ટુકડે ટુકડે જિતેન્દ્રને 88 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. છતાં જિતેન્દ્રએ વધુ 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ગત તા.18 જાન્યુઆરીએ રાત્રે નાણાંની વસૂલાત કરવા માટે જિતેન્દ્રએ મિલન ભગતને ફોન કરી અડાજણ સ્ટાર બજાર પાસે બોલાવ્યો હતો. ત્યાંથી મિલનનું ચપ્પુની અણીએ કારમાં અપહરણ કરી મોંના ભાગે મૂઢ માર માર્યો હતો. તેમજ પરિવારના સભ્યોનો જાનથી મારી નાંખવાની અને પોલીસમાં ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી મિલનને પરત ગૌરવ પથ રોડ નજીક આવેલા રેસ્ટોરન્ટ પાસે ઉતારી નાસી ગયા હતા. એક મહિના પહેલાં બનેલા બનાવ અંગે મિલનને ગઈકાલે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જિતેન્દ્ર રાવલની અટકાયત કરી હતી. જીતુ રાવલ સામે ભૂતકાળમાં ક્રાઈમ બ્રાંચમાં આર્મ્સ એક્ટ હેઠળ અને રાંદેરમાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે.