SURAT

ક્લોક ટાવર: સુરત શહેરના સૌથી જૂના સ્મારક અને સ્થાપત્ય કળામાંનો એક

સુરત: ક્લોક ટાવર (clock tower) 2021માં બાંધકામનાં 150 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. ક્લોક ટાવર એ સુરત (Surat) શહેરના સૌથી જૂના સ્મારક અને સ્થાપત્ય કળા (Monuments and architecture)માંનો એક છે. તેનું નિર્માણ 1871માં પારસી વ્યાપારી ખાન બહાદુર બરજોરજી મેરવાનજી ફ્રેઝર દ્વારા તેમના પિતા મેરવાનજી હોર્મસજી ફ્રેઝરની યાદમાં અને સુરતના રહેવાસીઓની સુવિધા માટે 14,000 રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું.

લગભગ 80 ફૂટની ઊંચાઈનો ક્લોક ટાવર એ શહેરની મધ્યમાં આવેલો છે. હાલ આ ક્લોક ટાવરમાં લોકો માટે અંદર જવા કોઈ વ્યવસ્થા નથી. જો કે, બહારનું દૃશ્ય મંત્રમુગ્ધ કરે તેવું છે અને ઘડિયાળ (Watch)ની હસ્તકલા (handicraft) અને ડિઝાઇન આશ્ચર્યચકિત કરે તેવી છે. આ ક્લોક ટાવરમાં ચારેય દિશામાં ઘડિયાળ છે. જેથી તમામ દિશાઓમાંથી લોકો સમય જોઈ શકે એ રીતની વ્યવસ્થા ગોઠવાઈ હતી. પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી આ ઘડિયાળ બંધ હાલતમાં છે અને મનપા દ્વારા પણ તેની જાળવણી માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી.

જે-તે સમયે રાત્રિના સમયે આ ક્લોકના ટકોરા શહેરભરમાં સંભળાતા હતા
જે-તે સમયે જ્યારે શહેરની વસતી ખૂબ ઓછી હતી. ત્યારે શહેરના મધ્યમાં આવેલા આ ક્લોક ટાવરના ટકોરા શહેરભરમાં સંભળાતા હતા. ખાસ કરીને રાત્રિના સમયે કે જ્યારે શહેરમાં શાંતિ હોય ત્યારે આ ટકોરા શહેરભરમાં સંભળાતા હતા. લાલ કલરના આ ક્લોક ટાવરની ખાસ ડિઝાઈન રાહદારીઓને આકર્ષે તેવી તૈયાર કરાઈ હતી.

ક્લોક ટાવરની કોઈ જાળવણી કરાઈ નથી
શહેરના મધ્ય વિસ્તારમાં આવેલો ક્લોક ટાવર છેલ્લાં ઘણાં વર્ષોથી બંધ હાલતમાં જ છે. મનપા દ્વારા તેની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી અને હાલમાં ક્લોક ટાવર પાસે લોકો વેચાણ માટે બેસતા હોય છે. જે-તે સમયે બનાવાયેલા આ ક્લોક ટાવરના ઘણા પાર્ટસ હાલમાં મળી રહ્યા નથી. જેથી તે શરૂ થવામાં પણ મુશ્કેલી થઈ રહી છે તેમ જાણવામાં આવ્યું છે.

Most Popular

To Top