હવામાન પરિવર્તન અને તેને પગલે પૃથ્વીના વધી રહેલા તાપમાનની અનેક ક્ષેત્રો પર અસર પડી રહી છે અને શિક્ષણ ક્ષેત્ર પર પણ તેની વિપરીત અસર થઇ રહી છે. હાલમાં પ્રગટ થયેલો એક અહેવાલ સૂચવે છે કે સખત ગરમી અને તીવ્ર હવામાનની બાળકોના શિક્ષણ પર પણ અસર થઇ રહી છે. સખત ગરમીના મોજાથી વહેલા અસર પામી શકે તેવા બાળકો તેમના જીવનમાં અભ્યાસ માટેનો ૧.પ વર્ષ સુધીનો સમય ગુમાવી શકે છે, જેમાં હવામાન પરિવર્તન શિક્ષણ પર સીધી અસર કરે છે અને તાજેતરના દાયકાઓમાં જે શૈક્ષણિક પ્રગતિઓ થઇ છે તેને ભૂંસી નાખી શકે છે એમ એક નવો વૈશ્વિક અહેવાલ જણાવે છે.
ગરમી, દાવાનળો, વાવાઝોડા, પૂર, દુષ્કાળ, રોગો અને સમુદ્રનું સ્તર વધતું જાય છે તેવા વાતાવરણ સંબંધિત તણાવો શિક્ષણ પરિમાણોને અસર કરે છે. મોટાભાગના ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો દર વર્ષે આબોહવા સંબંધિત શાળાઓ બંધ થવાનો અનુભવ કરી રહ્યા છે, જેના કારણે શિક્ષણ ગુમાવવાની અને શિક્ષણ છોડી દેવાની શક્યતા વધી રહી છે, એમ તેમાં નોંધાયું છે. યુનેસ્કોની ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ (GEM) ટીમ, મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએટિંગ ક્લાઇમેટ કોમ્યુનિકેશન એન્ડ એજ્યુકેશન (MECCE) પ્રોજેક્ટ અને કેનેડાની યુનિવર્સિટી ઓફ સાસ્કાચેવાન દ્વારા તૈયાર કરાયેલ સંકલિત અહેવાલમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે છેલ્લા 20 વર્ષોમાં, આત્યંતિક હવામાન ઘટનાઓના ઓછામાં ઓછા 75 ટકામાં શાળાઓ બંધ રહી હતી.
આને કારણે દેખીતી રીતે લાખો બાળકોને અસર થઇ હતી. ગરમીના સંપર્કમાં આવવાથી બાળકોના શૈક્ષણિક પરિણામો પર નોંધપાત્ર હાનિકારક અસરો પડે છે. 1969 અને 2012 વચ્ચે 29 દેશોમાં વસ્તી ગણતરી અને આબોહવા ડેટાને જોડતા વિશ્લેષણ દર્શાવે છે કે પ્રારંભિક જીવનકાળ દરમિયાન સરેરાશ કરતા વધુ તાપમાનના સંપર્કમાં આવવાથી બાળકોના શૈક્ષણિક વર્ષો ઘટે છે, ખાસ કરીને દક્ષિણપૂર્વ એશિયામાં. જે બાળક સરેરાશ તાપમાન કરતા વધુ તાપમાનના બનાવોનો અનુભવ કરે છે તે સરેરાશ તાપમાનમાં મળે તેના કરતા કરતા 1.5 વર્ષ ઓછું શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કરે તેવો અંદાજ છે. ચીનમાં ઊંચા તાપમાનને કારણે હાઇ સ્કૂલ ગ્રેજ્યુએશન અને કોલેજ પ્રવેશ દર બંનેમાં ઘટાડો થયો છે એમ અહેવાલમાં જણાવાયું છે.
ધનવાન દેશો પણ આ અસરમાંથી બાકાત નથી. અમેરિકામાં, એર કન્ડીશનીંગ વિના, 1 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ શૈક્ષણિક વર્ષ પરીક્ષાના સ્કોરમાં 1 ટકાનો ઘટાડો કરે છે. નબળી માળખાગત સ્થિતિને કારણે, ખૂબ જ ગરમ શાળાના દિવસોએ આફ્રિકન અમેરિકન અને હિસ્પેનિક વિદ્યાર્થીઓને અપ્રમાણસર અસર કરી હતી જે બાળકો નબળી સ્થિતિમાં શિક્ષણ મેળવે છે.
અહેવાલમાં નોંધાયું છે કે લગભગ અડધી જાહેર શાળા જિલ્લાઓને બહુવિધ ગરમી, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ સિસ્ટમ્સને અપડેટ કરવાની અથવા બદલવાની જરૂર છે. ધનવાન દેશો તો આ કદાચ કરી પણ શકે પરંતુ મધ્યમ અને નીચી આવક ધરાવતા દેશોમાં આ ઘણુ મુશ્કેલ બની શકે છે. ૨૦૧૯ માં તીવ્ર હવામાન ઘટનાઓથી સૌથી વધુ પ્રભાવિત ૧૦ દેશોમાંથી, આઠ ઓછી અથવા ઓછી મધ્યમ આવક ધરાવતા દેશો હતા. દેખીતી રીતે ગરીબ દેશોને વધુ અસર થાય છે અને આ બધી સ્થિતિ નિવારવા માટે સખત અને ગંભીરતાપૂર્વકના પ્રયાસો ખૂબ જરૂરી છે.