National

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક અધિકારી સહિત ચાર જવાન શહીદ

જમ્મુ: ડોડા (Doda) જિલ્લાના જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. તેમજ આ અથડામણમાં સેનાના એક અધિકારી સહિત પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પાંચ અધિકારીઓ પૈકી એક અધિકારી સહિત ચાર જવાનો શહીદ થયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ સુરક્ષા દળોએ હાલ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. તેમજ વધારાના સુરક્ષા દળોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ સાંજે લગભગ 7.45 વાગ્યે દેસા જંગલ વિસ્તારમાં ધારી ગોટે ઉરારબાગીમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ચાર જવાનો શહીદ થયા
આર્મીના વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, વિશેષ ગુપ્ત માહિતીના આધારે ડોડાના ઉત્તરમાં સામાન્ય વિસ્તારમાં આર્મી અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું હતું. દરમિયાન રાત્રે લગભગ 9 વાગ્યે આતંકવાદીઓ સાથે સુરક્ષા જવાનોનો સંપર્ક થયો હતો, ત્યારબાદ ભારે ગોળીબાર થયો હતો. ત્યારે આ વિસ્તારમાં વધારાની ટુકડીઓ મોકલવામાં આવી છે.

આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર
અધિકારીઓના જણાવ્યા મુજબ થોડીક ફાયરિંગ બાદ આતંકવાદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક અધિકારીની આગેવાની હેઠળના બહાદુર સૈનિકોએ પડકારરૂપ વિસ્તાર અને ગાઢ જંગલ હોવા છતાં તેમનો પીછો કર્યો. આ પછી રાત્રે 9 વાગ્યાની આસપાસ જંગલમાં વધુ એક ગોળીબાર થયો હતો. તેમજ અધિકારીઓએ જણાવ્યું હતું કે અથડામણમાં પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમાંથી એક અધિકારી સહિત ચારે બાદમાં તેમની ઈજાઓથી દમ તોડી દીધો હતો.

24 કલાક પહેલા જ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા
24 કલાક પહેલા જ ઉત્તર કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. ત્યારે માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા હતા. તેમજ અંકુશ રેખા પાસે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ મોટા હુમલાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ આ પહેલા સતર્ક પોલીસ અને સેનાના જવાનોએ તેમના નાપાક ઈરાદાઓનો ખાત્મો કર્યો હતો.

ઓપરેશન ધનુષને મોટી સફળતા
આતંકવાદીઓની મંશા જમ્મુ-કાશ્મીરની શાંતિ ભંગ કરવાની હતી. જો કે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, 268 બ્રિગેડ કેરન સેક્ટરના કમાન્ડર, BTIG એનએલ કુરકર્ણીએ કહ્યું કે ઓપરેશન ધનુષ એ સેનાની એક નોંધપાત્ર સફળતા છે. જેમાં કુપવાડા પોલીસ સાથેના સંયુક્ત પ્રયાસે કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો.

Most Popular

To Top