સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કોવિડ બિલ્ડીંગમાં દર્દીઓની પાસેથી મોબાઇલ લઇ લેવાના તઘલખી નિર્ણયને લઇને ભારે હંગામો જોવા મળી રહ્યો છે. દર્દીનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં તેને પોઝિટિવ બતાવીને દાખલ કરી દેવાય છે. ત્યારબાદ દર્દી કઇ જગ્યાએ દાખલ છે તેની પણ માહિતી અપાતી ન હોવાની ફરિયાદો થઇ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ એક યુવકે કોવિડ હોસ્પિટલની બહાર માહિતી આપતા કહ્યું હતું કે, તેઓના સંબંધીનો રેપીડ ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. 6 દિવસ સુધી કવોરન્ટાઇન રહ્યા બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવતા તે નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં ડોકર્ટરોએ તેને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરી નાંખ્યા હતા. દર્દીના સગાએ હેલ્પ ડેસ્કમાં માહિતી પુછતા તેને કોઇ જવાબ મળ્યો ન હતો. જો દર્દી પાસે મોબાઇલ હોત તો તેના સંબંધી સાથે વીડિયો કોલ કે અન્ય રીતે વાત કરીને ખબર-અંતર પુછી શકાયા હોત પરંતુ તંત્રના ઇગો સામે દર્દીઓ લાચાર સાબિત રહ્યા છે.
જ્યારે બીજા કેસમાં દર્દીનો રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તે અંગે ડોક્ટરો કોઇ માહિતી જ આપતા નથી. આ ઉપરાંત મોબાઇલમાં વાત કરવા દેવાતા ન હોવાથી દર્દીની તબીયતને લઇને તેના સંબંધીઓ ચિંતામાં મુકાયા છે. કોવિડ હોસ્પિટલની બહાર હેલ્પ ડેસ્ક કાર્યરત કરાયું છે પરંતુ તેમ છતાં પણ ડોક્ટરો કોઇ યોગ્ય જવાબ આપતા ન હોવાથી તંત્રની સેમે છૂપોરોષ જોવા મળી રહ્યો છે. હેલ્પ ડેસ્કમાં કામ કરતા કર્મચારીઓ કોઇ સત્તાવાર ડોક્ટરોની માહિતી પણ આપતા ન હોવાથી દર્દીના સંબંધીઓ આમથી તેમ ભટકી રહ્યા છે.
નવી કોવિડ હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરા શોભાના ગાઠિયા સમાન
એક તરફ સિવિલ સત્તાધીશોએ મોબાઇલ લઇ જવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. કોવિડ હોસ્પિટલ જાણે કે જેલ હોય અને તેમાં અનેક પ્રકારની પ્રવૃતિઓ થતી હોવાની ડરના કારણે મોબાઇલ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. તો બીજી તરફ કોવિડ હોસ્પિટલમાં લગાવેલા સીસીટીવી કેમેરા શોભાના ગાઠીયા સમાન બની ગયા છે. અહીં નાનામાં નાની વસ્તુઓ પણ પકડી લેવામાં આવે છે ત્યારે જો દર્દીઓને મોબાઇલ લઇ જવાની છૂટ આપવામાં આવે તો તેઓના ખબરઅંતરની સાથે તેઓ કઇ જગ્યા છે તે પણ માહિતી મળી શકે.