Columns

સ્માર્ટ સિટીમાં નાગરિકોની જાસૂસી કરવામાં આવશે

કેન્દ્ર સરકારે ભારતનાં 100 શહેરોને સ્માર્ટ સિટીમાં ફેરવવાનો સંકલ્પ કર્યો છે, જેમાં પહેલા તબક્કાનાં 20 શહેરોની પસંદગી થઇ પણ ગઇ છે. દેલોઇટ નામની કન્સલ્ટન્ટ ફર્મના અંદાજ પ્રમાણે 100 શહેરોને સ્માર્ટ બનાવવા કુલ 150 અબજ ડોલર (આશરે 10 લાખ કરોડ રૂપિયા)ની જરૂર પડશે પણ સરકાર તેમાંના 30 અબજ ડોલર જ આપવાની છે. બાકીના 120 અબજ ડોલર ખાનગી કંપનીઓ પાસેથી આવશે, જેમાં ગરીબોને લૂંટવા માટે જાણીતી મલ્ટિનેશનલ કંપનીઓનો પણ સમાવેશ થતો હશે. આ કંપનીઓ સ્માર્ટ સિટીમાં વીજળી, પાણી, સડક, શિક્ષણ, આરોગ્ય, વાઇ-ફાઇ વગેરે સુવિધાઓ પૂરી પાડશે પણ તેના આકરા ચાર્જ પણ વસૂલ કરશે. શહેરના જે ગરીબ લોકો આ ભારે ચાર્જ ભરપાઇ કરવાની ક્ષમતા નહીં ધરાવતા હોય તેમને શહેર છોડીને જતા રહેવાની ફરજ પડશે. સ્માર્ટ સિટીના નાગરિકો પર CCTV કેમેરાથી સતત નજર રાખીને તેમની જાસૂસી કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમી સ્માર્ટ સિટી યોજનાનો જે શહેરોમાં અમલ કરવામાં આવશે તેમાં લોકશાહી તંત્રનો નાશ થશે અને મૂડીવાદી સરમુખત્યારી વ્યવસ્થા અમલમાં આવશે. વર્તમાનમાં આપણા દેશની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોનો વહીવટ ચૂંટાયેલા નગરસેવકો દ્વારા લોકશાહી ઢબે કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશને કોઇ પણ જાહેર સેવાના ચાર્જ કે વેરા વધારવા હોય તો સામાન્ય સભા બોલાવવી પડે છે અને પ્રજાના પ્રતિનિધિઓની મંજૂરી લેવી પડે છે. સ્માર્ટ સિટીનું નિર્માણ કરવા માટે સ્પેશ્યલ પર્પઝ વેહિકલ તરીકે ઓળખાતી કંપનીઓની સ્થાપના કરવામાં આવશે. આ કંપનીઓમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત ખાનગી કંપનીઓ પણ ભાગીદાર હશે. શહેરનો વહીવટ આ કંપનીનો CEOઓ કરશે. શહેરનું બજેટ બનાવવામાં અને કરવેરાઓ નક્કી કરવામાં પછી મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટિની કોઇ ભૂમિકા રહેશે નહીં.

સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે સ્માર્ટ સિટીના નિર્માણ માટે પ્રજાનાં સૂચનો મંગાવવામાં આવ્યાં છે અને ફાઇનલ પ્લાન તૈયાર કરવામાં તેને પણ મહત્ત્વ આપવામાં આવશે. આ સૂચનો ઓનલાઇન જ મંગાવવામાં આવે છે માટે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતાં શહેરના ગરીબોની તેમાંથી બાદબાકી થઇ ગઇ છે. ભારતનાં શહેરોમાં જે 37.71 કરોડ લોકો વસે છે તેમાંના 5.28 કરોડ લોકો ગરીબ છે. સ્માર્ટ સિટી બાબતમાં તેમનો કોઇનો અભિપ્રાય જ લેવામાં આવ્યો નથી. ચેન્નાઇને સ્માર્ટ સિટી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે પણ તે બાબતમાં ચેન્નાઇના ગરીબોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી.

તેનો વિરોધ કરવા પેરેક્સિસ નામની સંસ્થાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં બાળકો અને મહિલાઓના અભિપ્રાયો પણ પૂછવામાં આવ્યા હતા. જ્યારે શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓને પૂછવામાં આવ્યું કે રોડ ક્રોસ કરવા માટે તમે સબ-વે પસંદ કરશો કે ફૂટ ઓવર બ્રિજ? ત્યારે મોટા ભાગની વિદ્યાર્થિનીનો જવાબ હતો કે અમે ફૂટ ઓવર બ્રિજ પસંદ કરીશું કારણ કે તેમાં અમને વધુ સલામતી જણાય છે. જ્યારે છોકરીઓને પૂછવામાં આવ્યું કે તમે કેવું રમતનું મેદાન પસંદ કરશો? ત્યારે તેમણે જણાવ્યું હતું કે છોકરીઓ માટે રમતનું અલાયદું મેદાન હોવું જોઇએ કારણ કે કોમન મેદાનમાં છોકરાઓ દાદાગીરી કરે છે. જ્યાં સુધી નિર્ણયપ્રક્રિયામાં સ્ત્રીઓને અને બાળકોને સામેલ કરવામાં ન આવે ત્યાં સુધી તેમના પ્રશ્નો હલ કરી શકાય તેવાં શહેરો કેવી રીતે બનશે? વર્તમાન પ્રક્રિયામાં તેનો વિચાર જ કરવામાં આવતો નથી.

સ્માર્ટ સિટીના મોડેલમાં વાઇ-ફાઇ અને ડિજિટલ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગની વાત કરવામાં આવી છે, જેનો લાભ રિલાયન્સ જિયો જેવી કંપનીઓને થશે, જે ભારતનાં 50 શહેરોમાં પોતાનું વાઇ-ફાઇ નેટવર્ક લોન્ચ કરવાની તૈયારીમાં છે. ભારતી એરટેલ અને વોડાફોને મળીને ફાયરફ્લાઇ નામની કંપની શરૂ કરી છે, જે પણ શહેરોમાં વાઇ-ફાઇ સેવાઓ પૂરી પાડવાની છે. શહેરના શ્રીમંત અને મધ્યમ વર્ગને વાઇ-ફાઇ જેવી સેવાઓ મળે તેમાં કોઇને વાંધો હોઇ શકે નહીં, પણ શહેરી ગરીબોની મૂળભૂત જરૂરિયાતો પાકું મકાન, શૌચાલય, વીજળી, પાણી, ગટર, મફત શિક્ષણ અને આરોગ્યની છે. શહેરના ગરીબો અત્યારે સરકારી કે ખાનગી જમીનો પર ગેરકાયદે ઝૂંપડાં બાંધીને વસવાટ કરે છે. સરકાર તેમને રહેવા માટે પાકાં મકાનો પૂરા પાડી શકતી નથી. સ્માર્ટ સિટીમાં આ જમીનો બિલ્ડરોના હવાલે કરી દેવામાં આવશે. ગરીબોને ત્યાંથી હટાવીને મોલ કે મલ્ટિપ્લેક્સ બાંધવામાં આવશે.

શહેરના ગરીબોને અત્યારે પીવાનું પાણી મફતમાં મળે છે. સ્માર્ટ સિટીમાં તેના પર મીટરો લાગી જશે માટે તેના પૈસા ચૂકવવા પડશે. શહેરના ગરીબો મ્યુનિસિપલ સ્કૂલોમાં ભણતા હોવાથી તેમને મફત શિક્ષણ મળે છે.  સ્માર્ટ સિટીમાં ખાનગી શાળાઓ જ હશે, જેમાં આકરી ફી ચૂકવવી પડશે. સ્માર્ટ સિટીમાં આરોગ્ય સેવાનું પણ ખાનગીકરણ થતાં તેના રૂપિયા ચૂકવવા પડશે. શહેરોમાં ચાલુ થતી મેટ્રો રેલવે કે BRTS સેવા પણ ખાનગી કંપનીના હાથમાં જતાં ભાડાંઓમાં ધરખમ વધારો થશે.  શહેરમાં રહેતા ગરીબોને આ સેવાઓ પરવડતી ન હોય તો તેમણે શહેર છોડીને ચાલ્યા જવું પડશે.

વિદેશની મલ્ટિનેશનલ કંપનીઓ અત્યારે FMCG, સોફ્ટ ડ્રિન્ક્સ, ઓટોમોબાઇલ્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર્સ, મોબાઇલ વગેરે ક્ષેત્રોમાં ભારતની પ્રજાને બેફામ લૂંટી રહી છે. હવે તેમને રિયલ એસ્ટેટ, ટ્રાન્સપોર્ટ, હેલ્થ, શિક્ષણ, વોટર, પાવર વગેરે ક્ષેત્રોમાં પણ પ્રજાને લૂંટવાની છૂટ સ્માર્ટ સિટીના નામે મળી જશે. વિદેશી કંપનીઓ માટે ‘અચ્છે દિન’ હવે જરૂર આવી જશે.

Most Popular

To Top