Editorial

શેરબજારમાં સક્રિય રોકાણકારોના મામલે ગુજરાતના શહેરોએ ડંકો વગાડ્યો

ભારતમાં વ્હાઈટની ઈન્કમ વધવાને કારણે  શેરબજારમાં રોકાણ કરવાનું ચલણ વધી રહ્યું છે અને તેને કારણે  સેન્સેક્સ નવી ને નવી ઉંચાઈ લઈ રહ્યા છે. શેરબજારમાં રોકાણકારોની સંખ્યા વધી રહી છે અને તેમાં પણ જો વ્યક્તિગત રોકાણકારોની વાત આવે તો સક્રિય રોકાણકારોમાં ગુજરાતનો ડંકો વાગી ગયો છે. ગુજરાતના સુરત, અમદાવાદ અને રાજકોટના રોકાણકારોએ ટોચનું સ્થાન મેળવ્યું છે. એનએસઈ દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા ડેટા પ્રમાણે એક જ મહિનામાં રાજકોટમાં રોકાણકારોમાં 17 ટકાનો વધારો થયો છે.

આખા દેશમાં સક્રિય રોકાણકારોની દ્રષ્ટિએ સુરત, અમદાવાદ અને રાજકોટએ ટોચના 10 જિલ્લામાં સ્થાન મેળવ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે સ્ટોક ટર્નઓવરની દ્રષ્ટિએ અમદાવાદ એપ્રિલ માસમાં 63000 કરોડની રોકાણની વૃદ્ધિ કરી છે. રાષ્ટ્રીય સ્તરે પણ અમદાવાદનું સ્થાન ત્રીજું છે. જ્યારે સુરતે 28000 કરોડ સાથે દેશમાં રોકાણમાં નવમો ક્રમ મેળવ્યો છે. આ આંકડાઓ એવું બતાવી રહ્યા છે કે રાષ્ટ્રીય સ્તરે શેરબજારમાં રોકાણ કરવામાં ગુજરાત રાજ્યએ નોંધપાત્ર ભાગીદારી નોંધાવી

એપ્રિલ માસમાં અમદાવાદમાં 4.10 લાખ જેટલા રોકાણકારો નોંધાયા હતા. આ એવા રોકાણકારો હતા કે જેમના દ્વારા ઓછામાં ઓછો એક વખત વેપાર કરવામાં આવ્યો હતો. જ્યારે રાજકોટમાં 2.96 લાખ તેમજ સુરતમાં 1.6 લાખ રોકાણકારો સક્રિય રહ્યા હતા. દેશમાં તમામ જિલ્લામાં વ્યક્તિગત રોકાણકારોની સંખ્યામાં ભારતના તમામ જિલ્લામાં 6.2 ટકાનો વધારો નોંધાયો છે. જોકે, તેમાં સૌથી અવ્વલ નંબરે રાજકોટ જિલ્લો છે. દેશમાં એપ્રિલ માસમાં રોકાણકારોની સંખ્યાનો વધારો 40.4 લાખ થયો છે. આ વધારામાં સૌથી આગળ મુંબઈ છે. મુંબઈમાં રોકાણકારોમાં 2.5 ટકાનો વધારો થયો છે. જ્યારે રોકાણકારોની સંખ્યા વધીને 10.5 લાખ થઈ ગઈ છે. આજ રીતે દિલ્હીએ પણ 2.4 ટકાના વધારા સાથે રોકાણકારોની સંખ્યા 9.9 લાખ પર પહોંચાડી છે. અમદાવાદમાં એપ્રિલ માસમાં રોકાણકારોની સંખ્યા 4.10 લાખ હતી તેમાં 13.1 ટકાનો વધારો નોંધાયો છે. આ જ રીતે રાજકોટમાં રોકાણકારોની સંખ્યા કુલ 1.60 લાખ થઈ છે.

એવું માનવામાં આવે છે કે શેરબજારમાં એપ્રિલ માસમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સેન્સેક્સ 72 હજારથી 75 હજારની વચ્ચે ટ્રેન્ડ થયો હતો. જેને કારણે ગુજરાતમાંથી મોટાપાયે રોકાણકારોએ બજારમાં વેપાર કર્યો હતો. એનએસઈના રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે વ્યક્તિગત સેગમેન્ટમાં કુલ ટર્નઓવર 26.8 ટકા વધીને 6.70 લાખ કરોડ થયું છે. મુંબઈ અને દિલ્હી દ્વારા અનુક્રમે 1.90 લાખ કરોડ અને 1.60 લાખ કરોડનું ટર્નઓવર શેરબજારમાં કરાયું હતું. વ્યક્તિગત ટર્નઓવરની દ્રષ્ટિએ શેરબજારમાં મુંબઈ અને દિલ્હી ટોચના બે જિલ્લા તરીકે રહેવા પામ્યા છે. શેરબજારમાં ટ્રેડિંગ કરનારા દેશના અન્ય ટોચના પાંચ જિલ્લામાં અમદાવાદ, બેંગ્લૂરૂ અને પૂણેમાં રોકાણકારોના ટર્નઓવરમાં 28.3, 27.2 અને 25.5 ટકાનો વધારો નોંધાયો છે. જે અનુક્રમે 63 હજાર,  57 હજાર અને 40 હજાર કરોડ થાય છે.

શેરબજારમાં રોકાણના આ આંકડા એવું બતાવી રહ્યા છે કે ભૂતકાળની હર્ષદ મહેતાની તેજીના સમયની જેમ હાલમાં પણ શેરબજારની તેજીમાં શેરબજારમાં ટ્રેડિંગ કરનારાઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. દેશમાં જે રીતે વ્હાઈટની ઈન્કમ વધી રહી છે તેનું સીધું રોકાણ શેરબજારમાં આવી રહ્યું છે. ભૂતકાળમાં જ્યારે કાળા નાણાંનું ચલણ હતું ત્યારે આ નાણાં જમીનના ધંધામાં ઠલવાતા હતા. હવે શેરબજારમાં વધુ મળતરને જોઈને રોકાણકારો તેના પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે.

શેરબજારની હાલની સ્થિતિ તેજી તરફ જઈ રહી છે. સંભવત: સેન્સેક્સ એક લાખ સુધી તો નજીકના સમયમાં જ પહોંચી જવાની ધારણા છે. શેરબજારમાં રોકાણ કરતાં પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે. ત્યારબાદ જ રોકાણ કરવું જોઈએ પરંતુ આંકડાઓ એવું બતાવી રહ્યા છે કે શેરબજારમાં લોકોનું આકર્ષણ વધી જ રહ્યું છે અને તે શેરબજારને તેજી તરફ ધકેલશે. જોકે, રોકાણકારો ઉતાવળ કરવા જશે તો ચોક્કસ શેરબજારમાં નાણાં ગુમાવશે તે નક્કી છે.

Most Popular

To Top