નવા નાણાકીય વર્ષે આવકવેરામાં રાહત આપ્યા બાદ મોદી સરકારે GST દરોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે દેશભરમાં માત્ર બે જ GST સ્લેબ 5% અને 18% રહેશે. આ ફેરફારનો સીધો ફાયદો સામાન્ય માણસ, ખેડૂતો અને નાના ઉદ્યોગોને મળશે. સરકારનો દાવો છે કે આ પગલાંથી ઘરેલું વપરાશ વધશે અને અર્થતંત્રને ગતિ મળશે.
શું થશે સસ્તુ?
GST કાઉન્સિલે રોજિંદા વપરાશની સેંકડો વસ્તુઓ સસ્તી કરી છે. ખાસ કરીને ડેરી ઉત્પાદનો, ખાતરો અને કૃષિ સાધનો પર કર ઘટાડવામાં આવ્યો છે. દૂધ, માખણ, ઘી અને ચીઝ પરનો GST 12% થી ઘટાડી 5% કરવામાં આવ્યો છે. અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર (UHT) દૂધ, પનીર, પિઝા બ્રેડ અને રોટલી પર કર 5% થી શૂન્ય કરવામાં આવ્યો છે.
ખાતરના કાચા માલ જેમ કે સલ્ફ્યુરિક એસિડ, નાઈટ્રિક એસિડ, એમોનિયા પર GST 18% થી ઘટાડીને 5% કર્યો છે. જૈવિક જંતુનાશકો અને કૃષિ ઉપકરણો પર GST હવે માત્ર 5% રહેશે. ટ્રેક્ટર, તેના ભાગો અને ટાયર પરનો ટેક્સ 18% થી ઘટાડી 5% કર્યો છે.
દૈનિક જીવનની વસ્તુઓ જેમ કે વાળનું તેલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, વાસણો, બેબી નેપકિન્સ, સીવણ મશીન, થર્મોમીટર, ઓક્સિજન, ગ્લુકોમીટર અને પેન્સિલો પરનો ટેક્સ પણ હવે 5% કે શૂન્ય થયો છે.
શું થશે મોંઘું?
સિગારેટ, તમાકુ, લક્ઝરી કાર અને ઠંડા પીણાં મોંઘા બનશે. કોકા-કોલા, પેપ્સી જેવા સોફ્ટ ડ્રિંક્સ પર GST 28% થી વધારીને 40% કર્યો છે. કેફીનયુક્ત પીણાં અને કાર્બોનેટેડ ડ્રિંક્સ પર પણ 40% ટેક્સ લાગશે. લક્ઝરી કાર ખરીદવી વધુ મોંઘી પડશે.
ગ્રાહકો અને ખેડૂતોને મોટો ફાયદો
ખેડૂતો માટે મોટી રાહત એ છે કે 15 હોર્સપાવર સુધીના ડીઝલ એન્જિન, ટપક સિંચાઈ પ્રણાલીઓ, ફુવારા, લણણી અને થ્રેસીંગ મશીનરી પર હવે માત્ર 5% જ ટેક્સ લાગશે. ટ્રેક્ટર અને તેના તમામ મુખ્ય સ્પેરપાર્ટ્સ પર પણ કરમાં ઘટાડો થયો છે.
આ બદલાવથી ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થશે, જ્યારે દૂધ, માખણ, ઘી અને ચીઝ જેવા આવશ્યક ખાદ્યપદાર્થો ગ્રાહકોને પોસાય તેવા મળશે.
28% થી 18% પર સમાવાયેલી વસ્તુઓ
કેટલાંક મોટા દર ઘટાડા કાર, વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં થયા છે. 1200cc સુધીની પેટ્રોલ અને હાઈબ્રિડ કાર, 1500cc સુધીની ડીઝલ કાર, ટ્રાઇસિકલ અને 350ccથી ઓછી બાઈક પર હવે 18% GST લાગશે. એર કન્ડીશનર, મોટા LED-LCD ટીવી, મોનિટર, પ્રોજેક્ટર અને ડિશવોશર પર પણ ટેક્સ 28% થી ઘટાડી 18% કર્યો છે.
અર્થતંત્ર પર અસર
નિષ્ણાતો માનતા છે કે સસ્તી થયેલી વસ્તુઓને કારણે મધ્યમ વર્ગનો વપરાશ ખર્ચ વધશે. આથી બજારમાં માંગ વધશે અને ખાનગી રોકાણને વેગ મળશે. સરકારને આશા છે કે શોર્ટ-ટર્મ આવકમાં થતું નુકસાન અર્થતંત્રની તેજીથી પૂરી થશે.
આ રીતેનવી GST દર યાદી એક તરફ સિગારેટ, તમાકુ અને લક્ઝરી વસ્તુઓને મોંઘી બનાવે છે. તો બીજી તરફ દૂધ, ઘી, ખાતર અને કૃષિ સાધનોને સસ્તા કરીને સામાન્ય માણસ અને ખેડૂતોને સીધી રાહત આપે છે.