સુરત : ગઇ તા.7 સપ્ટે્બરના રોજ થયેલી વિદેશી સિગરેટના ફોરેન કન્ટેનરની લૂંટ (cigarette robbery)ની ઓપરેન્ડી (Modes operandy)થી વલસાડ પોલીસ (valsad police)દોડતી થઇ ગઇ હતી. આ લૂંટમાં કંજર ગેંગ (Kanjar gang)નુ નામ આવતાં મધ્યપ્રદેશ ખાતે કંજર લોકોનાં વર્ચસ્વ ધરાવતાં ટોન્ખુર્દ તાલુકા પર વલસાડ એલસીબી (LCB) ત્રાટકી હતી. તેમાં બાતમીને આધારે ચાર લૂંટારૂઓને પકડી પાડયા હતાં.
આ મામલે દેવાસ ગામ ખાતે આ પીંઢારાઓને પકડતાં પોલીસને પણ નાકે દમ આવી ગયો હતો, મધ્યપ્રદેશના દેવાસ ગામના ટ્રાયબલ બેલ્ટના લોકો સદીઓથી લૂંટ માટે પંકાયેલા છે. આ લોકોને પોલીસ આવી હોવાની જાણ થતાં જ જવાનો પર ખંજરથી હુમલો કરાયો હતો. અલબત ઝપાઝપી પછી ચાર આરોપીઓને પકડવા પોલીસને સફળતા મળી હતી. કંજર ગેંગના લોકો પાંચ ચોપડીથી વધારે ભણેલા નથી પરંતુ તેઓ હાઇટેક લૂંટ કરવામાં માહિર છે. તમિલનાડુ, કણાર્ટક, ગુજરાત, હરિયાણા, ઉતરપ્રદેશમાં કંજર ગેંગ પર લૂંટની ખૂંખાર વારદાતો લખાયેલી છે.
આ મામલે વલસાડ ડીએસપી રાજદીપસિંહ ઝાલા અને રેન્જ આઇજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, ફોરેનની સિગરેટનું કન્ટેનર પોર્ટ પરથી નીકળ્યું… હોવાની કંજર ગેંગને બાતમી મળી ગઇ હતી. આ બાતમીને આધારે તેઓએ ટ્રકને આંતરીને આખી ટ્રક લઇને રફૂચક્કર થઇ ગયા હતા. બાદમાં તેઓના બાતમીદાર દ્વારા આ મામલે કંજર ગેંગ હોવાનુ માલૂમ પડતાજ પોલીસ સક્રિય થઇ ગઇ હતી. અને એલસીબીનો કાફલો મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં પહોંચીના આંતરિક કસ્બાઓમાં રેકી કરીને આ લૂંટારૂઓને પકડયા હતા. હજુ છ લૂંટારૂ ફરાર હોવાની વિગત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયને જણાવી હતી.
કંજર ગેંગના લોકોના કરોડો રૂપિયાના હાઇફાઇ બંગલો જોઇને પોલીસ પણ સ્તબ્ધ
મધ્યપ્રદેશના દેવાસ ગામમાં કંજર ગેંગના ટ્રાયબલ લોકો દોઢ સદીથી લૂંટ કરે છે. પહેલા તેઓ ગેરિલાની જેમ લૂંટ કરતાં હતાં પરંતુ હાલમાં સમય સાથે આ લોકોએ તાલ મેળવી લીધા છે. કંજર ગેંગના લોકો હવે હાઇટેક રીતે લૂંટ કરવાની પદ્ધતિ અપનાવી છે. ગામમાં કોઇ ભણેલુ હોતુ નથી. પરંતુ પોલીસને કેવી રીતે ડફોળ બનાવી અને કેવી રીતે લૂંટ કરવી તે મામલે તેઓની તરકીબથી પોલીસ પણ ચોંકી જાય છે. આ ઉપરાંત આ લોકો નાના નાના કસ્બામાં એમપીમાં દેવાસ જિલ્લામાં રહે છે. તેમાં આ લોકોના મકાનો હાઇફાઇ સિસ્ટમથી સુસજજ છે. જયારે કોઇ ઉદ્યોગપતિ રહેતો હોય તેવા બંગલા આ લોકો ધરાવે છે.
લૂંટ કરતા પહેલા કંજર ગેંગ મંદિરમાં બલિ ચઢાવે છે
કોઇ પણ લૂંટનો અંજામ આપવો હોયતો કંજર ગેંગ પહેલા દેવીને પાડાની બલિ આપે છે. ત્યારબાદ લૂંટનુ કામ પાર પાડવામાં આવે છે. આ ગેંગ વર્ષો પછી દ.ગુજરાતમાં સક્રિય થતાં વલસાડ એલસીબી રાજદિપસિંહ ઝાલાએ તેમની ટીમ દોડાવી હતી. અને આ ગેંગને તેમના ઘરમાંથી દબોચી લીધી હતી. પોલીસ આવતાં જ આસપાસના 100 ગામોના પુરૂષો ગાયબ થઇ ગયા હતાં. આ ઉપરાંત કંજર ગેંગમાં લૂંટ નહીં કરનાર પરિવારને સમાજમાં કોઇ માન સન્માન મળતું નથી. આમ લૂંટ કરીને સદીઓથી કંજર ગેંગ પોતાનુ ગુજરાન ચલાવી રહી હોવાની વિગતો રેન્જ આઇજી રાજકુમાર પાંડિયને જણાવી હતી.
લૂંટ કરવાની હોય તેના દસ દિવસ પહેલા મોબાઇલ ફોન બંધ કરી દેવાય છે
પોલીસ કરતા પણ કંજર ગેંગ આગવી સૂઝ ધરાવે છે. તેમાં જયા લૂંટ કરવાની હોય ત્યા સીસીટીવી કેમેરા છે કે નહી. લૂંટ પછી કયાંથી ભાગવું અને કયાંથી નીકળવું તે પ્રોફાઇલ પહેલાથી જ તૈયાર કરી દેવાઇ છે. આ ઉપરાંત એવુ પણ કહેવાય છે કે મોબાઇલ ફોન લૂંટ કરતા પહેલા દસ દિવસ પહેલા બંધ થઇ જાય છે. જયારે લૂંટ કરવાની હોય ત્યારે કંજર ગેંગ કયારેય મોબાઇલ ફોન વાપરતી નથી. અલબત બાતમીદારને કારણે આ ખૂંખાર ગેંગ કાબૂમાં આવી હતી.