World

‘ચીની નાગરિકોએ તાત્કાલિક અફઘાનિસ્તાન છોડી દે’ કાબુલમાં ISISના હુમલાથી ડ્રેગન હચમચી ગયુ

ઈસ્લામાબાદ (Islamabad) : કાબુલ (Kabul)માં ઈસ્લામિક સ્ટેટ (ISIS) આતંકવાદી સંગઠન દ્વારા ચીન (China) ની માલિકીની હોટલ પર હુમલો કર્યા બાદ ચીને મંગળવારે તેના નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે અફઘાનિસ્તાન (Afghanistan) છોડવાની સલાહ આપી હતી. ચાઈનીઝ એડવાઈઝરી અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો માટે એક મોટો ફટકો છે કારણ કે વહીવટીતંત્ર અફઘાન અર્થતંત્રને બરબાદીથી બચાવવા માટે વિદેશી રોકાણ આકર્ષવા માંગે છે. ચીને તાલિબાન સરકારને મદદ કરવા માટે લાખો ડોલરનું પેકેજ પણ આપ્યું હતું. તેના બદલામાં તાલિબાન સરકારે ચીનને ઘણી ખાણો લીઝ પર આપી હતી. નોંધપાત્ર વાત એ છે કે લગભગ એક વર્ષ પહેલા તાલિબાને ફરી અફઘાનિસ્તાનની સત્તા પર કબજો જમાવ્યો હતો.

ચીની નાગરિકો પર થયેલા હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી
તાલિબાનના મુખ્ય હરીફ ઈસ્લામીએ સોમવારે કાબુલની લોંગન હોટેલ પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલામાં ત્રણ હુમલાખોરો અને ઓછામાં ઓછા બે મહેમાનો માર્યા ગયા જેમણે બિલ્ડિંગની બારીમાંથી કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ તસવીરો અનુસાર, શર-એ-નાવ સ્થિત હોટલની 10 માળની ઇમારતમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, તેઓએ વિસ્ફોટ અને ગોળીબારના અવાજો પણ સાંભળ્યા હતા.

ચીને હુમલાની વિગતવાર તપાસની માંગ કરી છે
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને મંગળવારે આ હુમલાને ભયાનક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ચીનને તેનાથી ઘણું દુઃખ થયું છે. વાંગે ધ્યાન દોર્યું કે ચીને વિગતવાર તપાસની માંગ કરી છે અને તાલિબાન સરકારને કહ્યું છે કે “અફઘાનિસ્તાનમાં ચીની નાગરિકો, સંસ્થાઓ/સ્થાપનાઓ અને પ્રોજેક્ટ્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં લેવા.” વાંગે કહ્યું કે કાબુલમાં ચીની દૂતાવાસે પણ હુમલાથી પ્રભાવિત લોકોની મદદ માટે એક ટીમ મોકલી છે.

ચીનના તાલિબાન સાથે સારા સંબંધો
15 ઓગસ્ટ 2021ના રોજ તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કર્યો હતો. આ પછી, તાલિબાન સરકાર આર્થિક મદદ માટે હંમેશા ચીન તરફ વળે છે. ઓક્ટોબરમાં તાલિબાન દ્વારા નિયુક્ત સરકારી પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે ચીનને અફઘાનિસ્તાનના આર્થિક વિકાસના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે પ્રકાશિત કર્યું હતું. ચીને પણ અમેરિકી દળોની હકાલપટ્ટી બાદ અફઘાનિસ્તાનમાં મુખ્ય ભૂમિકા ભજવવાની પોતાની મહત્વાકાંક્ષાઓ જાહેર કરી છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ તાજેતરમાં જ એક પ્રાદેશિક પરિષદમાં અમેરિકાને વિદેશમાં રાખેલી અફઘાન સંપત્તિઓને દૂર કરવા અને તાલિબાન સરકાર પરના પ્રતિબંધોને સમાપ્ત કરવા હાકલ કરી હતી.

Most Popular

To Top