હાલમાં અમેરિકા હેરાન પરેશાન થઇ ગયું છે. હજી તો આકાશમાં દેખાતી રહસ્યમય વસ્તુઓ બાબતે ખુલાસો થયો નથી ત્યાં કેટલાક હેકરોએ ત્યાં મચાવેલા તરખાટનો મુદ્દો સપાટી પર આવી રહ્યો છે. અમેરિકાની અનેક ટેલિકોમ કંપનીઓને હેક કરવામાં આવી અને તે પછી તો હદ થઇ ગઇ છે જેમાં અમેરિકાના કરોડો ડોલરનો વહીવટ સંભાળતા ટ્રેઝરી વિભાગના અનેક વર્ક સ્ટેશનો હેક થઇ ગયા છે અને તેના કેટલાક નોન ક્લાસીફાઇડ દસ્તાવેજોની માહિતીઓ પણ હેકરોએ મેળવી લીધી છે. આ હેકીંગ ચીની હેકરોએ જ કર્યું હોવાનું કહેવાય છે. ચીની હેકરોએ અમેરિકાના તિજોરી વિભાગના ઘણા વર્કસ્ટેશનો અને બિનવર્ગીકૃત દસ્તાવેજો પર એક થર્ડ પાર્ટી સોફ્ટવેચ પ્રોવાઇડર સાથે બાંધછોડ કર્યા બાદ કાબૂ મેળવ્યો છે એમ તપાસ એજન્સીએ જણાવ્યું હતું.
જો કે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે એ વિગતો આપી ન હતી કે કેટલા વર્કસ્ટેશનો એક્સેસ કરવામાં આવ્યા છે અને કયા પ્રકારના દસ્તાવેજો હેકરોએ પ્રાપ્ત કર્યા હોઇ શકે છે, પણ તેણે આ સુરક્ષા ભંગ અંગે ખુલાસો કરતા સાંસદોને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે આ સમયે એવા કોઇ પુરાવા નથી કે થ્રેટ એકટરોએ ટ્રેઝરીની માહિતી મેળવવાનું ચાલુ રાખ્યું છે. આ હેકની તપાસ એક મોટા સાયબર સિક્યુરિટી બનાવ તરીકે કરવામાં આવી રહી છે એમ તેણે વધુમાં જણાવ્યુ઼ હતું.
ટ્રેઝરી અમારી સિસ્ટમ વિરુદ્ધના તમામ ખતરાઓને ઘણી ગંભીરતાથી અને તે જે ડેટા ધરાવે છે તેને ઘણી ગંભીરતથી લે છે એમ તિજોરી વિભાગના એક પ્રવકતાએ એક અલાયદા નિવેદનમાં જણાવ્યું હતું. યુ.એસ. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે સરકાર દ્વારા પ્રાયોજિત ચાઇનીઝ હેકિંગ ઓપરેશન ટ્રેઝરી કર્મચારીઓના ડેસ્કટોપ કમ્પ્યુટર્સમાં ટેપ કરવા માટે તૃતીય-પક્ષ સોફ્ટવેરને ઍક્સેસ કરવામાં સક્ષમ હતું જેને વિભાગ મોટી ઘટના તરીકે ઓળખાવે છે.
એનબીસી ન્યૂઝ દ્વારા જોવામાં આવેલા પત્રમાં, યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીના સંચાલન માટે સહાયક સચિવ અદિતિ હાર્ડિકરે લખ્યું છે કે કાર્યાલયને 8 ડિસેમ્બરે આ બ્રીચ થયું હોવાનું જાણવા મળ્યું હતું. દેખીતી રીતે અમેરિકા આ બ્રીચને ખૂબ ગંભીરતાથી લઇ રહ્યું છે એમ જણાઇ આવે છે. જો ટ્રેઝરી વિભાગની કોઇ ગુપ્ત માહિતી ચીન સુધી પહોંચી ગઇ હોય તો તે ખરેખર ખૂબ ગંભીર બાબત જ કહેવાય. જો કે આ હેકીંગમાં પોતાનો હાથ હોવાનું ચીન સ્પષ્ટપણે નકારી કાઢે છે.
બૈજિંગમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ હેકીંગના આક્ષેપો સામે કાયમ મુજબનો જવાબ આપ્યો હતો. અમે વારંવાર જેનો કોઇ પુરાવો નથી તેવા આવા પાયાવિહોણા આક્ષેપો પર અમારી સ્થિતિ સ્પષ્ટ કરી છે એમ માઓ નિંગે એક દૈનિક બ્રિફિંગમાં કહ્યું હતું. ચીન તમામ સ્વરૂપના હેકિંગનો સતત વિરોધ કરે છે અને અમે ચીન સામે રાજકીય હેતુસર ફેલાવવામાં આવતી ખોટી માહિતીનો વધુ સખત વિરોધ કરીએ છીએ એમ તેમણે જણાવ્યું હતું. જો કે ચીન ભલે ઇન્કાર કરે પણ તેના અને રશિયાના હેકરો દુનિયાભરમાં કુખ્યાત છે. વળી, આ બંને દેશોની સરકારો પણ એવી છે કે આવા હેકરોને સરકારનો ટેકો હોવાની વાત વિશ્વમાં થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયમાં અમેરિકાની અનેક કંપનીઓની સિસ્ટમો હેક થઇ છે. હાલમાં થોડા દિવસ પહેલા જ અમેરિકાએ જાહેર કર્યું હતું કે ચીનની નવમી ટેલિકોમ કંપની હેક થઇ છે. વિશ્વના બીજા પણ અનેક દેશોમાં હેકરો તરખાટ મચાવી રહ્યા છે. માઈક્રોસોફ્ટ દ્વારા પ્રકાશિત ડિજિટલ ધમકીઓ પરના અહેવાલ મુજબ, રશિયા, ચીન અને ઈરાન પોતાના અમેરિકા જેવા વિરોધીઓ સામે સાયબર જાસૂસી અને હેકિંગ કામગીરીનું સંચાલન કરવા માટે ગુનાહિત નેટવર્ક્સ પર વધુને વધુ નિર્ભર છે.સરમુખત્યારશાહી સરકારો અને અપરાધી હેકર્સ વચ્ચેના વધતા સહયોગથી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ અને સાયબર સુરક્ષા નિષ્ણાતો ચિંતામાં મૂકાયા છે જેઓ કહે છે કે તે બેઇજિંગ અથવા ક્રેમલિન દ્વારા નિર્દેશિત ક્રિયાઓ વચ્ચેની વધુને વધુ અસ્પષ્ટ રેખાઓનું પ્રતિનિધિત્વ કરે છે જેનો હેતુ હરીફોને નબળો પાડવાનો છે અને સામાન્ય રીતે નાણાકીય લાભમાં વધુ રસ ધરાવતા જૂથોને નિશાન બનાવવાનો છે.
એક ઉદાહરણમાં, માઈક્રોસોફ્ટના વિશ્લેષકોએ શોધી કાઢ્યું હતું કે ઈરાન સાથે લિંક્સ ધરાવતા ગુનાહિત હેકિંગ જૂથે ઈઝરાયેલી ડેટિંગ સાઇટમાં ઘૂસણખોરી કરી અને પછી તેણે મેળવેલી અંગત માહિતીને વેચવા અથવા ખંડણી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. માઇક્રોસોફ્ટે તારણ કાઢ્યું કે હેકર્સ પાસે બે હેતુઓ હતા: ઇઝરાયલીઓને શરમમાં મૂકવા અને નાણા કમાવા. આમ હવે વિશ્વના કેટલાક દેશોની સરકારોનું સમર્થન ધરાવતા દેશો વિશ્વભરના સાયબરસ્પેસ માટે એક મોટો ખતરો બની રહ્યા છે.