આજે આખું વિશ્વ ઇન્ટરનેટ વડે જોડાઇ ગયું છે અને ઇન્ટરનેટને કારણે માહિતીની આપ-લે, માહિતીનો સંગ્રહ, વિશ્લેષણ વગેરે ઘણું સરળ થઇ ગયું છે, તો તે સાથે કેટલાક જોખમો પણ ઉભા થયા છે. પહેલા લોકોના બેંક ખાતાઓની વિગતો, તેમના સરનામા, ફોન નંબરો વગેરે માહિતી ધરાવતા ચોપડાઓ જે-તે સંસ્થા કે એકમે રાખવા પડતા હતા અને તેને સાચવવા પણ ઘણા પડતા હતા અને જેમ માહિતી વધારે હોય તેમ જગ્યા પણ વધારે જોઇતી હતી. હવે ઘણી બધી માહિતી એક નાનકડી પેન ડ્રાઇવ કે ડીસ્કમાં સંગ્રહ થઇ શકે છે, પરંતુ પહેલા ચોપડાઓમાંથી બધી માહિતી કોઇએ તફડાવવી હોય તો ખૂબ મુશ્કેલ હતું પણ હવે હેકિંગ વડે તેમ કરવું સરળ બની ગયું છે.
જો ગફલત રાખવામાં આવે તો ઘણી બધી માહિતીની પળવારમાં તફડંચી થઇ શકે છે. અને હવે તો આંતરરાષ્ટ્રીય હેકરો મોટી કંપનીઓ, હોસ્પિટલો, વેપારી કેન્દ્રો વગેરે ઉપરાંત વિવિધ દેશોના સરકારી વિભાગોને પણ નિશાન બનાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવા અનેક આંતરરાષ્ટ્રીય હેકિંગ હુમલા થયા છે અને તેમાં અનેક દેશો નિશાન બન્યા છે. રશિયા અને ચીનના હેકરો આવું હેકીંગ કરવામાં દુનિયાભરમાં કુખ્યાત છે અને આમાં પણ કેટલાક હેકરોને તો આ બંને દેશોની સરકારોનો પણ ટેકો હોવાનું કહેવાય છે. રેન્સમવેર એ છેલ્લા કેટલાક સમયથી બહુ ચર્ચાયેલો વાયરસ કે માલવેર છે જે વિવિધ દેશોની સંસ્થાઓના નેટવર્કમાં ઘૂસાડવામાં આવે છે અને તેમાં માહિતીની તફડંચી કરતા પણ નેટવર્ક ઠપ થઇ જવાનો ભય વધુ હોય છે અને આ રીતે માલવેર ઘૂસાડ્યા પછી નેટવર્ક ઠપ કરીને અમુક રકમની ખંડણી માગવામાં આવે છે અને તે ખંડણી ચુકાવાયા પછી જ તે નેટવર્ક ફરી શરૂ કરી શકાય તે રીતની અનુકૂળતા કરી આપવામાં આવે છે.
આ રીતે ખંડણી માગવામાં આવતી હોવાથી આ વાયરસને રેન્સમવેર તરીકે ઓળખવામાં આવ્યા. રશિયન હેકરો આ બાબતમાં ઘણા કુખ્યાત થયા, પરંતુ હવે એવા સંકેતો મળ્યા છે કે રશિયન કરતા ચીની હેકરો વધુ ખતરનાક પુરવાર થઇ રહ્યા છે. હાલમાં એવા અહેવાલ બહાર આવ્યા છે કે ચીની હેકરોએ છેલ્લા કેટલાયે મહિનાઓથી દુનિયાભરની સંસ્થાઓના નેટવર્કમાં પ્રવેશ કર્યો છે અને આ હેકરોને ચીનની સરકારનો પણ ટેકો હોવાનું જણાય છે. અને આ હેકિંગ ખંડણી માટે નહીં પણ જાસૂસી માટે કરવામાં આવ્યું છે.
એક સાયબર સિક્યુરિટી કંપનીએ અહેવાલ આપ્યો છે કે ચીની હેકરોએ દુનિયાભરના નેટવર્કોમાં પ્રવેશ કર્યો છે. શંકાસ્પદ સરકાર સમર્થિત ચીની હેકરોએ એક લોકપ્રિય ઇ-મેઇલ સુરક્ષા ઉપકરણમાં એક સુરક્ષા છીંડાનો ઉપયોગ કરીને વિશ્વભરના સેંકડો જાહેર અને ખાનગી સેકટરના સંગઠનોના નેકટવર્કમાં પ્રવેશ કર્યો છે, અને આમાંથી ત્રીજા ભાગની તો સરકારી એજન્સીઓ છે જેમાં વિવિધ દેશોના વિદેશ મંત્રાલયોનો પણ સમાવેશ થાય છે એમ સાયબરસિક્યુરિટી કંપની મેન્ડિઅન્ટે હાલમાં જણાવ્યું હતું.
આ અત્યાર સુધીની જાણીતુ એવું સૌથી મોટું સાયબર જાસૂસી અભિયાન ચીની સાંઠગાંઠ ધરાવતા હેકરોનું છે, જે ૨૦૨૧ની શરૂઆતમાં માઇક્રોસોફ્ટ એક્સચેન્જમાં કરવામાં આવેલ માસ એક્સપ્લોઇટેશન પછીનું સૌથી મોટું આવું અભિયાન છે એમ મેન્ડિઅન્ટના ચીફ ટેકનીકલ ઓફિસર ચાર્લ્સ કર્માકેલે એક ઇમેઇલ નિવેદનમાં જણાવ્યું હતું. આ હેકિંગને કારણે વિશ્વભરમાં હજારો કોમ્પ્યુટરો સાથે ચેડા થયા હોઇ શકે છે. એક બ્લોગપોસ્ટમાં, ગૂગલની માલિકીની મેનડિઅન્ટે ભારે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે બાર્રાકુડા નેટવર્કની ઇમેઇલ સિક્યુરિટી ગેટવેની સોફટવેરની નબળાઇનો ઉપયોગ કરી રહેલ આ ગ્રુપ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના ટેકામાં જાસૂસી પ્રવૃતિ કરી રહ્યું છે.
મેન્ડિઅન્ટે જણાવ્યું હતું કે આ પ્રવૃતિ ગયા વર્ષના ઓકટોબરમાં શરૂ થઇ હતી. હેકરોએ લક્ષ્ય બનાવેલા સંગઠનોના ડેટા અને ડિવાઇસોની એક્સેસ મેળવવા મેલિશ્યસ ફાઇલ એટેચમેન્ટ ધરાવતા ઇમેઇલો મોકલ્યા હતા એમ મેન્ડિઅન્ટે જણાવ્યું હતું. જે સંસ્થાઓ લક્ષ્ય બની છે તેમાં પપ ટકા અમેરિકા ખંડની, ૨૨ ટકા એશિયા પેસેફિકની અને ૨૪ ટકા યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકાની છે, અને આ સંસ્થાઓમાં દક્ષિણપૂર્વ એશિયાના કેટલાક દેશોના વિદેશ મંત્રાલયોનો તથા તાઇવાન અને હોંગકોંગની વિદેશ વેપાર કચેરીઓ અને શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થાય છે એમ તેણે જણાવ્યું હતું. નિશાન બનાવેલા લક્ષ્યોનો અભ્યાસ કરતા જણાય છે કે ચીનની સરકારને માટે જાસૂસી કરવા માટે આ હેકીંગ કરવામાં આવ્યું છે.
રશિયા અને ચીનના – બંને દેશોના હેકરો આમ તો આખી દુનિયાની સાયબરસુરક્ષા માટે ખતરારૂપ છે પરંતુ નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે રશિયા કરતા ચીનના હેકરો વધુ ખતરનાક પુરવાર થઇ રહ્યા છે. અમેરિકાની ટોચની તપાસ સંસ્થા એફબીઆઇએ કેટલાક સમય પહેલા ચેતવણી આપી હતી કે ચીનનો હેકિંગ પ્રોગ્રામ અન્ય બીજા કોઇ પણ દેશોના સંયુક્ત હેકિંગ પ્રોગ્રામ કરતા પણ વધુ મોટો છે. એફબીઆઇએ ગત વર્ષના જુલાઇમાં બ્રિટિશ જાસૂસી એકમ એમ૧૫ સાથે મળીને ચીન દ્વારા આઇપી ચોરી અંગે ચેતવણી આપી હતી. નિષ્ણાતો કહે છે કે એફબીઆઇની ચેતવણી અમારી માન્યતાને અનુરૂપ જ છે. ભારત સાથે ચીનની શત્રુતા ઘણી વધી ગઇ છે ત્યારે ભારતે પણ આ બાબતે ખાસ સાવધ રહેવાની જરૂર છે.