Comments

ડોનાલ્ડ ટ્રમ્પ સામે શિંગડાં ભેરવવાની તૈયારી ચીને કરી રાખી છે

ડોનાલ્ડ ટ્રમ્પ બીજી મુદતમાં ચીન માટે અશુભ સંકેતો લઇને આવી રહ્યા છે અને ખુદ ટ્રમ્પ લાંબા સમયથી અમંગળ સમાચારો ચીનને મોકલી રહ્યા છે. ટ્રમ્પ ચીન વિરુદ્ધ જે પગલાં લેશે તેમાંનું સૌથી અગત્યનું અને સૌથી પ્રાથમિક કદમ એ હશે કે ચીનથી આયાત થતાં માલસામાન પર અમેરિકાની સરકાર ટેરિફ અર્થાત આયાત ડયુટી એવડી ઊંચી રાખશે કે અમેરિકી પ્રજાને ચીની સામાન મોંઘો પડે. પણ તેના વિકલ્પમાં શું છે?

ચીની સામાન મોંઘો પડે. પણ તેના વિકલ્પમાં શું છે? અમેરિકનોએ દાયકાઓથી ઘરવખરીનો ઇલેકટ્રોનિક તેમજ મધ્યમ વર્ગ અને નીચેના વર્ગના ઉપયોગ માટેના સામાનનું ઉત્પાદન બંધ કરી દીધું છે ત્યાં સુધી કે હવે શ્રીમંતો માટેનો લક્ઝુરિયસ માલસામાન પણ ચીનમાં બનવા લાગ્યો છે અને ઘણી નીચી કિંમતે તેનું ઉત્પાદન કરે છે. અમેરિકા પાસે યુરોપના દેશોમાંથી સામાન ખરીદવાનો વિકલ્પ છે, પણ એ યુરોપીઅન દેશો પોતે જ ચીનમાં બનેલો માલસામાન વાપરે છે. યુરોપ અને અમેરિકા બન્નેમાં મજૂરીના દરો ખૂબ ઊંચા છે. તેઓ આદતવશ નફાનું માર્જિન પણ ખૂબ ઊંચું રાખે છે.

ચીનને બાદ કરે તો પશ્ચિમના દેશ પાસે ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા, તાઈવાન, વિયેતનામ અને બાંગલા દેશ તરફ નજર દોડાવવી પડે. આમાંના મોટા ભાગના દેશોને અમુક અમુક સેકટરમાં મહારત હાંસલ છે, ચીનની માફક બધાં ક્ષેત્રોમાં તેઓ નિપુણ નથી. ઇલેકટ્રોનિકસ, હાઈટેકનોલોજી, ફેશન, રમકડાં, વાહનો વગેરેમાં ચીનનું સ્થાન અજોડ છે અને ભારત બીજા ક્રમે આવે છે. ખરું કે ભારત આપણો દેશ છે ઝડપભેર વિકસી રહ્યો છે, પણ ચીન આપણાથી ખૂબ જ આગળ છે. ચીનમાં નિર્માણ પામેલી ચીજો તકલાદી હોય છે એ વાત હવે ભૂલી જવાની. વળી સામ્યવાદ સરકાર મજૂરીના દર નક્કી કરતી હોવાથી કોઇ પણ ચીજનું કિફાયતી ઉત્પાદન કરવાનું તેને પરવડે છે.

પશ્ચિમના દેશોની જાણીતી બ્રાન્ડની ચીજ આબેહૂબ, થોડા પણ મિનમેખ વગર વીસથી ત્રીસ ગણી નીચી કિંમતે ચીન પેદા કરે છે. ચીન વસ્તુઓના દર્શન અથવા દેખાવ પર એસ્થેટિકસનો પણ ખાસ ખ્યાલ રાખે છે. જોનારાને ગમી જાય એવી ચીજ ત્રીસમા કે ચાલીસમા ભાગની કિંમતે નિર્માણ થતું હોય અને ચીનના સામાન પર અમેરિકા દસથી સાઠ ટકા જેટલો ટેરિફ વધારે તો પણ પશ્ચિમમાં બનેલી ચીજની સરખામણીમાં ચીનમાં બનેલી ચીજો પશ્ચિમના ગ્રાહકો પર તેની સીધી અસર થશે. તેઓ નારાજ થશે. અગત્યની બાબત એ છે કે ચીન આવી, માત્ર મધ્યમ વર્ગ માટેની ચીજો જ બનાવતું નથી. કોરોના સંકટમાં ચીનમાંથી સપ્લાય બંધ પડી ગઇ હતી તેથી પશ્ચિમના ઉદ્યોગ-ધંધાઓ પણ ખોરવાઈ ગયા હતા. અમેરિકાનો મોટરકાર નિર્માણ ઉદ્યોગ ઠપ થઇ ગયો હતો.

આવી રહેલી ટ્રમ્પ નામક આફત સામે કેવી રીતે લડવું તેની તૈયારીઓ અને માનસિક નિર્ણયો ચીને કરી રાખ્યાં છે. નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પના ‘મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન’ (મેગા) પ્લાનનો ટ્રમ્પ ચુસ્તપણે અમલ કરશે તો શરૂ શરૂમાં ભારતે પણ અમેરિકા સાથેના વેપાર વણજમાં સહન કરવાનું આવશે. ગઇ ટર્મમાં પણ હાર્લે-ડેવિડસન મોબાઈના મુદ્દા પર ટ્રમ્પે ભારત પ્રત્યે નારાજગી દર્શાવી હતી, પરંતુ સારી વાત એ છે કે ટ્રમ્પ, વચ્ચેના ચાર વરસ, સત્તા પર ન હતા ત્યારે શ્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારે ટ્રમ્પ સાથે સારા સંબંધો બનાવી રાખ્યા હતા. તેથી આ બીજી ટર્મ પણ ભારત માટે વધુ ફળદાયી નિવડે એવી અપેક્ષા બન્ને તરફ રખાઈ રહી છે. ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર સંબંધ એક માત્ર એવો સંબંધ છે જેમાં ભારતે ખાધનો સામનો કરવો પડતો નથી, બલ્કે ભારતના ખાતામાં વરસે દોઢસો અબજ ડોલરની પુરાં જમા થાય છે.

ચીનનું આ વખતે કહેવું છે કે ટ્રમ્પની પ્રથમ ટર્મ વખતે ચીને પ્રમાણમાં મૌન જાળવી રાખ્યું હતું, પરંતુ આ બીજી ટર્મ વખતે ચીને પણ અમેરિકા સામે શિંગડાં ભેરવવા તેવું ચીની સત્તાધીશો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ઘણા સમયથી ટ્રમ્પ કહી રહ્યા છે કે ચીની માલસામાન પર અમેરિકા દસથી સાઠ ટકા સુધીની વધારાની ટેરિફ અર્થાત્ ડયુટી લગાવશે. બેશક આ સ્થિતિમાં ચીનના અમેરિકામાંના વેપાર પણ મોટી અસર પડી શકે છે. ખાસ કરીને ઇલેકટ્રિક વાહનો પર પચાસથી સાઠ ટકા ટેરિફ લાગુ પડાય તો અમેરિકામાં ચીની ઇલેક્ટ્રિક વાહનો ખૂબ મોંઘાં પડે અને ત્યાંનાં લોકો અમેરિકામાં કે વેસ્ટમાં બનેલાં વાહનો જ ખરીદે. ઊંચી કિંમતની ચીજવસ્તુઓમાં ટેરિફના વધારો કે ઘટાડો ખૂબ અસર પાડે. હાલના સમયમાં ઇલેકટ્રિક વાહનોના નિર્માણમાં ચીન દુનિયામાં અગ્રેસર છે અને તેનાં વાહનો પ્રમાણમાં સસ્તાં અને સુંદર પણ છે.

અમેરિકામાં પણ સુંદર વીજળીથી ચાલતી મોટરકારો અને અન્ય વાહનો બને છે. પણ તેના નિર્માણમાં અમુક ચીજવસ્તુઓ માટે અમેરિકા અને પશ્ચિમે ચીન પર જ આધાર રાખવો પડે છે. ગયા મહિનામાં કેટલાક કાચા માલસામાનની અમેરિકા તરફ નિકાસ કરવા પર ચીને પ્રતિબંધ મૂકયો હતો. આ ઉપરાંત જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઇલેકટ્રીક વાહનોના નિર્માણમાં વપરાતી કેટલીક ટેકનોલોજી (જેમ કે વાહનોની બેટરીઓના નિર્માણમાં વપરાતી ધાતુ અને મિનરલોને પ્રોસેસ કરવાની ટેકનોલોજી) અમેરિકા તેમજ પશ્ચિમના દેશોને નિકાસ કરવા પર કેટલાંક નિયંત્રણો લાદવાનો ચીની સરકારે નિર્ણય લીધો છે. આ ટેકનોલોજી બાબતમાં ચીન દુનિયામાં અગ્રેસર છે અને તે દુનિયાભરમાં મોનોપોલી ધરાવે છે.

અમેરિકાની વૈશ્વિક સત્તા અથવા પાવરમાં કેટલીક સંભવિત તિરાડોનો ફાયદો પણ ચીન ઊઠાવવા માગે છે. ચીન એવું ધારે છે કે ટ્રમ્પની અકળ અને અણધારી, અચોક્કસ નીતિઓને કારણે દુનિયાની રાજનીતિમાં કેટલીક તિરાડો પેદા થશે. સંબંધોનાં કેટલાંક સમીકરણો રચાતાં અને ભૂંસાતાં રહેશે. એ ધારણાને આધારે ચીને અત્યાધુનિક ચીની શસ્ત્રોનું પ્રદર્શન કરવા માંડયું છે. કેટલા વિકસી રહેલા દેશોને ચીને પોતાની પાંખમાં લેવાની શરૂઆત કરી દીધી છે.

એસિયા-પેસેફિક વિસ્તારમાં જે દેશો-ટાપુઓ વગેરે અમેરિકા તરફ ઢળેલાં હતાં તેઓ સાથે સંબંધો સુધારવાના પ્રયત્નો આદરી દીધા છે. આ ઉપરાંત અમેરિકી સરકારોનાં, સંસ્થાઓનાં અને કંપનીઓનાં ડિજિટલ નેટવર્ક પર ચીન દ્વારા હુમલાઓ વધી ગયા છે જે અમેરિકાને એવો ઇશારો આપી રહ્યા છે કે ડિજિટલ ટેકનોલોજીમાં ચીન અમેરિકાથી પણ આગળ છે અને ગમે ત્યારે અમેરિકાની વ્યવસ્થા ઠપ કરી શકે છે. ચીન સરકારના ઉપક્રમે જ અમેરિકન નેટવર્કો પર સાયબર હુમલાઓ થઇ રહ્યા છે.

ઘણા ચીનીઓ અને ચીનની બાબતોના નિષ્ણાતો માને છે કે ટ્રમ્પે એમની પ્રથમ ટર્મમાં ખુલ્લેઆમ ચીન-વિરોધી રૂખ અપનાવી હતી તેના પ્રતાપે ચીનાઓ ત્યારથી જ સેફ રહેવા માટે એક બની ગયા છે. અમુક માને છે કે ટ્રમ્પની બીજી ટર્મ પણ ચીનની એકતા અને વિકાસ માટે એક જાદુઈ શસ્ત્ર પુરવાર થશે. ચીનને અત્યાધુનિક શસ્ત્રો અને ટેકનોલોજીઓ વિકસાવવાની ચીનને વધુ ચાનક ચડશે. જો કે આવી સારી અસર અમેરિકા અને પશ્ચિમમાં પણ પડી શકે છે.

પોતાના માટે અવસરો અને ફાયદાઓ શોધવામાં ચીન હાથ પર હાથ ધરીને બેસી રહ્યું નથી. થોડા દિવસો અગાઉ જ આગળની અર્થાત છઠ્ઠી પેઢીનાં બે ફાઈટર જેટોના પ્રોટોટાઈપનું ઉદ્દઘાટન કરીને ચીને દુનિયાને અચંબામાં મૂકી દીધી હતી. તે અગાઉ તાઈવાન ટાપુની આસપાસ વિક્રમ સંખ્યામાં નૌકા દળનાં જહાજો તરતાં મૂકયાં હતાં, જે અમેરિકાને સીધી ચેતવણી જ હતી. ચીનના દરિયા નજીકના તાઈવાનને ચીન પોતાનો જૂનો હિસ્સો ગણાવી તેને કબ્જે કરવા માગે છે. લોકશાહીય તાઈવાનની પ્રજા અને સરકાર ચીનનો હિસ્સો બનવા માગતાં નથી.

થોડા દિવસો અગાઉ ચીને બ્રીકસ દેશોના સભ્ય તરીકે ઇન્ડોનેશિયાને પ્રવેશ અપાવ્યો. આ રીતે ગ્લોબલ ઓર્ડર અથવા દેશોની સત્તાઓની ધરી પોતાની ફેવરમાં રચી રહ્યું છે. તે અગાઉ ચીને જપાન તરફ નરમ વલણ દાખવ્યું હતું. ભારત સાથેનો લાંબો સમયથી ચાલ્યો આવતો ઝઘડો હાલમાં તો સુલટાવી લીધો છે, પણ આ સમાધાન લાંબું ચાલશે એવી શ્રદ્ધા ભાગ્યે જ કોઇ ભારતીય નાગરિકો ધરાવતા હશે. ચીન અને અમેરિકા અને બાકીની દુનિયા વચ્ચેના સંબંધો માટે ટ્રમ્પનાં ચાર વર્ષ ઐતિહાસિક બની રહેવાની શકયતા છે. સિવાય કે ટ્રમ્પે હેરસ્ટાઈલ બદલી છે એ રીતે સરકાર ચલાવવાની સ્ટાઈલ બદલી નાખે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top