Editorial

ચીનને તેનું માથાભારે વર્તન નડી રહ્યું છે

અમેરિકાએ વિશ્વના અનેક દેશો પર આકરા ટેરિફ લાદ્યા છે ત્યારે ચીન વૉશિંગ્ટનને પીછેહટ કરવાની ફરજ પાડવા એક સંયુક્ત મોરચો રચવાના પ્રયાસમાં  અન્ય દેશોને રિઝવવાના પ્રયાસ  કરી રહ્યું છે. આમ તો અમેરિકાએ ચીન સિવાય તમામ દેશો સામેના ટેરિફ હાલ ૯૦ દિવસ માટે અટકાવી દીધા છે પરંતુ આ ત્રણ મહિના પછી આમાંના નોંધપાત્ર દેશો પર ફરીથી ટેરિફનો  અમલ શરૂ થાય પણ ખરો. અને આ સ્થિતિનો લાભ લઇને ચીને દુનિયાના વિવિધ દેશોને પોતાને પડખે કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે હાલ ભારત સહિત દુનિયાના  અનેક દેશો પરના ટેરિફ ૯૦ દિવસ માટે મુલતવી રાખ્યા છે પણ ચીન પરના ટેરિફ મુલતવી રાખ્યા નથી, તેથી સ્વાભાવિક રીતે ચીન વધુ રોષે ભરાયું છે અને તેણે ટેરિફના મામલે દુનિયાના  દેશોને ભેગા કરીને પોતાની છાવણીમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જો કે કેટલાયે દિવસોથી ચાલી રહેલા આ પ્રયાસમાં તેને આંશિક સફળતા જ મળી છે, જ્યારે મોટા ભાગના દેશો પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર યુદ્ધના મુખ્ય નિશાન એવા ચીન સાથે ભાગીદારી કરવા ઇચ્છા રાખતા નથી.

ટ્રમ્પે બુધવારે મોટા ભાગના દેશો માટે ટેરિફનો અમલ ૯૦ દિવસ માટે મુલતવી રાખ્યો  હતો, તેમણે કહ્યું હતું કે વધુ સાનુકૂળ શરતો માટે વાટાઘાટો કરવા માટે દેશો લાઇન લગાવી રહ્યા છે. ચીને વાટાઘાટની વિનંતી કરવાનો ઇન્કાર કરીને છેવટ સુધી લડી લેવા પ્રતિજ્ઞા કરી તેને  પગલે ટ્રમ્પ ચીનથી થતી આયાતો પર ટેક્સ વધારીને ૧૨૫ ટકા કરવા પ્રેરાયા  અને ચીને અમેરિકી સામાન પર ૮૪ ટકા વેરો લાદ્યો, જે ગુરુવારથી અમલી બની પણ ગયો છે. ચીનના વિદેશ  મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને ગુરુવારે દૈનિક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે. અમેરિકા લોકોનો ટેકો જીતી શકતું નથી અને તે નિષ્ફળતા પામશે. જો કે હાલમાં તો ચીન પોતે જ પોતાના  પ્રયાસોમાં નિષ્ફળ જઇ રહેલું લાગે છે.

દુનિયાના દેશોને ભેગા કરવાના પ્રયાસમાં ચીને  યુરોપ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, વડાપ્રધાન લી કિઆંગ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચેના ફોન કોલ  યોજાયો હતો. તેનાથી બહારની દુનિયાને સકારાત્મક સંદેશ મળ્યો છે. એમ ચીનના પ્રવકતાએ જણાવ્યું હતું. ચીન અને યુરોપિયન યુનિયનના નેતાઓ વચ્ચે સધાયેલી મહત્વપૂર્ણ સર્વસંમતિને  સંયુક્ત રીતે અમલમાં મૂકવા, સંદેશાવ્યવહાર અને આદાનપ્રદાનને મજબૂત બનાવવા અને ચીન-યુરોપિયન યુનિયન વેપાર, રોકાણ અને ઔદ્યોગિક સહયોગને વધુ ગાઢ બનાવવા માટે  યુરોપિયન યુનિયન સાથે કામ કરવા તૈયાર છે એમ સત્તાવાર ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે.

આના પછી મંગળવારે ચીનના વાણિજ્ય પ્રધાન વાંગ વેન્તાઓ અને યુરોપિયન  યુનિયનના કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઇકોનોમિક સિક્યુરિટી સેફકોવિક વચ્ચે અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફ પર ચર્ચા કરવા માટે વિડિઓ કોન્ફરન્સ યોજાઈ હતી. આ યુરોપિયન દેશો સાથે અમેરિકાને યુક્રેન મુદ્દે પણ તનાવ તો સર્જાયો જ હતો અને હવે આ ટેરિફના મામલે તનાવ છે તેથી યુરોપિયન દેશોનો સહકાર ચીનને મળી શકશે પણ અન્ય દેશોનો સહકાર મળવો મુશ્કેલ લાગે છે.

અમેરિકા પ્રત્યેની નારાજગી છતાં બધા દેશો ચીન સાથે જોડાવા માટે રસ ધરાવતા નથી, ખાસ કરીને તે દેશો, જેઓ બૈજિંગ સાથે વિવાદનો ઇતિહાસ ધરાવે છે. આમાંનો એક દેશ  ઓસ્ટ્રેલિયા છે. તેના વડાપ્રધાન એન્થની આલ્બાનિઝે ચીન સાથે સહકારના મામલે ગોળ ગોળ વાત કરીને ચીન સાથે સહકાર  નહીં કરવાનો સંકેત આપી દીધો હતો. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે અમે અમારા માટે બોલીએ છીએ અને મુક્ત વ્યાપાર એક સારી વસ્તુ છે. અમે તમામ દેશો સાથે વાતચીત  કરીએ છીએ, પણ અમે ઓસ્ટ્રેલિયના રાષ્ટ્રીય  હિતો માટે ઉભા રહીએ છીએ અને અમે અમારા પગ પર ઉભા રહીએ છીએ એમ તેમણે કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૦માં  ઓસ્ટ્રેલિયાએ કોવિડ-૧૯ના રોગચાળા અંગે સ્વતંત્ર તપાસની હાકલ કરતા ચીને ઓસ્ટ્રેલિયા સામે ઘણા સત્તાવાર અને બિનસત્તાવાર વેપાર અવરોધો ઉભા કર્યા હતા. ભારતે પણ સહકાર  માટેની ચીનની હાકલ નકારી કાઢી હોવાનું કહેવાય છે. ભારત ચીનની ઓફર નકારી કાઢે તે સ્વાભાવિક છે કારણ કે ચીન તેની સરહદે હજી પણ ઉંબાડિયા કરે  છે અને ભારતને અમેરિકા સાથે વેપાર કરાર થવાની પણ આશા છે.  અને ચીનના ખાસ સાથીદાર એવા રશિયા પર અમેરિકાએ ટેરિફ લાદ્યા જ નથી તેથી રશિયાને સહકાર માટેની હાકલનો કોઇ અર્થ રહેતો નથી.

વિયેટનામ અને કંબોડિયા જેવા એશિયન દેશોને  ચીનમાંથી ફેકટરીઓ ખસીને તેમના દેશમાં આવી તેનાથી લાભ થયો છે અને અમેરિકા સિવાય તેમની વસ્તુઓ અન્ય  કોઇ ખાસ ખરીદતું પણ નથી આથી આ દેશો ખૂબ પાતળા માર્જીન સાથે  પણ અમેરિકા સાથે વેપાર કરી રહ્યા છે. દક્ષિણ ચીની સમુદ્રમાં અનેક દેશો સાથે ચીનને તનાવ છે અને તે દેશો સ્વાભાવિક રીતે ચીન સાથે સહકાર કરવા ઉત્સુક હોય નહીં. લાગે છે કે યુરોપિયન દેશો સિવાય બીજા કોઇ દેશોનો ચીનને સાથ નહીં મળે. ચીનને તેના માથાભારે વર્તનને કારણે ઘણા દેશો સહકાર આપવા તૈયાર થતા નથી તે જણાઇ આવે છે.

Most Popular

To Top