Comments

ભારતીય સૈન્ય કર્મચારીઓને માલદીવમાંથી બહાર કાઢવાના પગલા પાછળ ચીનનો હાથ છે

માલદીવ એ હિંદ મહાસાગરમાં સ્થિત એક નાનો ટાપુ દેશ છે. તે લગભગ 5 લાખ લોકોનું ઘર છે. તે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. ભારતના આ દેશ સાથે ખૂબ જ ગાઢ સંબંધો રહ્યા છે. જ્યારે પણ તેને કુદરતી આફતો અથવા સુરક્ષા સંકટનો સામનો કરવો પડ્યો હોય ત્યારે ભારત હંમેશાં તેની મદદે દોડી ગયું છે. હવે, માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ ભારત સરકારને દેશમાંથી તેના લશ્કરી કર્મચારીઓને પાછા બોલાવી લેવા ઔપચારિક વિનંતી કરી છે. વિદેશી શક્તિઓની ભૂમિકા વિશે દેશમાં મોટી ચર્ચા વચ્ચે આ વર્ષે ઓક્ટોબરમાં મુઇઝુએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. લગભગ એક દાયકાથી ચીને માલદીવ સાથેના સંબંધોને ગાઢ બનાવવાનો અને તે દેશમાંથી ભારતના પ્રભાવને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે.

અગાઉ, માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમે ભારત સાથે ઘણાં વર્ષો સુધી ગાઢ સંબંધો જાળવી રાખ્યા હતા. 2008ની ચૂંટણીમાં તેમની હાર સાથે નવા નેતાઓએ તેમના ચૂંટણી ઝુંબેશના મહત્ત્વના તત્ત્વ તરીકે વિદેશ નીતિ અપનાવી છે. 2008માં માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી)ના મોહમ્મદ નશીદ જીત્યા હતા. એમડીપી અને તેના ટોચના નેતાઓ, ખાસ કરીને નશીદને ભારતસમર્થક તરીકે જોવામાં આવ્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવ્સ (પીપીએમ)ના અબ્દુલ્લા યામીનને ચીનના પ્રતિનિધિ તરીકે જોવામાં આવતા હતા. તેઓ 2013 અને 2018ની વચ્ચે સત્તામાં આવ્યા હતા. આ સમય દરમિયાન યામીને માલદીવને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઈ)નો ભાગ બનાવ્યો હતો.

તેના હેઠળ, ચીન કહે છે કે, તે વેપાર અને કનેક્ટિવિટી વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર – રેલમાર્ગ, બંદરો અને હાઈવેના નિર્માણ માટે નાણાંકીય અને અન્ય તક્નિકી સહાય પૂરી પાડવા માટે મદદ કરવા માંગે છે. આ પ્રોજેક્ટને ચીન દ્વારા એશિયા અને આફ્રિકાના ભાગોમાં પોતાનો પ્રભાવ વધારવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવે છે. 2018માં એમડીપીના ઇબ્રાહિમ સોલિહ રાષ્ટ્રપતિ બન્યા. પાંચ વર્ષ સુધી સોલિહને ભારતીય હિતો માટે અનુકૂળ જોવામાં આવતા હતા.

આ સંદર્ભમાં, મુઈઝુ (પીપીએમ) ઓક્ટોબરમાં 2023ની ચૂંટણી જીતી, વિપક્ષના ‘ઇન્ડિયા આઉટ’ ઝુંબેશ પર સવાર થઈને અને સોલિહને હરાવીને સત્તા પર આવ્યા. 2020માં માલદીવમાં ભારત વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. માલદીવમાં કેટલાંક વિરોધ પ્રદર્શનો થયાં હતાં અને બાદમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપકપણે ફેલાયાં હતાં. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ભારતે માલદીવમાં મોટી સૈન્ય ટુકડી મોકલી છે, જે દાવાને સોલિહ સરકારે વારંવાર નકારી કાઢ્યો હતો. ભારતીય સૈન્ય બે હેલિકોપ્ટર ચલાવવા અને દરિયામાં ફસાયેલાં અથવા આફતોનો સામનો કરી રહેલાં લોકો માટે શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે જાણીતું છે.

ટાપુ દેશોમાં ભારતના માત્ર 70 સૈનિકો છે. આ કર્મચારીઓ ભારત દ્વારા પ્રાયોજિત રડાર અને સર્વેલન્સ એરક્રાફ્ટ ચલાવે છે. આ ક્ષેત્રમાં ભારતીય યુદ્ધ જહાજો દેશના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરવામાં મદદ કરે છે. મુઈઝુ સ્થાનિક રાજકારણને કારણે ભારત વિરોધી છે. જો કે, તેમણે અસંખ્ય ઇમરજન્સી મેડિકલ ઈવેક્યુએશનમાં બે ભારતીય હેલિકોપ્ટરની મહત્ત્વની ભૂમિકાને સ્વીકારી છે. ભારતની સહાય અને પ્લેટફોર્મ કે જેણે જાહેર કલ્યાણ, માનવતાવાદી સહાયતા, આપત્તિ રાહત અને ટાપુ રાષ્ટ્રમાં ગેરકાયદે દરિયાઈ પ્રવૃત્તિઓ સામે લડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

ભારતે કહ્યું છે કે, અમારા કર્મચારીઓ દ્વારા 500થી વધુ તબીબી સ્થળાંતર કરવામાં આવ્યા છે, જેણે છેલ્લાં પાંચ વર્ષમાં 523 માલદીવિયનોના જીવ બચાવ્યા છે. તેમાંથી આ વર્ષે 131, ગયા વર્ષે અન્ય 140 અને 2021માં વધુ 109 સ્થળાંતર કરવામાં આવ્યા હતા. એ જ રીતે, છેલ્લાં પાંચ વર્ષો દરમિયાન માલદીવની દરિયાઈ સુરક્ષા માટે 450થી વધુ બહુપક્ષીય મિશન હાથ ધરવામાં આવ્યા છે. ભારત કોઈ પણ આપત્તિના સંજોગોમાં માલદીવ માટે પ્રથમ પ્રતિસાદ આપનાર રહ્યું છે, જેમાં તાજેતરમાં કોવિડ દરમિયાનનો સમાવેશ થાય છે. જો કે, ભારતીય સૈન્ય કર્મચારીઓને માલદીવમાંથી બહાર કાઢવાના પગલા પાછળ ચીનનો હાથ છે, જેથી તે પોતાના મની પાવરનો ઉપયોગ કરીને પોતાનો પ્રભાવ વધારી શકે.

એક વર્ષ પહેલાં મુઇઝુએ ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીને કહ્યું હતું કે, જો તેમની પાર્ટી ચૂંટણી જીતે તો તે બેઇજિંગ સાથે મજબૂત સંબંધો ઇચ્છે છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ભારતીય સૈન્યની જગ્યાએ ચીની સૈનિકો તૈનાત કરીને પ્રાદેશિક સંતુલન બગાડવાનો તેમનો ઇરાદો નથી. માલદીવના નવા રાષ્ટ્રપતિ સ્પષ્ટપણે ભારત અને ચીન સાથેના સંબંધોમાં યોગ્ય સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન રિજિજુ સાથેની તેમની બેઠકમાં તેમણે માલદીવમાં ભારતને સમર્થન આપી રહેલા પ્રોજેક્ટ્સમાં પ્રગતિ અંગે ચર્ચા કરી, પરંતુ ભારત તેને ધ્યાનથી જોશે અને ચીનને તેના શાસનમાં મોટો પગપેસારો કરવા દેશે નહીં.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top