નવી દિલ્હી: શી જિનપિંગ સતત ત્રીજી વખત ચીનના (China) રાષ્ટ્રપતિ બન્યા છે. તેઓને ચીનના મજબૂત નેતા તરીકે માનવામાં આવે છે. ફરી રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે સોમવારે પીપલ્સ લિબરેશન આર્મી PLAને લઈને મોટું નિવેદન આપ્યું છે. LAC પર ભારત (India) સાથે ચાલી રહેલા તણાવ અને તાઈવાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે તેમણે કહ્યું કે PLAને ‘Great Wall of steel’ બનાવવાનો સમય આવી ગયો છે. જેથી દેશની સાર્વભૌમત્વની રક્ષા થઈ શકે.
શી જિનપિંગે રાષ્ટ્રપતિ અને સેના પ્રમુખ તરીકેના અભૂતપૂર્વ ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં આ બયાન આપ્યું હતું. જિનપિંગે ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે ‘CPC’નું નેતૃત્વ જાળવી રાખવાની પણ અપીલ કરી હતી. NPC સમાપન સમારોહમાં, જિનપિંગે તમામ મોરચે રાષ્ટ્રીય અને સશસ્ત્ર દળોના આધુનિકીકરણને આગળ વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે સશસ્ત્ર દળોને ‘Great Wall of steel’ તરીકે બાંધવાની વાત કરી છે જે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, સુરક્ષા અને વિકાસના હિતોનું રક્ષણ કરી શકે.
રાષ્ટ્રપતિ જિનપિંગે તાઈવાનની સ્વતંત્રતા અંગે બાહ્ય હસ્તક્ષેપ અને અલગતાવાદી પ્રવૃત્તિઓનો સખત વિરોધ કરવાની વાત કરી હતી. આ ઉપરાંત તેમણે સશસ્ત્ર દળોને મજબૂત અને આધુનિક બનાવવાની વાત કરી છે જ્યારે ચીનની LAC એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત સાથે તણાવ અકબંધ છે. સૈન્ય સ્તરની વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા હોવા છતાં સંબંધો તેમજ સ્થિત હજુ સુધી સામાન્ય નથી થઈ. તે જ સમયે ગયા વર્ષે તાઇવાનને લઈને અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ પણ જાણીતો હતો. આ મુકાબલો ગમે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે તે જોઈને જિનપિંગે પોતાની સેનાને વધુ અપગ્રેડ કરવાની વાત કરી હતી.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે જિનપિંગે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે થોડા દિવસ પહેલા જ ચીને સાઉદી અરેબિયા-ઈરાન વચ્ચે વર્ષોની દુશ્મનાવટનો અંત લાવવા અને રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કરવા માટે સમજૂતી કરી હતી. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આ ઘટનાને કૂટનિતિ બળવો કહેવામાં આવી રહ્યો છે.