શિયાળુ ઓલિમ્પિકસ માટે ચીને અદ્યતન ટેકનોલોજીની અદૃશ્ય દિવાલો ચણી છે

તાઇવાન પરની ચીનની આક્રમકતાને આગળ ધરીને અમેરિકા અને તેના મિત્ર દેશો યુ.કે., ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોસોવો, લિથુઆનીઆ વગેરેએ ચીનમાં યોજાઇ રહેલા વિન્ટર ઓલિમ્પિકસનો બહિષ્કાર કર્યો છે. પરંતુ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતીન બીઇજિંગ પહોંચીને પ્રમુખ શી ઝિનપીંગ સાથે પ્રસંગમાં હાજરી આપશે અને ખાસ ગુફતેગો કરશે. હમણાં યુક્રેઇનના મામલે રશિયાને ચીન તરફથી હૂંફ મળે તે જરૂરી છે. વાસ્તવમાં આ રમતોત્સવનો બહિષ્કાર કરવાનું દુનિયાના કોઇ દેશ માટે સૌથી મોટું અને સાચું વાજબી કારણ હોય તો તે ભારત પાસે છે. હજુ બે વરસ પહેલાં ગલવાન ઘાટી ખાતે સામસામી અથડામણમાં ભારતના વીસ જવાનો શહીદ થયા અને ચીને 38 સૈનિકો ગુમાવ્યા.

બરાબર લાત ખાધા પછી પણ ચીન સરહદ પર ખાંડા ખખડાવતું રહે છે. આમ છતાં ઓલિમ્પિક્સની બાબતમાં ભારતે દહીં અને દૂધ બન્નેમાં પગ રાખ્યા છે. રમતોનો બહિષ્કાર કર્યો નથી પરંતુ ઉદ્‌ઘાટન અને પૂર્ણાહુતિની ઉજવણીઓનો, સેલિબ્રેશનનો બહિષ્કાર કર્યો છે. ખેલદિલીની સાથે નારાજગી પણ દર્શાવી છે. જાડી ત્વચાના ડ્રેગન પર તેની કોઇ અસર પડે છે કે કેમ તે જોવાનું રહેશે, પણ એટલું ખરું કે જેને માટે ચીન દુનિયામાં વધુ જાણીતું છે. પડોશીઓને ધમકાવવા માટે, તે કારણ ભારતના પ્રયત્નોથી વધુ ઉજાગર થશે અને ચીનની બદનામીમાં ઇજાફો થશે. આંતરરાષ્ટ્રીય મહેમાનોના સ્વાગત અને સલામતી માટે ચીને પૂરી તૈયારીઓ દુનિયામાં પોતાની તાકાતનો ડંકો વાગે એટલી હદે કરી રાખી છે. નવા પૈસાદાર થયેલા લોકોને પોતાની જાહોજલાલીનું પ્રદર્શન કરવાના ખૂબ અભરખા રહેતા હોય છે. નીઓ-રીચ ચીનને પણ આ ઉમંગ છે.

પશ્ચિમના દેશોને આવા ભવ્ય કાર્યક્રમો યોજવાની આદત પડી ગઇ હોય છે. તેમાંય કોરોનાના આ જનક દેશ કોરોનાને ટાળવા માટેની નવી ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનો છે. નાગણી પોતાના સાપોલિયાને ખાઇ જાય છે તેમ. રમતોત્સવમાં ટેકનોલોજીની મદદ વડે બિનજરૂરી પ્રત્યક્ષ આદાનપ્રદાન અને સંસર્ગો રાખવામાં આવશે. છતાં રમતોત્સવમાં સો લોકો પોતપોતાની જવાબદારીઓ અને કામકાજો નિભાવતા રહેશે. તે માટે અમુક ખાસ લૂપની રચનાઓ કરવામાં આવી છે અને છેલ્લા ઘણા મહિનાઓથી તેની ટ્રાયલો ચાલી રહી છે. આ લૂપ વડે ઓલિમ્પિક્સ ઝોનની અંદર તેમ જ આજુબાજુના બહારના વિસ્તારોમાં લોકો એકમેકનો સંસર્ગ ટાળી શકશે, જેથી કોરોનાનો ફેલાવો ન થાય. આ લૂપ અથવા પ્રદેશ અથવા બબલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સીધા લેન્ડ કરશે અને પ્રસ્થાન પણ કરી શકશે. અહીં હાજર રહેલા તમામ લોકોની તબિયતની રોજબરોજ ચકાસણી થશે. તેમની અવરજવર પણ ખાસ ડેડિકેટેડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી થશે, જેમાં હાઇસ્પીડ ટ્રેન પણ એક પ્રકાર છે. તેમાં બહારના સામાન્ય નાગરિકોને પ્રવેશ અપાશે નહીં.

આયોજકોની જાહેરાત મુજબ જે રમતવીરો કે વીરાંગનાઓએ અને સત્તાવાર મહેમાનો, કર્મચારીઓ વગેરેએ બીઇજિંગમાં પધાર્યા બાદ એકવીસ દિવસની કવોરેન્ટાઇનમાં રહેવું પડશે. જો કે આ લખાય છે ત્યારે આ પ્રક્રિયા પૂરી થઇ ગઇ હશે. તમામ દેશો દ્વારા સ્વીકૃત અલગ અલગ વેક્સિનોના વેક્સિનેશનને પ્રવેશ માટે માન્ય રાખવામાં આવી છે. કોઇ પણ બ્રાન્ડની સત્તાવાર વેક્સિન બાબતમાં ભેદભાવ રખાયો નથી. લગભગ 2200 જેટલા વિદેશી મહેમાનો આવવાના છે અને મોટા ભાગના આવી ગયા છે. તેઓના પ્રત્યેકના લૂપ અથવા વ્યવસ્થાઓનાં કુંડાળાં, જેમકે આગમન, પ્રસ્થાન, પ્રવાસ, મુસાફરી, આવાસો, ભોજન, રમતગમત અને સ્પર્ધાઓ, ઉદ્‌ઘાટન અને સમારંભો વગેરેનાં જડબેસલાક સંકુલો (લૂપ) રચવામાં આવ્યાં છે અને તેમાં બહારથી કોઇ વ્યકિત ઘૂસી ન શકે તેની સલામત વ્યવસ્થા ગોઠવી છે. આ બધી સેવાઓ અને વ્યવસ્થાઓને બીઇજિંગ શહેરના વાયવ્ય વિસ્તારમાં ત્રણ વિશાળ ઝોન વચ્ચે વહેંચવામાં આવી છે અને આ ઝોન પણ કોરોનાના પ્રસારણ અને આગમનથી ખાસ મુકત રાખવામાં આવ્યા છે. વળી આ અલાયદાપણું ગઇ 23 જાન્યુઆરીથી શરૂ કરી દેવાયું છે અને માર્ચની તેર તારીખ સુધી પેરાઓલિમ્પિકસ ચાલશે ત્યાં સુધી અમલમાં રહેશે.

બીઇજિંગ 2022 ઓલિમ્પિકમાં હવાને જંતુમુકત અને નિર્મળ બનાવવા માટે વિશાળ હરતાફરતા મોબાઇલ હવા શુધ્ધિ (એર પ્યોરિફાયર) યંત્રણા કામે લગાડવામાં આવી છે. આ મશીનો હવામાંથી બેકટેરિયા શોધી લે છે અને હવામાં હાઇડ્રોજન ફ્રી રેડિકલ્સ રિલિઝ કરીને અમુક બેકટેરિયાનો નાશ કરે છે. વિશાળ પણ કલોઝડ રમતગમત અરિનાઓ (છતવાળા સ્ટેડિમો)ની અંદરની હવા આ રીતે નિર્મળ બનતી રહેશે. જો કે ગયા ઓકટોબરમાં ચીનના ગોંગઝાઉ ખાતે ‘ચાઇના ઇમ્પોર્ટ એન્ડ એકસપોર્ટ ફેર’ યોજાયો હતો ત્યારે પણ વિશાળ કદના એર પ્યોરીફાયરો કામે લગાડાયા હતા અને તેનાથી ખૂબ મોટો ફરક પડયો હતો. કોરોના રોગચાળો ફાટયો ત્યારબાદ આ યંત્રણા આ મેળામાં પ્રથમ વાર કામે લગાડી હતી. એ મેળામાં છ લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા અને એક પણ વ્યકિત વાઇરસ લઇને પાછી ગઇ ન હતી.

પોતાની મેળે યુનિફોર્મ સ્વાદની ચા, કોફી અને બીજાં પીણાં તૈયાર કરી મહેમાનોને પીરસતા રોબોટની યંત્રણા ઠેકઠેકાણે મૂકાઇ છે તેમાં ઓર્ડર આપ્યાના ચાર મિનિટમાં રોબોટ કોફી લઇને હાજર થાય છે. આ જગ્યાઓને ‘રોબોટ બારિસ્તા’ નામ આપ્યું છે. તે ગ્રાહકની ઇચ્છા મુજબ પોતાના છ હાથ વડે અલગ અલગ કિસ્મની કોફી બનાવી આપે છે. લોજિસ્ટિક રોબોટ 300 કિલોગ્રામ વજન ઉપાડી શકે છે અને અલગ અલગ વેન્યુઓ પર જાતે, કોઇના સંસર્ગમાં આવ્યા વગર માલસામાન પહોંચાડી શકે છે. જયારે તે માલ લઇને આવે ત્યારે જેણે સ્વીકારવાનો હોય તેને ફોન પર મેસેજ મોકલીને જાણ કરે છે. વેન્યુઓ પર અને બે વેન્યુઓની વચ્ચે પોતાની કૃત્રિમ બુધ્ધિનો ઉપયોગ કરીને આ રોબો પોતાનો માર્ગ અને ગંતવ્ય શોધી કાઢે છે. તે કયાંય માણસની માફક અથડાતો નથી, અવળે માર્ગે ચડી જતો નથી અને પોતાની જાતે જ પોતાને ચાર્જ કરી લે છે. તમામ વેન્યુઓને ફાઇવ-જી સેવાથી સાંકળવામાં આવ્યા છે. હાઇ સ્પીડ રેલ પણ આ ટેકનોલજીના આધારે દોડે છે. તેના થકી આંતરરાષ્ટ્રીય ઓનલાઇન પ્રેક્ષકો પણ ગેઇમ્સને સારી ટેકનોલોજી સાથે રીઅલ ટાઇમમાં માણી શકશે. ફ્રોમ ચાઇના વીથ લવ એન્ડ ફીઅર.
          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top