World

ચીને ફરી તાઈવાનમાં ઘૂસણખોરી કરી, સંરક્ષણ મંત્રાલયે 8 ફાઈટર જેટ સરહદમાં ઘૂસ્યા હોવાનો દાવો કર્યો

નવી દિલ્હી: ચીન (China) અને તાઈવાન (Taiwan) વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ચીન તાઈવાનને પોતાનો જ ભાગ માને છે. જ્યારે તાઈવાન પોતાને ચીનનો હિસ્સો માનતું નથી અને પોતાને એક સ્વતંત્ર રાષ્ટ્ર (independent nation) માને છે. આ વિવાદમાં (controversy) તાઈવાનને અમેરિકાનું (America) સમર્થન છે. ત્યારે તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે આજે રવિવારે સવારે દાવો કર્યો હતો કે ચીનના વિમાનોએ તેમના હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી (Intrusion) કરી હતી. ચીનના વિમાનોની સાથે ચીનના બલૂન (Balloon) પણ તાઈવાનના એરસ્પેસમાં પ્રવેશ્યા હતા.

  • ચીને ફરી તાઈવાનમાં ઘૂસણખોરી કરી
  • 8 ફાઈટર જેટ સરહદમાં ઘૂસ્યા હોવાનો દાવો કર્યો
  • ચીનનું બલૂન તાઈવાનની સરહદમાં ઘૂસ્યુ
  • અમેરિકામાં પણ આવું જ એક બલૂન જોવા મળ્યું હતું

ચીની ફાઈટર જેટ તાઈવાનની સરહદમાં ઘૂસી આવ્યું છે
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે સમગ્ર મામલે કહ્યું કે ચીનના J-10, J-11 ફાઈટર જેટ્સે સ્ટ્રેટ ઓફ મેડિયન લાઈનને પાર કરી હતી. સ્ટ્રેટ ઓફ મેડિયન લાઇન બંને દેશો વચ્ચેની બિનસત્તાવાર જળ સરહદ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ચીનના વિમાનો અને સર્વેલન્સ જહાજો આ મર્યાદાનું સતત ઉલ્લંઘન કરી રહ્યા છે. સરહદ ઉલ્લંઘનની જાણ થતાં, તાઇવાને પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તેની સેનાને સ્થળ પર મોકલી હતી. આ સાથે જ તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે ચીનનું બલૂન પણ તાઈવાનની સરહદમાં ઘૂસી ગયું હતું. બલૂન શનિવારે સવારે તાઈવાનની હવાઈ ક્ષેત્રમાં ઘૂસીને તાઈવાનના દરિયાકાંઠાના શહેર કીલુંગ પહોંચ્યું હતું. ત્યારે આ બલૂન અંગે ચીને હજી સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા અમેરિકામાં પણ આવું જ બલૂન જોવા મળ્યું હતું. અમેરિકાએ દાવો કર્યો હતો કે તે એક જાસૂસી બલૂન હતું. તેમજ અમેરિકાએ બલૂનને નિશાન બનાવીને તોડી પાડ્યું હતું. તેમજ અગાઉ પણ એપ્રિલમાં ચીનના ફાઈટર જેટ્સે તાઈવાનની સરહદમાં ઘૂસણખોરી કરી હતી. ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે જાન્યુઆરીમાં તાઈવાનમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓમાં અમેરિકા અને ચીનના ઊંડા વ્યૂહાત્મક હિતો છે. આ જ કારણ છે કે તાઈવાનની ચૂંટણી માત્ર તાઇવાનની જ નહીં પરંતુ અમેરિકા અને ચીનની વધુ બની ગઈ છે. તેમજ આખા વિશ્વની નજર આ ચૂંટણીઓ પર છે.

Most Popular

To Top