National

ભારતની આ શાળાના બાળકો હવે ‘ગુડ મોર્નિંગ’ની જગ્યાએ ‘જય હિંદ’ બોલશે

નવી દિલ્હી: ભારત 15મી ઓગસ્ટ 2024ના રોજ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. ત્યારે દેશભરમાં આ દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ભઅરતના એક રાજ્યમાં સ્વતંત્રા દિવસને ધ્યાનમાં રાખીને એક ખુબ જ સુંદર નિર્ણય લેવામાં આવ્યો છે. અંગ્રેજી ભાષાને અવગણીને હવે શાળાના બાળકો હિંદનું નામ લઇ એક બીજાને સવારે મળશે.

અસલમાં સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે મોટો નિર્ણય લીધો છે. હરિયાણાની નાયબ સિંહ સૈની સરકારે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે હવે રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓએ સવારે ગુડ મોર્નિંગને બદલે જય હિન્દ બોલવું પડશે. સરકારના આ નિર્ણયનો અમલ 15 ઓગસ્ટ 2024થી શરૂ થશે. આટલું જ નહીં પરંતુ પોતાના આ નિર્ણય પાછળ હરિયાણા સરકારે કારણ પણ દર્શાવ્યું છે.

હરિયાણા સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે 2024ના સ્વતંત્રતા દિવસથી તમામ શાળાઓમાં ગુડ મોર્નિંગની જગ્યાએ જય હિંદનો ઉપયોગ કરવામાં આવશે. શાળા શિક્ષણ નિયામકના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાનો હેતુ વિદ્યાર્થીઓમાં “દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ઊંડી ભાવના જગાડવાનો” છે. આ આદેશ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, જિલ્લા બ્લોક શિક્ષણ અધિકારીઓ, બ્લોક પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, આચાર્યો અને મુખ્ય શિક્ષકોને મોકલવામાં આવ્યો છે.

સુભાષ ચંદ્ર બોઝે જય હિંદનો નારા આપ્યો હતો
હરિયાણા સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જય હિંદનો નારા સુભાષ ચંદ્ર બોઝે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આપ્યો હતો. ભારતના સશસ્ત્ર દળોએ પણ જય હિંદને સલામી તરીકે સ્વીકારી હતી. જેથી હવે હરિયાણાની શાળાઓમાં ગુડ મોર્નિંગને બદલે જય હિંદનો ઉપયોગ કરવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓ દરરોજ રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે પ્રેરિત થશે. આ સાથે જ જય હિંદના નારા દ્વારા દેશના સમૃદ્ધ ઈતિહાસ પ્રત્યે આદર પણ વ્યક્ત કરી શકાય છે.

જય હિંદ એકતાને પ્રોત્સાહન આપે છે– હરિયાણા સરકાર
હરિયાણા સરકારે વધુમાં કહ્યું હતું કે જય હિંદનો નારો વિદ્યાર્થીઓને દેશની આઝાદી માટે આપેલા બલિદાનની કદર કરવા માટે પ્રોત્સાહિત કરશે. સરકારે એમ પણ કહ્યું છે કે જય હિન્દનો નારો પ્રાદેશિક, ભાષાકીય અને સાંસ્કૃતિક મતભેદોને પાર કરે છે અને અલગ-અલગ સ્થળેથી અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ વચ્ચે એકતાને પ્રોત્સાહન આપે છે.

Most Popular

To Top