ગાંધીનગર : મહાશિવરાત્રીના પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગરવા ગિરનારની ગોદમાં સ્થિત સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરીને શ્રદ્ધાભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. મહાશિવરાત્રીના આસ્થાના મહાકુંભ સમાન મેળાના અંતિમ દિવસે મુખ્યમંત્રીએ ભવનાથ મંદિર પરિસરમાં સાધુ-સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને તેમને ખેસ અર્પણ કરી વિશેષ સન્માન સાથે અભિવાદન કર્યું. સંત સમાગમ માટે પ્રખ્યાત આ મેળામાં તેમણે વિવિધ અખાડાઓના મહંતો અને દિગંબર સાધુઓ સાથે મુલાકાત કરી આધ્યાત્મિક ચેતનાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ અખંડ ધુણાના દર્શન કર્યા બાદ મૃગીકુંડ ખાતે નમન કર્યું હતું. સત્સંગ હોલમાં મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, હરિહરાનંદ બાપુ, મહેશગીરીબાપુ, મહેન્દ્રાનંદગીરીબાપુ, સંપૂર્ણાનંદજી બાપુ, રાજેન્દ્રદાસ બાપુ, ભારદ્વાજગીરી બાપુ, બુદ્ધગીરી બાપુ અને સોમનાથજી બાપુ સહિતના સંતો સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતા. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રીએ ભવનાથ મંદિર પરિસરમાં સહજતાપૂર્વક ભાવિકો સાથે વાતચીત કરી તેમનું અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રી પર્વે વિવિધ અખાડાઓની રવેડી અને નાગા સાધુઓની ઉપસ્થિતિ મેળાનું વિશેષ આકર્ષણ બને છે.ગરવા ગિરનારની પવિત્ર ધરતી પર યોજાતા આ મહોત્સવે ભક્તિ, આધ્યાત્મ અને પરંપરાનો અનોખો સમન્વય સર્જ્યો હતો.