બિહારના મધેપુરા જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મધેપુર જિલ્લાના જયપાલપટ્ટી વિસ્તારમાં રહેતી એક મહિલાના વોટર આઈડી કાર્ડ પર મુખ્યમંત્રી નીતિશ કુમારનો ફોટો છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તા.9 જુલાઇ બુધવારે બિહાર બંધ દરમિયાન મહિલાના પતિ ચંદન કુમાર વોટર આઈડી કાર્ડ લઈને મીડિયા સમક્ષ પહોંચ્યા હતા.
જ્યારે પતિ ચંદને મીડિયાને પોતાનું વોટર આઈડી કાર્ડ બતાવ્યું ત્યારે તે કાર્ડ પર નામ અભિલાષા કુમારી લખેલું હતું, પરંતુ ફોટો બિહારના સીએમ નીતિશ કુમારનો હતો. આવી સ્થિતિમાં ચંદને કટાક્ષમાં કહ્યું કે, હું મારી પત્ની, અભિલાષા કે નીતિશ કુમાર કોને માનું ?. ચંદને તેને ચૂંટણી પંચની બેદરકારી ગણાવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘લગભગ અઢી મહિના પહેલા, પોસ્ટ ઓફિસમાંથી મારી પત્નીના નામે એક વોટર આઈડી કાર્ડ આવ્યું હતું .પરબિડીયું પર નામ અને સરનામું બધું સાચું હતું, પરંતુ જ્યારે કાર્ડ જોયું ત્યારે તેના પર તેની પત્નીના જગ્યાએ મુખ્યમંત્રી નિતિશ કુમારનો ફોટો છપાયેલો હતો.’

BLOએ મામલો છુપાવવાની સલાહ આપી: ચંદન કુમારે કહ્યું, ‘અમે આ અનિયમિતતા અંગે અમારા BLOનો સંપર્ક કર્યો ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘આ વાત કોઈને ના કહેશો.’ BLO દ્વ્રારા આ વાતને છુપાવા માટે કહેવામા આવ્યું હતું.
જોકે, ચંદને પ્રશ્ન ઉઠાવતા કહ્યું, ‘સામાન્ય રીતે વોટર આઈડી પર ભૂલથી કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોટો છાપવામાં આવે છે, પરંતુ સામાન્ય મહિલાના કાર્ડ પર રાજ્યના મુખ્યમંત્રીનો ફોટો છાપવો એ મોટી બેદરકારી છે.’
તેમજ આની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ભૂલ ન થાય.’
ચૂંટણી પંચ ભાજપની કઠપૂતળી: પતિ ચંદને મીડિયાને કહ્યું કે, ‘ચૂંટણી પંચ ભાજપની કઠપૂતળી બની ગયું છે. એટલા માટે આવી ભૂલો થઈ રહી છે. એક તરફ રાજ્યમાં હત્યાઓ અને બળાત્કાર થઈ રહ્યા છે.જેને લઈ રાજ્યના લોકો આનાથી પરેશાન છે. તો હવે આવી વોટર આઈડી ચકાસણી કરાવીને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે.’
અધિકારીએ શું કહ્યું?: આ બાબતે, નાયબ ચૂંટણી અધિકારી જિતેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ‘આ વોટર આઈડી કાર્ડ કર્ણાટકમાં બનેલું છે. જો તે ફોર્મ 8 ભરીને SDOની ઓફિસમાં અથવા ઓનલાઈન સબમિટ કરે છે, તો તેમાં સુધારો કરવામાં આવશે.’